REGIONALગુજરાતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા જૂનાગઢનો કાર્યક્રમ પડતો મૂકી ગાંધીનગર પરત ફર્યા

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતાં જૂનાગઢનો કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળીને ગાંધીનગર રવાના થયા હતા. રૂપાણીએ રાજકોટ એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રોટોકોલ મુજબ સ્વાગત બાદ રૂપાણી અને યોગી આદિત્યનાથ જૂનાગઢ રવાના થયા હતા. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીની તબિયત નાદુરસ્ત જણાતા રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરાવી ગાંધીનગર પરત ફર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી  વિજય રૂપાણીની  તબીયત અચાનક બગડતા તેમણે જૂનાગઢના શિવરાત્રી મેળાનો કાર્યક્રમ રદ્દ કરવો પડયો હતો. તેઓ બપોરે ગાંધીનગરથી રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા હતા. પરંતુ  તબીયત અનુકુળ ન જણાતા ફરી ગાંધીનગર જતા રહેવાનો નિર્ણય કર્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉથી ૩ વાગ્યે રાજકોટ આવી જૂનાગઢ જવા રવાના  થયા હતા.  રૂપાણીને સવારથી અસ્વસ્થતા જણાતી હતી. તાવ અને આંતરડામાં થોડા સોજાને કારણે ગાંધીનગરમાં તેમને સારવાર આપવામાં આવી હતી. ત્યાંથી  બપોરે હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા હતા. ડોકટરો તેમની સાથે જ હતા. મૂળ કાર્યક્રમ મુજબ અહીંથી તેઓ યોગીજી સાથે જૂનાગઢ જવાના હતા પરંતુ અસ્વસ્થતા યથાવત રહેતા તેમણે જૂનાગઢ જવાનુ માંડી વાળ્યુ હતું. તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી જૂનાગઢથી તાબડતોબ રાજકોટ દોડી આવ્યા હતા. સારવારથી તેમની તબીયત સુધારા પર છે. તબીબોએ આરામની સલાહ આપી છે.