1. Home
  2. Regional
  3. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પરંપરાગતરીતે ઊજવાયું હોળી અને ધૂળેટીનું પર્વ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પરંપરાગતરીતે ઊજવાયું હોળી અને ધૂળેટીનું પર્વ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પરંપરાગતરીતે ઊજવાયું હોળી અને ધૂળેટીનું પર્વ

0

મોટી ઇસરોલ: અસત્ય પર સત્યનો  અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક સમા હોળીના પર્વે ભગવાન ભક્ત પ્રહલાદજીનો અદભૂત બચાવ અને આસુરી શક્તિના પ્રતિક સમા હોલીકાના દહનનો આ મહિમાવંતો તહેવાર સમગ્ર અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં શ્રધ્ધાભેર ઊજવાયો હતો.

અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે પરંપરાગત રીતે હોળી મનાવાઈ હતી.આસપાસના 15થી વધુ ગામોનાં લોકો એક જ સ્થળે બાઠીવાડા ગામે ભેગામળી સમૂહમાં હોળી પ્રગટાવીને તેની ફરતે સમૂહમાં ઘૂમીને ધુળેટીના દિવસે હોળી મનાવવાની આ પ્રણાલી આ વર્ષે પણ પાળી હતી. સ્થાનિક અગ્રણી અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સિનિયર આગેવાન ભીખાજી દુધાજી ડામોરે જણાવ્યું હતું કે, વર્ષોની પરંપરા મુજબ અહીં  ધુળેટીના દિવસે હોળી ઉત્સવ અનેરા ઉમંગે ઊજવાય છે અને તેમાં એકતા-ભાઈચરાના દર્શન થાય છે.વહીવટી તંત્ર પણ આ પર્વની ઊજવણી પ્રસંગે ઉપસ્થિત રહીને ઉમંગમાં વધારો કરે છે. અહીં આ વર્ષે પણ 10 હજારથી વધુ લોકો જોડાયા હતા.જેમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ નં.16નું પણ વિતરણ કરવા સાથે લોકોમાં મતદાન માટે જાગૃતિનું અભિયાન પણ હાથ ધરાયુ હતું. આ ઉપરાંત મોડાસા નજીક સાકરીયામાં પરંપરાગત લઠમાર ધૂળેટી ઊજવાઈ હતી. સ્થાનિક કાર્યકર કૌશિક બકોરદાસ પટેલ સાથે થયેલી વાતચીત મુજબ  સાકરીયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે રંગોત્સવ ધુળેટી પર્વ મનાવવામાં આવ્યું હતું.આ ગામમા યુવાનો દ્વારા લઠમાર ધૂળેટી ઊજવાય છે. જયપુરની હોળી અને ધૂળેટીની યાદ અપાવે તેવી હોળી અને ધુળેટીની ઊજવણી સાકરિયા ગામમાં પણ કરવામાં આવી હતી. જેમાં 25 મણ જેટલો ગુલાલ વપરાયો હતો.અબીલ-ગુલાલની છોળો ઉડાવવા સાથે આ ધુળેટી યુવાનો દ્વારા હાથમાં લાકડીઓ લઈ પરસ્પર લાકડીઓ વિઝીને ઊજવણી કરવામાં આવી હતી..આખાય ગામમાં બધા જ ફળિયામાં સાથે નિકળીને યુવાનો હર્ષોલ્લાસ સાથે લઠમાર ધુળેટી ઊજવવાની આ પરંપરા આજે 50 વર્ષે ય અકબંધ છે. અરવલ્લી જિલ્લામાં  નોખી રીતે ઊજવાતા આ ધુળેટી પર્વ નિહાળવા આસપાસના ગમોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જિલ્લામાં મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લાના  વરિષ્ટ વહીવટી અધિકારીઓએ પણ પરસ્પર રંગો છાંટીને રંગીત્સવ ધુળેટીના પર્વને મનાવ્યું હતું. સમગ્ર જિલમાં ગામેગામ હોળી-ધુળેટીનો આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં મનાવાયો હતો.

tags:

LEAVE YOUR COMMENT