1. Home
  2. Regional
  3. પાટણની બેઠક પરથી ભાજપ કોને ટિકિટ આપશેઃ અટકળોનું બજાર ગરમ
પાટણની બેઠક પરથી ભાજપ કોને ટિકિટ આપશેઃ અટકળોનું બજાર ગરમ

પાટણની બેઠક પરથી ભાજપ કોને ટિકિટ આપશેઃ અટકળોનું બજાર ગરમ

0

પાટણ : લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ દ્વારા જિલ્લામાં નિરક્ષકો મોકલીને ટિકિટવાચ્છું ઉમેદવારોને સાંભળીને અરજી લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. ધાર્યું તો ધણીનું થાય તેમ ટિકટ આપવાનો આખરી નિર્ણય તો ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ કરવામાં આવશે. પાટણની લોકસભાની બેઠક પર જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને જ ટિકિટ આપવામાં આવશે.  જેમાં પાટીદાર કે ઠાકોર સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી શક્યાતા છે. જો મહેસાણા બેઠક માટે પાટીદાર સમાજમાંથી અને બનાસકાંઠા બેઠક માટે ચૌધરી સમાજમાંથી ઉમેદવારની પસંદ કરવામાં આવશે તો પાટણ બેઠક પર ઠાકોર સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે એવી શક્યતા છે. હાલના સાંસદ લીલાધર વાઘેલાને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા નહીવત છે. ત્યારે લીલાઘર વાઘેલાએ પણ હું નહી તો મારા પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માગણી કરી હોવાનું કહેવાય છે. ત્યારે હાથણી કોના પર કળશ ઢોળશે અને પાટણ માટે ભાજપનો મુરતિયો કોણ હશે તે પખવાડિયામાં જ જાહેર થઈ જશે.  

આગામી લોકસભાની ચૂંટણીનું રણસીંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાટણ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે આગામી લોકસભા માટે પોતાની પાર્ટીનો ઉમેદવાર કોણ હશે તે માટે  ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં પાટણ લોકસભાના નિરિક્ષક આઈ.કે.જાડેજા,  મયંક નાયક,વર્ષાબેન દોશીએ ઉમેદવારોના સેન્સ લીધા હતા. જેમાં પાટણ લોકસભામાં આવતી વિધાનસભા ક્ષેત્ર  જેવાકે  કાંકરેજ પાટણ, રાધનપુર, સિધ્ધપુર, ચાણસ્મા, ખેરાલુ, વડગામ વિસ્તારના અગ્રણી કાર્યકર્તાઓના પાર્ટી નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. સેન્સ લેવાની પ્રક્રિયા સવારે દસ વાગ્યાથી લઈ મોડી સાંજ સુધી ચાલી હતી જેમાં જિલ્લા અને તાલુકા  સહિત પાર્ટીના અગ્રણી આગેવાનો અને  કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કેબિનેટ મંત્રી અને ચાણસ્મા વિધાનસભા ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે લોકસભા લડવા માટે તેઓ પોતે ઉમેદવારી કરતા નથી પરંતુ પાર્ટી જેને ઉમેદવાર બનાવશે તેને મદદ કરશે તેમ જણાવ્યું હતું .આ સેન્સ પ્રક્રિયામાં જુગલ લોખંડવાલા ,પૂર્વ એમ પી  નટુજી ઠાકોર સહિત ના નામો સામે આવી રહ્યા છે .જો કે આ અંગે નિરીક્ષક આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે આ આખરી પ્રક્રિયા નથી પરંતુ હજુ આજે જે નામ આવશે તે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકાશે ત્યારબાદ ભાજપા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે .

tags:

LEAVE YOUR COMMENT