1. Home
  2. Regional
  3. નર્મદા ડેમમાં પુરતું પાણી છે, દરરોજ 375 કરોડ લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છેઃ નીતિન પટેલ
નર્મદા ડેમમાં પુરતું પાણી છે, દરરોજ 375 કરોડ લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છેઃ નીતિન પટેલ

નર્મદા ડેમમાં પુરતું પાણી છે, દરરોજ 375 કરોડ લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છેઃ નીતિન પટેલ

0

ગાંધીનગરઃ ગુજરાતમાં ભર ઉનાળે પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકારે પણ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટેનું આયોજન કર્યું છે. રાજ્યના ૬ કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવું તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીનો જથ્થો નાગરિકોને પહોંચે તે માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે. ઉનાળા દરમિયાન રાજ્યના નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે. તેમ રાજ્યના નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે જે ગયા વર્ષ કરતાં દરરોજનું ૫૦ કરોડ લીટર વધારે છે. તે પૈકી ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લીટર જેટલું વધારે છે. આમ, ગુજરાતમાં નર્મદા આધારીત ૮૯૧૧ ગામો, ૧૬૫ શહેરો અને ૬ મહાનગરપાલિકાઓમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે. ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો હતો. જેથી પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાના ડેમોમાં ઓછા પાણીની આવક થઈ હતી. પરિણામે આ જિલ્લાઓમાં પાતાળ કૂવાઓ પણ ઓછા રિચાર્જ થયા છે. ઉપરોક્ત કારણોસર રાજ્ય સરકારે પીવાના પાણી માટે નર્મદા નહેરની માળિયા અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે મૂજબ હાલ પણ બન્ને બ્રાંચ કેનાલો ચાલુ છે જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે અંજારથી ભૂજના કુકમા સુધી કચ્છ જિલ્લાની પાઇપલાઇનના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ કરાયા છે. જેના દ્વારા ભૂજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારોમાં અત્યાર સુધી ૧૦ કરોડ લીટર પાણી આપવામાં આવતું હતું હવે તે વધીને ૧૩ કરોડ લીટર થયું છે. ગઢડા મુકામની પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે નવા પંપો પણ કાર્યરત કર્યા છે, જેના દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરરોજ વધારાનું ૫ કરોડ લીટર પાણી આપવાનું શરૂ કર્યું છે. અમરેલી જિલ્લામાં પણ ચાવંડથી ૫ કરોડ લીટર પાણી અપાતું હતું જે વધારીને ૬ કરોડ લીટર કરાયુ છે. રાજ્યમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરું પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં મહદઅંશે વધારો થવાની શક્યતા છે. આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા “સૌની યોજના” મારફતે મચ્છુ-૨, મચ્છુ-૧, આજી-૧, ન્યારી-૧, આજી-૩, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢમાં પાણી ભરવામાં આવેલ છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે.

tags:

LEAVE YOUR COMMENT