1. Home
  2. Regional
  3. સૌરાષ્ટ્રમાં પાણીની રામાયણથી ચૂંટણી ટાણે જ ભાજપની મુંઝવણ વધીઃ મતદારો પ્રશ્નો પૂછે છે
સૌરાષ્ટ્રમાં પાણીની રામાયણથી ચૂંટણી ટાણે જ ભાજપની મુંઝવણ વધીઃ મતદારો પ્રશ્નો પૂછે છે

સૌરાષ્ટ્રમાં પાણીની રામાયણથી ચૂંટણી ટાણે જ ભાજપની મુંઝવણ વધીઃ મતદારો પ્રશ્નો પૂછે છે

0

અમદાવાદ:   સૌરાષ્ટ્ર- કચ્છમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. સૌરાષ્ટ્રમાં તો જૂનો અને જાણીતો પાણીનો પ્રશ્ન મોઢું ફાડીનો ઊભો છે. સરકાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં નર્મદાના નીર આવી ગયા છે. આ પ્રદેશનો પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની ગયો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ હકીકતમાં અત્યારે સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ગામના વિસ્તારોમાં બેડા રાસ અને પાણીનો પોકાર શરૂ થઇ ગઇ છે. પડધરી, જસદણ પંથક ઉપરાંત જોડિયાના અમુક ગામો અત્યારથી જ ટેન્કર પર આધારિત થઈ ગયા છે. ચૂંટણી પ્રચારમાં જતા ભાજપના ઉમેદવારોને પાણી સમસ્યા ક્યારે હલ કરશો એવો પ્રશ્ન મતદારો પૂછી રહ્યા છે. પાણીના પ્રશ્ને ભાજપ સરકાર પણ મુંઝવણ અનુભવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં બોટાદ, ગઢડા, કેશોદ, પડધરી, જસદણ, વીછિંયા. ગોંડલ,ધોરાજી, જેતપુર, આ ઉપરાંત જામનગર, જુનાગઢ, અને પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવતા ભાજપના આગેવાનોને પ્રજા પાણીના પ્રશ્ને રજુઆત કરી રહી છે. ગઢડા તાલુકનું વિકળિયા 5 હજારની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં 10થી 15 દિવસે પાણી આવે છે અને તે પણ માંડ અડધો કલાક. લોકો પાસે પાણીનો સંગ્રહ કરવા માટે પૂરતા સાધનો પણ નથી. વિકળિયા ગામના લોકોએ પાણીની સમસ્યા દૂર ન થાય તો ચૂંટણી બહિષ્કારની ધમકી આપી છે. મહિલાઓને પડતી હાલાકી માટે તેમણે ગરબા રમી ‘પાણી આપો’ તેવી માંગ કરી હતી. કેશોદના કોયલાણા (લાઠિયા) ગામને સરકારની નર્મદા યોજના અંતર્ગત દેવગઢ ઓઝત-2ના ગાંગેચા જૂથ યોજનામાંથી પાણી અપાય છે. આ પાણી વાયા રંગપુર અને કાલવાણી પહોંચતું હોવાથી રસ્તામાં પાઇપલાઇન નબળી અને નાની હોવાને કારણે ફોર્સ ઘટી જાય છે. મહિલાઓ લાજ શરમના કારણે રાત્રે દૂર સુધી પાણી ભરવા જઇ શકતી નથી. આથી પુરૂષોએ રાત્રે ટ્રેક્ટર, બળદગાડું તેમજ અન્ય વાહનો લઇ સીમમાંથી પાણી ભરવા જવું પડે છે.પડધરી તાલુકો અછતગ્રસ્ત જાહેર કર્યો છે છતાં સરકારે પીવાના પાણી અને ઘાસચારાની પૂરતી સુવિધાઓ પણ આપી ન હોવાનો ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે. જસદણ- વીંછિયા તાલુકામાં કુલ 19 ડેમ છે, જે તમામ ઉનાળામાં તળિયાઝાટક થઈ ગયા છે. બાવળિયાના ગઢ ગણાતા જસદણ-વીંછિયા તાલુકાના 100થી વધુ ગામોમાં લોકોએ કૂવા-બોરના પાણી પર નિર્ભર રહેવું પડે છે. જસદણ શહેરની વાત કરીએ તો 10થી 12 દિવસે પાણી આપવામાં આવે છે. આથી શહેરીજનોએ પાણીની જરૂરિયાત પૂરી કરવા વધારાના ટેન્કર મંગાવવા પડે છે. જસદણમાં લોકો આખું વર્ષ વેરો ભરે છે પણ પાણી 75 દિવસ જ આવે છે. આ ઉપરાંત ગોંડલમાં ઉનાળાની શરૂઆતમાં જ વેરી તળાવ, આશાપુરા ડેમ તેમજ સેતુબંધ ડેમના તળિયા દેખાઈ જતાં હાલ પાલિકા દર પાંચથી છ દિવસે એક વાર પાણીનું વિતરણ કરે છે. ગોંડલ માટે રોજિંદા ભાદર ડેમમાંથી બે એમએલડી પાણીનો જથ્થો અપાય છે. હાલ ત્રંબાથી આવતી લાઈનમાં બે પંપ ખરાબ થયા છે. આવી જ સ્થિતિ જેતપુર અને ધોરાજીની છે. અહીં પણ પાંચ દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે. ધોરાજીમાં પણ ગંદા પાણીના વિતરણથી લોકોએ હલ્લાબોલ કર્યો હતો. જામનગર જિલ્લામાં પણ મોટાભાગના જળાશયો ઉનાળા પૂર્વે જ અપૂરતા વરસાદને લીધે તળિયા ઝાટક થયાં છે. જિલ્લાનો મહદઅંશે આધાર નર્મદાના નીર છે. આ સ્થિતિમાં સ્થાનિક જળાશયો ખાલી થઈ જતાં જિલ્લાના 10 ગામ અને 24 પરા ટેન્કર ભરોસે છે. પાણી પૂરવઠા બોર્ડ દરરોજ 36 ટેન્કરના 80 ફેરા કરી ગામના સમ્પ, ટાંકા સહિત અલગ-અલગ સ્થળે પાણી ઠાલવે છે. જ્યારે જિલ્લાના 20 ગામમાં હાલ ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે. જૂનાગઢ શહેરને પીવાનું પાણી 3 મુખ્ય સ્ત્રોતમાંથી આવે છે, જેમાં આનંદપુર વિયર, હસનાપુર ડેમ અને વેલિંગ્ટન ડેમનો સમાવેશ થાય છે. આમાંથી વેલિંગ્ટનના તળીયા દેખાવા લાગ્યા છે. શહેરને નર્મદાનું પાણી નહીં મળે તો પાણી કાપ વધશે. જૂનાગઢમાં પીવાના પાણીની કારમી તંગી છે. પોરબંદરમાં પીવાના પાણી માટે નગરજનોને વલખાં મારવાની નોબત આવી છે. ચોમાસામાં એક જ વખત વરસાદ પડ્યો હોવાને કારણે શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા ખંભાળા ડેમમાં તળિયું આવી ગયું છે. ફોદાળા ડેમમાં પણ 15-20 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. પોરબંદરમાં નગરજનો 20 ફૂટ બોર ખોદવા પાછળ 3500થી વધુનો ખર્ચ કરી રહ્યા છે. તમામ વિસ્તારોમાં ભૂગર્ભમાંથી ખારાશયુક્ત અને ભાંભરૂં પાણી આવે છે. છતાં પણ નાછૂટકે લોકોને આ પાણી પીવાની ફરજ પડી રહી છે જેનાથી પાણીજન્ય રોગો ફેલાઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT