1. Home
  2. Regional
  3. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકેઃ હાઈકોર્ટે સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી
હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકેઃ હાઈકોર્ટે સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકેઃ હાઈકોર્ટે સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી

0

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસ પર ટોળાંએ હુમલો કર્યો હતો. આ કેસમાં  વિસનગર કોર્ટે હાર્દિક પટેલને સજા કરી હતી. દરમિયાન હાર્દિક પટેલ પાસ છોડીને કોંગ્રેસમાં જોડાયો હતો અને જામનગરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની હોય સજા પર સ્ટે આપવા ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેને આજે હાઈકોર્ટ ફગાવી દીધી હતી અને કોઈ રાહત આપી ન હતી. આથી હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે નહી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે અટકળો ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે પણ તે હવે ચૂંટણી લડી શકશે નહીં. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં  ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે હાર્દિકના વકીલના પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે, હાર્દિક પટેલના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 જેટલી ફરિયાદો નોંધાઇ છે. હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી મેળવવાના મામલે હાઇકોર્ટમાં જસ્ટિસ એ જી ઉરેજીની કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું કે હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે. સાથે જ દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે. આ પહેલા રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં જણાવાયું કે અમદાવાદમાં તોફાન અંગેના કેસમાં હાર્દિક પટેલના કેટલાક ફોટોગ્રાફ્ટ તે દિવસે બનાવ સ્થળે તેની હાજરી સ્પષ્ટ બતાવે છે. આરોપી સામે ગંભીર ગુના છે. આરોપીને કેસની ટ્રાયલ સમયે હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નહોતી આપવી જોઇતી હતી. જો કે આ સોગંદનામા સામે હાર્દિક પટેલના વકીલે વાંધો ઉઠાવ્યો અને ધારદાર દલીલો કરી હતી.

હાર્દિક ચૂંટણી નહીં લડી શકે તે અંગે કોંગ્રેસ તરફથી પોરબંદરના ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું કે અમે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જઇશું અને જ્યારે હાર્દિક ચૂંટણી લડવાની મંજૂરી મળશે ત્યારે હાર્દિક જ્યાંથી કેશે તે સીટ અમે ખાલી કરીશું અને હાર્દિકની ઉમેદવારી નોંધાવીશું. તો ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે હાર્દિક ચૂંટણી લડી શકે કે ના લડી શકે તે કોંગ્રેસનો વિષય છે. હાઇકોર્ટના ઓર્ડરમાં ભાજપ ક્યાંય વચ્ચે નથી. કોંગ્રેસ હાર્દિકના સહારે હતી, પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ અસ્તિત્વને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

LEAVE YOUR COMMENT