1. Home
  2. Regional
  3. મુંબઈની જેમ અમદાવાદ પણ હવે કેટલ ફ્રી સિટી બનશેઃ તમામ ગાય-ભેંસને ચિપ લગાવાશે
મુંબઈની જેમ અમદાવાદ પણ હવે કેટલ ફ્રી સિટી બનશેઃ તમામ ગાય-ભેંસને ચિપ લગાવાશે

મુંબઈની જેમ અમદાવાદ પણ હવે કેટલ ફ્રી સિટી બનશેઃ તમામ ગાય-ભેંસને ચિપ લગાવાશે

0

અમદાવાદમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. શહેરીજનો બિસ્માર રસ્તા, અપૂરતી પાર્કિંગની સુવિધાથી થતી ટ્રાફિક જામની સમસ્યા તેમજ રસ્તા પર રખડતાં ઢોરના ત્રાસથી ભારે પરેશાન થઇ રહ્યા છે. આ ત્રણેય સમસ્યાના નિરાકરણના હેતુસર હાઇકોર્ટે મહાનગરપાલિકાના સત્તાધિશો સામે લાલ આંખ કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે.  તેમાં પણ શહેરને કેટલ ફ્રી અમદાવાદ બનાવવા માટે સત્તાવાળાઓએ ગાય અને ભેંસના ડાબા કે જમણા કાન પાછળ વિઝ્યુઅલ ઇયર ટેગની સાથે-સાથે બાયોગ્લાસ કેપ્સ્યૂલમાં ‌ફિટ કરેલી આરએફઆઇડી (રેડિયો ફ્રીકવન્સી આઇડે‌ન્ટિફિકેશન) ચિપ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં આશરે રપ,૦૦૦થી વધુ ગાય-ભેંસ સહિતનાં ઢોર નોંધાયેલા  છે. શહેરનો વિકાસ થવાની સાથે-સાથે ગામતળ વિસ્તારનો પણ મહાનગરપાલિકા હદમાં સમાવેશ થતો ગયો પરિણામે રસ્તા પર રખડતાં ઢોરની સમસ્યા દિવસે દિવસે વકરતી ગઇ. ગયા ઓગસ્ટમાં હાઇકોર્ટમાં આ મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન પ્રારંભથી જ હાઇકોર્ટે તંત્ર સામે લાલ આંખ કરી હતી, જેના પગલે મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ રસ્તા પર રખડતાં ઢોરને ઝબ્બે કરવાની કામગીરીને વધુ વેગવંતી કરવા ઓપરેશન રાઉન્ડ ધી ક્લોક શરૂ કર્યું હતું. રખડતાં ઢોરની અડફેટે આવીને ટુ-વ્હીલર ચાલકો તેમજ વૃદ્ધો-મહિલાઓના જીવ જોખમમાં મુકાઇ રહ્યા હોઇ સત્તાધીશોએ હવે મુંબઇની જેમ અમદાવાદને કેટલ ફ્રી સિટી બનાવવાની કવાયત આરંભી છે. મહાનગરપાલિકા ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા શહેરીજનોને રખડતાં ઢોરના ત્રાસમાંથી છુટકારો અપાવવા ગાય-ભેંસને બારકોડ આધારિત ચિપની આગવી ઓળખ અપાશે. ગાય-ભેંસના ડાબા કે જમણા કાનની નીચે આરએફઆઇડી ચિપ બેસાડાશે, જે ૧પ આંકડાનો કોડ હશે, જેમાં પશુના માલિકનું નામ-સરનામું અને ર‌િજસ્ટ્રેશનને લગતી માહિતીનો સમાવેશ કરાયો હશે. ઢોર ત્રાસ અંકુશ વિભાગના સૂત્રોએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યુ હતું કે, તંત્ર દ્વારા પ૦,૦૦૦ આરએફઆઇડી ‌ચિપ, પ૦,૦૦૦ ઇયર ટેગ અને વીસ કાર્ડ રીડર ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. શહેરનાં આશરે રર,૦૦૦ ઢોરનું ર‌િજસ્ટ્રેશન થયું છે, જે માટે તંત્રને ૩૦૦૦ જેટલી અરજી મળી હોઇ તેના આધારે તંત્રની ટીમ ઘરે-ઘરે જઇને ગાય-ભેંસને આરએફઆઇડી ‌ચિપ બેસાડવાની કામગીરી હાથ ધરશે. મનપા દ્વારા આરએફઆઇડી ચિપનો ડેટા ચકાસવા માટે વીસ કાર્ડ રીડર પણ ખરીદાશે. એક ચિપ માટે રૂ.૯પની તળિયાની કિંમત નક્કી કરાઇ છે, ઇયર ટેગ રૂ.૧૬માં પડશે જ્યારે કાર્ડ રીડરની કિંમત રૂ.૪ર,૦૦૦ છે. આ ચિપ બેસાડવાની સાથે-સાથે દાણીલીમડાના ઢોર ડબ્બામાં ખાસ કંટ્રોલરૂમ ઊભો કરાશે. ચિપ બેસાડાયા બાદ રસ્તા પર પકડાયેલાં ઢોરના ડેટાને તંત્રના સેનિટરી સબ ઇન્સ્પેક્ટર કક્ષાના કર્મચારી કાર્ડ રીડરની મદદથી રીડ કરતાં તેનું ફીડબેક કંટ્રોલરૂમના સર્વરમાં જશે. આ ડેટાના આધારે ક્યા પશુપાલકનું આ ઢોર છે અને કેટલી વાર પકડાયું છે તેની વિગત જાણવા મળશે. જો કોઇ પશુપાલકનું ઢોર બેથી વધુ વખત પકડાયેલું જણાશે તો તેમની સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ હેઠળ કડક ફોજદારી પગલાં લેવાશે.

LEAVE YOUR COMMENT