1. Home
  2. Political
  3. પાકિસ્તાન આબાદ રહે, પાકિસ્તાનને એક ગાળ આપનારને હું દશ ગાળો આપીશ: નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર
પાકિસ્તાન આબાદ રહે, પાકિસ્તાનને એક ગાળ આપનારને હું દશ ગાળો આપીશ: નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર

પાકિસ્તાન આબાદ રહે, પાકિસ્તાનને એક ગાળ આપનારને હું દશ ગાળો આપીશ: નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર

0

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી પહેલા કાશ્મીર ખીણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાન પ્રેમ દર્શાવવાની નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા પ્રાદેશિક પક્ષોમાં હોડ જામી છે. ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબર લોને ફરી એકવાર વિવાદીત નિવેદન કરીને પોતાના પાકિસ્તાન પ્રેમને વોટ માટે પ્રદર્શિત કર્યો છે. નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબર લોને એક જાહેરસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે “પાકિસ્તાન આબાદ રહે અને પાકિસ્તાન કામિયાબ રહે. જો કોઈ પાકિસ્તાનને એક ગાળ આપશે, તો હું તેને અહીંથી દશ ગાળો આપીશ.”

મોહમ્મદ અકબર લોન અનંતનાગ લોકસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર છે. તેઓ કુપવાડામાં એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના સંબોધનમાં મોહમ્મદ અકબર લોને કહ્યુ છે કે “મારી સામેવાળો એ મુસ્લિમ દેશ (પાકિસ્તાન) આબાદ રહે, કામિયાબ રહે. આપણી અને તેમની દોસ્તી વધે. પાકિસ્તાન અને હિંદુસ્તાનની દોસ્તી પરસ્પર રહે. એ દોસ્તીનો હું આશિક છું. જો કોઈ તેમને એક ગાળ આપશે, તો હું અહીંથી દશ ગાળ આપીશ.”

ભાજપ અને પીડીપી પર શાબ્દિક હુમલા કરતા મોહમ્મદ અકબર લોને કહ્યુ છે કે “પીડીપી અને ભાજપે જનતાને ખોટા વાયદા કર્યા અને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. પરંતુ હવે સમય આવી ચુક્યો છે કે જ્યારે તમે તમારા વોટનો યોગ્ય ઉપયોગ કરીને યોગ્ય નેતાને ચૂંટો છો.”

પોતાના સંબોધનમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબર લોને સ્વીકાર્યું હતું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રો પોકારાઈ રહ્યા હતા, ત્યારે તેમણે પાકિસ્તાન જિન્દાબાદના સૂત્રો પોકાર્યા હતા.

મોહમ્મદ અકબર લોન પહેલા પણ વિવાદીત નિવેદનબાજી કરી ચુક્યા છે. પુલવામા એટેક બાદ મોહમ્મદ અકબર લોને કહ્યુ હતુ કે “ચીને યુએનમાં મસૂદ અઝહરનો બચાવ કર્યો, તેના વખાણ થવા જોઈએ. ચીને આમ કરીને ભારતને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો છે.” આ નિવેદન પહેલા પણ મોહમ્મદ અકબર લોન વિવાદીત ટીપ્પણીઓ કરી ચુક્યા છે.

tags:

LEAVE YOUR COMMENT