1. Home
  2. Regional
  3. ગુજરાતમાં ભાજપ બાકીની 10 બેઠકોના ઉમેદવારોની જાહેરાત આજે રાત સુધીમાં કરે એવી શક્યતા
ગુજરાતમાં ભાજપ બાકીની 10 બેઠકોના ઉમેદવારોની જાહેરાત આજે રાત સુધીમાં કરે એવી શક્યતા

ગુજરાતમાં ભાજપ બાકીની 10 બેઠકોના ઉમેદવારોની જાહેરાત આજે રાત સુધીમાં કરે એવી શક્યતા

0

 ગાંધીનગરઃ  લોકસભાની ચૂંટણીમાં ભાજપે રિપીટની થિયરી અપનાવીને 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. 15 બેઠકામાંથી 14 સાંસદોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરની બેઠક પર દેવજી ફતેપરાને પુનઃ ટિકિટ આપવામાં આવી નથી. હવે 10 બેઠકોના ઉમેદવાર પસંદ કરવા મથામણ ચાલી રહી છે. જેમાં જૂનાગઢ અને આણંદ બેઠક માટે ભાજપને ઉમેદવાર પસંદગીના મામલે ભારે કવાયત કરવાની ફરજ પડી રહી છે. ગુજરાતમાં ભાજપને તમામ 26 બેઠકો જીતવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. એટલે છેલ્લી ઘડીએ જુનાગઢ અને આણંદની બેઠક પર રિસર્વે કરાવવો પડ્યો છે. જોકે આજે સોમવારે રાત સુધીમાં બાકીની 10 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવશે.  

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ભાજપમાં લોકસભાની જૂનાગઢ અને આણંદ બેઠક માટે ઉમેદવારોના નામને લઇને પેચ ફસાયેલો છે. ભાજપને આ બે બેઠકો માટે યોગ્ય ઉમેદવાર ન મળતા ભાજપ મૂંઝવણમાં મૂકાયેલી છે. આવી સ્થિતિમાં આ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવા માટે વિલંબ થઇ રહ્યો છે. જૂનાગઢમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવા માટે માંગણી કરી છે. ત્યારે યોગ્ય ઉમેદવારો સામે ન આવતા ભાજપ તેમના પરિવારના સભ્ય તરફ ઉમેદવારીના નામ માટે નજર દોડાવી શકે છે. ત્યારે આણંદ બેઠક ઉપર ચાલુ સાંસદ દિલીપ પટેલને રિપીટ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આમ બે દાવેદારોના લોબિંગના કારણે ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થતાં છેલ્લી ઘડીએ કોઇ નવું નામ પણ આવી શકવાની શક્યતાઓ સુત્રો સેવી રહ્યા છે. આ ઉપરાંત મહેસાણા-પાટણ, બનાસકાંઠા અને પોરબંદરની બેઠકના મામલે પણ જો અને તો ની સ્થિતિ સર્જાઈ છે. જોકે આજે સોમવારે રાત સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ (પશ્ચિમ), પોરબંદર, જૂનાગઢ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરતની બેઠકોના ઉમેદવાર જાહેર કરાશે. વિધાનસભાની ઊઝા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં ડો.આશાબહેન પટેલના નામના મુદ્દે સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી માટેનાં નામ નક્કી થઇ શક્યાં ન હતાં. પાટણ અને બનાસકાંઠામાં કોંગ્રેસની રણનીતિના આધારે ભાજપ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે, જ્યારે અમદાવાદ (પૂર્વ) સહિતની ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે નામ નક્કી થઇ શક્યા ન હતા. પાટણમાં લીલાધર વાઘેલાના સ્થાને પ્રધાન દિલીપ ઠાકોર અને પોરબંદરમાં વિઠ્ઠલ રાદ‌િડયાના બદલે તેમના પુત્ર જયેશ રાદ‌િડયાને ભાજપ લોકસભા ચૂંટણી લડાવવા ઇચ્છે છે, પરંતુ હજુ સુધી આ મામલે સહમતી સધાઇ નથી. મધ્ય ગુજરાતમાં ઓબીસી આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આણંદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઉમેદવારની પસંદગીના મુદ્દે ભાજપ અટવાયું છે.

tags:

LEAVE YOUR COMMENT