1. Home
  2. Regional
  3. પાટણમાં જમીન માપણી સર્વેયર એક લાખની અને રાધનપુરમાં સુપરવાઈઝર 10 હજારની લાંચ લેતાં પકડાયા
પાટણમાં જમીન માપણી સર્વેયર એક લાખની અને રાધનપુરમાં સુપરવાઈઝર 10 હજારની લાંચ લેતાં પકડાયા

પાટણમાં જમીન માપણી સર્વેયર એક લાખની અને રાધનપુરમાં સુપરવાઈઝર 10 હજારની લાંચ લેતાં પકડાયા

0

પાટણઃ  જિલ્લામાં પાટણની જમીન માપણી કચેરીના સર્વેયર અને અન્ય એક ખાનગી વ્યક્તિને, લીઝ ગેરકાયદેસર હોવાનો રીપોર્ટ ન કરવા અંગે રૂ. 1 લાખની લાંચ લેતાં કચેરીમાંથી આણંદની એસીબી ટીમ દ્વારા પકડી લેવાયા હતા જ્યારે બીજા કિસ્સામાં રાધનપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના બિલના ચેકમાં સહી કરવા તેમજ બાંધકામની મંજૂરી આપવા બદલ પાલિકાના બાંધકામ સુપરવાઇઝરને રૂ. 10 હજારની લાંચ લેતા પાટણ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પકડી પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ લાંચ કેસની વિગતો એવી છે. કે, સમીના દાદર ગામે ચાલતી રાકેશભાઇ અને અશોકભાઇ નાયીની લીઝ સહિતની લીઝોની માપણી પાટણ જિલ્લા મોજણી સેવાસદન કચેરીના જિલ્લા નિરીક્ષકે કરી હતી. જે લીઝો ગેરકાયદેસર હોવા અંગેનો રીપોર્ટ ખાણ- ખનીજ વિભાગમાં કરવાનો હતો જેમાં ફરિયાદીના સબંધીની લીઝનો રીપોર્ટ ન કરવા માટે નિરીક્ષકે વ્યવહાર પેટે રૂ. 1 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી. તેનું રેકોર્ડીંગ કરી લઇ એસીબીમાં ફરિયાદ કરતાં આણંદ એસીબીના પી.આઈ સી.આર.રાણાએ ગુરુવારે છટકુ ગોઠવ્યું હતું. જેમાં જિલ્લા નિરીક્ષકે લાંચની રકમ રમેશભાઈ મહાદેવભાઇ વઢેરને આપવા જણાવતાં રોકડ રકમ આપી હતી. જે સ્વીકારતાં જ એસીબીની ટીમે બન્નેને પકડ્યા હતા.રમેશભાઇ આ કેસમાં ખાનગી વ્યક્તિ છે અને એક જ સોસાયટીમાં રહે છે.

લાંચ કેસના બીજા બનાવની વિગત એવી છે. કે, રાધનપુર પાલિકાના બાંધકામ સુપરવાઈઝર રણછોડભાઈ.સી.ગજ્જરે પાલિકાના કોન્ટ્રાક્ટર રાણાભાઇ સામતાભાઈ આયર પાસે કામોના બિલો અને મેજરમેન્ટ બુક પાસ કરાવવાના અલગ-અલગ ચેકમાં સહી કરવા તેમજ બાંધકામની મંજુરી આપવા પેટે રૂ. 30 હજારની માગણી કરી હતી જેમાં અગાઉ રૂ. 20,000 આપી દીધા હતા. બાકીના દસ હજાર આપવાના હોઇ પાટણ એસીબીનો સંપર્ક કરતાં ટ્રેપ ગોઠવી હતી. ગુરુવારે બપોરે નગરપાલિકા કચેરી ખાતે આર.સી ગજ્જર એકાઉન્ટન્ટની ચેમ્બરમાં બેઠા હતા એ સમયે કોન્ટ્રાક્ટરના હાથે દસ હજાર રૂપિયાની લાંચ લેતા પાટણ એ.સી.બી ઇન્ચાર્જ પીઆઇ કે જે પટેલે રંગેહાથ પકડી લીધા હતા. આ માટે એ.સી.બી.ની ટીમે બે દિવસથી રાધનપુરમાં હોટલમાં ધામા નાખ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT