1. Home
  2. Regional
  3. ગુજરાતની ત્રણ ગ્રાન્ટેડ બીએડ કોલેજોને અપૂરતા સ્ટાફને લીધે ખંભાતી તાળાં લાગશે
ગુજરાતની ત્રણ ગ્રાન્ટેડ બીએડ કોલેજોને અપૂરતા સ્ટાફને લીધે ખંભાતી તાળાં લાગશે

ગુજરાતની ત્રણ ગ્રાન્ટેડ બીએડ કોલેજોને અપૂરતા સ્ટાફને લીધે ખંભાતી તાળાં લાગશે

0

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે ગ્રાન્ટેડ બીએડ કોલેજોની હાલત કફોડી બની છે. અપૂરતા સ્ટાફને કારણે ગુજરાતની ગ્રાન્ટેડ બીએડ કોલેજો પર તવાઈ શરૂ થઈ છે. તાજેતરમાં દિલ્હી ખાતે મળેલી એનસીટીઈની બેઠકમાં ગુજરાતની ત્રણ ગ્રાન્ટેડ બીએડ કોલેજોને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. આ કોલેજોમાં છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાની ફરિયાદો ઊઠી હતી. જેના કારણે કાઉન્સિલ દ્વારા કોલેજોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એનસીટીઈએ ગુજરાતની ત્રણ બીએડ કોલેજોને નોટિસ ફટકારી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ કોલેજ મહેસાણા, સી.એચ.શાહ કોલેજ સુરેન્દ્રનગર અને સુરતની કોલેજ ઓફ એજ્યુકેશન ગ્રાન્ટેડ કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજોમાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં સ્ટાફ નહોતો. આમ સ્ટાફ વગર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાની વિગતો સામે આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક બાજુ ગ્રાન્ટેડ બીએડ કોલેજો બંધ થઈ રહી છે અને બીજી તરફ ખાનગી બીએડ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે. દર વર્ષે બેઠકો કરતાં પ્રવેશ ફોર્મની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આમ મોટા પ્રમાણમાં ફી વસૂલી ખાનગી બીએડ કોલેજો વિદ્યાર્થીઓને ૯૦થી ૯૫ ટકા સુધીના પરિણામ આપતી હોવાની વિગતો પણ સામે આવી છે. સસ્તી ફીમાં ભણાવતી બીએડ કોલેજો બંધ થતાં વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી બી.એડ્. કોલેજમાં સરકારી નીતિ-નિયમોની સરેઆમ ઐસીતૈસી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી હતી.

tags:

LEAVE YOUR COMMENT