1. Home
  2. Regional
  3. શૈક્ષણિક તથા રિસર્ચ સંસ્થાઓને 73 સુપર કોમ્પ્યુટરની ગ્રીડથી જોડવામાં આવશે
શૈક્ષણિક તથા રિસર્ચ સંસ્થાઓને 73 સુપર કોમ્પ્યુટરની ગ્રીડથી જોડવામાં આવશે

શૈક્ષણિક તથા રિસર્ચ સંસ્થાઓને 73 સુપર કોમ્પ્યુટરની ગ્રીડથી જોડવામાં આવશે

0

અમદાવાદ: બેંગ્લોરની સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટીફિક રિસર્ચના વૈજ્ઞાનિક એરોસ્પેસ એન્જીનિયર તથા આઇટી તજજ્ઞ પ્રો.સુરેશ દેશપાન્ડેએ નેશનલ સુપર કોમ્પ્યુટીગ મિશન વિશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રૂ.4500 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલા આ મિશન અંતર્ગત શૈક્ષણિક તથા રિસર્ચ સંસ્થાઓને 73 સુપર કોમ્પ્યુટરની ગ્રીડથી જોડવામાં આવશે. ઈસરો અને ડીઆરડીઓના સહયોગથી કાર્યરત થનારા આ કાર્યક્રમ સુપર કોમ્પ્યુટરની બાબતમાં સીમાચિન્હરૂપ બની રહેશે. હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટરની બાબતમાં ભારત 74મા સ્થાને છે. વિશ્વમાં 500 સુપર કોમ્પ્યુટર છે. ત્યારે આપણા દેશમાં નવ સુપર કોમ્પ્યુટર છે.

તેમણે એક પરિષદમાં વિદ્યાર્થીઓની એવી સલાહ આપી હતી કે જ્યારે પણ તમારા મગજમાં નવો ઉમદા અને અનોખો વિચાર આવે તો તેને જતો ન કરો. તમારા મેન્ટર કે પ્રાધ્યાપકો સાથે અથવા સહયોગી વિદ્યાર્થીઓ સાથે તેના વિશે ચર્ચા વિચારણા કરો. તમારા ઇનોવેટિવ આઇડિયાને પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતરિત કરવા ભંડોળની તકલીફ નહિ નડે. તમારો ઇનોવેટિવ આઇડિયા દમદાર હોવો જોઈએ. તેની સાથે સંકળાયેલી ટેકનિકલ બાબતો પ્રત્યે વધારે પડતું ધ્યાન આપવાને બદલે તેનો અમલ કઈ રીતે કરવો તેના પર ધ્યાન આપો. ઘણા વિદ્યાર્થીઓ એવો અભિગમ અપનાવતા હોય છે કે: રઘુપતિ રાઘવ રાજારામ, જીતના પૈસા ઉતના કામ. આવું વલણ અપનાવવું યોગ્ય નથી. વિવિધ પ્રકારના અનુભવોના આધારે જ ઇકોસિસ્ટમ ગણાય છે. આવી ઇકોસિસ્ટમ જ યુવા સાહસિકોના મનમાં આવતા ઇનોવેટિવ આઈડિયાને સાકાર કરવામાં ઉપયોગી બને છે.  તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગલોર ખાતે પોતાની એરોસ્પેસ એન્જિનિયર તરીકેની કારકિર્દી દરમિયાન મિસાઇલ કાર્યક્રમના પ્રણેતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાથેના અવિસ્મરણીય સંસ્મરણો તાજા કર્યા હતા. લાઇટ કોમ્બેટ વિમાન તેજસ અને એન્ટી ટેન્ક નાગ મિસાઈલ તથા અગ્નિ મિસાઇલનું નિર્માણ કરતી વખતે ડૉ.કલામ સાથેની કામગીરી વિશે રોચક જાણકારી તેમણે આપી હતી. પરિષદમાં જીટીએ વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું કે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠના જમાનામાં વિદેશથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારતમાં શિક્ષણ અને સંશોધન માટે આવતા હતા. જીટીયુ સંશોધનની બાબતમાં તે જમાનાનું પુનરાવર્તન કરે એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલમાં ભારતની 60 ટકા વસતિ 35 વર્ષથી નીચેની વયજૂથની છે. ઉપગ્રહ તરતા મૂકવાથી માંડીને અનેક બાબતોમાં ભારતે દુનિયાભરમાં નામના મેળવી છે ત્યારે આપણે ભારતના 6,40,000 ગામડા ઉપર પણ નજર કરવી પડશે. યુવા વિદ્યાર્થીઓ પોતાના ઇનોવેશન વડે ગ્રામવાસીઓની સમસ્યાઓ કેવી રીતે હલ થાય તેના પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. જીટીયુ તરફથી તાલીમ આપવામાં આવી તેમાંથી 65 ઇનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર થયા 40 કંપનીઓની સ્થાપના થઇ. સ્ટાર્ટ અપના ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે જીટીયુ એક બિઝનેસ હબ બની ગયું છે. પરિષદમાં અમેરિકાની કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના ડૉ. હોસ્નીએ જીટીયુ સાથે સ્ટુડન્ટ અને પ્રાધ્યાપકોના એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત છ વર્ષ દરમિયાન 1200થી વધુ વ્યક્તિઓને લાભ મળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE YOUR COMMENT