ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સુધી સીમિત રાખવામાં સફળ રહેલી કોંગ્રેસ હવે લોકસભાની ચૂંટણીમાં રાજ્યની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર જીત મેળવવાની કોશિશ કરવા રણનીતિ બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે તડામાર રાજકીય તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ સ્તરની બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ચુક્યો છે. આવી મહત્વની બેઠકોમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની ગેરહાજરીનો મુદ્દો પણ ખાસો ચર્ચામાં છે. તેના સિવાય કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી માટે 26 બેઠકો પર કોંગ્રેસના 140 દાવેદારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસના 14 દાવેદારો હોવાની ચર્ચા છે. આમાથી 68 નામને શોર્ટલિસ્ટ કરાયાનું પણ માનવામાં આવે છે. લોકસભાની 16 બેઠકો પર સરેરાશ ત્રણ જેટલા નામ સામે આવ્યા છે. જ્યારે 10 બેઠકો પર સરેરાશ એક અથવા બે નામ સામે આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં 4 લોકસભાની બેઠક માટે સૌથી વધુ 36 ઉમેદવારોએ દાવેદારી કરી છે. તેમા મહેસાણા લોકસભા સીટ પર સૌથી વધુ 14 નામ આવ્યા છે. મધ્ય ગુજરાતની 5 લોકસભાની સીટ માટે 18 ઉમેદવારો દ્વારા દાવેદારી કરાઈ છે. તો સૌરાષ્ટ્રની આઠ બેઠકો માટે કોંગ્રેસના 30 દાવેદારોના નામ ચર્ચામાં છે. દક્ષિણ ગુજરાતની છ લોકસભા બેઠકોમાંથી 15 ઉમેદવારોએ દાવેદારી કરી છે. અમદાવાદ પૂર્વની બેઠક માટે પાંચ દાવેદારો, અમદાવાદ પશ્ચિમ માટે ત્રણ દાવેદારોએ કોંગ્રેસની ટિકિટની માગણી કરી છે. જ્યારે ગાંધીનગર બેઠક માટે ત્રણ દાવેદારો મેદાનમાં છે.