- પ્રતાપગઢમાં દર્દનાક અકસ્માત
- જાનૈયાઓથી ભરેલી બોલેરો ટ્રક સાથે ટકરાઇ
- 6 બાળકો સહીત 14 ના ઘટનાસ્થળે જ મોત
- મૃતકોના સગાઓને 2 લાખનું અપાશે વળતર
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લખનઉ-પ્રયાગરાજ હાઇવે પર એક મોટા માર્ગ અકસ્માતમાં 14 લોકોના ધટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરો અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ.આ ભીષણ દુર્ધટનામાં 14 જાનૈયાના દર્દનાક મોત થયા હતા. મૃતકોમાં 8 પુરૂષો અને વિવિધ વયના 6 બાળકોનો સમાવેશ થાય છે.
તમામ જાનૈયાઓ નવાબગંજ વિસ્તારના શેકાપુરથી પરત આવી રહ્યા હતા. અકસ્માત રાત્રે 11.45 વાગ્યે થયો હતો. બનાવની જાણ થયા પોલીસકાફલો ધટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તમામ જાનૈયા કુંડા કોતવાલીના જિર્ગાપુરના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે.
સીએમ યોગીએ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર પહોંચવાની સૂચના આપી છે. તેમજ પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે પ્રતાપગઢ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
_Devanshi