1. Home
  2. Political
  3. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી કરી રદઃ ભાજપના પબુભા માણેકનું ધારાસભ્યપદ જશે
ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી કરી રદઃ ભાજપના પબુભા માણેકનું ધારાસભ્યપદ જશે

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી કરી રદઃ ભાજપના પબુભા માણેકનું ધારાસભ્યપદ જશે

0

અમદાવાદ: ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પાટલી બદલુની મોસમ પણ ખીલી ઊઠી છે. ત્યારે દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશથી ભાજપને વધુ એક ફટકો પડ્યો છે.

દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર શિવભક્ત અને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક 6943 મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. હવે દ્વારકામાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પબુભાનું ધારાસભ્ય પદ પણ જશે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે 20-11-2017ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પરથી ચૂંટણી લડી શક્યા હતા.આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

આ બાબતે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી ફોર્મની પ્રક્રિયા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે પબુભા માણેકે તેમને ઉમેદવારી ફોર્મમાં વિધાનસભા 82 દ્વારકા લખ્યું ન હતું. આ બાબતે અમે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના દબાણ હેઠળ અધિકારીઓએ ફોર્મ માન્ય રાખ્યું હતું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. આજે સત્યની જીત થઈ છે. કોર્ટે આ ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કર્યો છે.

LEAVE YOUR COMMENT