REGIONALગુજરાતી

લીલા શાકભાજીનું ઉનાળુ વાવેત્તર ઘટતા ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ: ગુજરાતમાં એપ્રિલના પ્રરંભથી જ ઘણાબધા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતા જ શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. નિયમિત પાક ગણાતા ભીંડા તુરિયાં કે ટીંડોળાના ભાવ પણ આસમાને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયાં, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. જેના પ્રમાણમાં ફળોના ભાવ ગૃહિણીઓના બજેટને ભર ઉનાળે ઠંડક આપી રહ્યા છે. દ્રાક્ષ, તરબૂચ, ટેટી, દાડમ અને કેળાંના ભાવ ભર ઉનાળે લોકોનાં ખિસ્સાંને પોસાય તે ભાવે વેચાણ થઇ રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધ્યા છે. દક્ષિણ ગુજરાતથી આવતા રેગ્યુલર પાક ગણાતા દૂધી, ભીંડા, પરવળ, ગલકાં, તુરિયાંના ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. નબળો વરસાદ, ઓછું ઉત્પાદનના કારણે શાકભાજીના ભાવ ઊંચકાયા છે. જેમાં કારેલાં, ભીંડા અને ટીંડોળાંની માગ વધુ હોઇ તેના ભાવ સૌથી વધારે છે.શાકભાજીના પ્રતિ કિલો ભાવ જોઈએ તો કોબી ૬૦ થી ૭૦, ટીંડોળાં ૧૦૦ થી ૧૧૦, રીંગણ ૬૦ થી ૭૦, દૂધી ૬૦ થી ૭૦, કારેલાં ૮૦ થી ૧૦૦, ગવાર ૧૦૦ થી ૧૧૦, કાકડી ૧૦૦ થી ૧૧૦, પરવળ ૧૦૦ થી ૧ર૦, ગલકાં ૮૦ થી ૯૦, ટામેટાં ૩૦ થી ૪૦, વટાણા ૧ર૦ થી ૧૪૦, ભીંડા ૧૦૦ થી ૧૧૦ લીલાં મરચાં રૂ.૭૦ના ભાવે વેચાય રહ્યા છે. છુટક માર્કેટમાં તો વધુ ભાવ આપવા પડે છે. આ વર્ષે તો એપ્રિલના પહેલા અઠવાડિયાથી જ દેશભરમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. જેના કારણે શાકભાજીનો પુરવઠો ઘટી ગયો છે . ચોળી, મેથી, પાલક વગેરે ભાજીઓના ભાવમાં ૨૨થી ૨૫ ટકાનો વધારો થયો છે. સરેરાશ ૧૦ રૂપિયામાં મળતી પત્તાં ભાજીની એક ઝૂડીના ભાવ હાલમાં ડબલ ૨૦ રૂપિયા થયા છે. હજુ પણ આવનારા દિવસોમાં ગૃહિણીઓને ભાવ વધારો સહન કરવો પડશે.તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન સાબરકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં થાય છે. સાબરકાંઠાથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન દિલ્હીમાં શાકભાજીનો નિકાસ કરે છે. પરંતુ ગરમીના કારણે દૂરથી આવતાં શાકભાજી ખરાબ થઇ જવાના કારણે હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.