1. Home
  2. Political
  3. 2014ની જેમ 2019માં ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી નહીં શકે કે કોંગ્રેસને છે રાજ્યમાં મજબૂત થવાનો ભ્રમ?
2014ની જેમ 2019માં ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી નહીં શકે કે કોંગ્રેસને છે રાજ્યમાં મજબૂત થવાનો ભ્રમ?

2014ની જેમ 2019માં ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી નહીં શકે કે કોંગ્રેસને છે રાજ્યમાં મજબૂત થવાનો ભ્રમ?

0

2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી પીએમ બનાવવાના ઈરાદા સાથે ગુજરાતી મતદાતાઓએ દેશભરમાં છવાયેલી મોદી લહેરને કારણે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પર ભાજપને જીત અપાવી હતી. પરંતુ મોદી સરકારના કેન્દ્રમાં પાંચ વર્ષના કાર્યકાળ બાદ પરિસ્થિતિઓ 2014ની લોકસભાની ચૂંટણી પહેલાની નથી. માટે માનવામાં આવે છે કે 2019માં 2014નું પુનરાવર્તન મુશ્કેલ છે. ગુજરાતમાં ગત પાંચ વર્ષના સમયગાળામાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે ભાજપને આકરા પડકારો આપ્યા છે.

2012માં મોદીની હાજરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સારી જીત મળી હતી. પરંતુ 2017માં મોદીની પ્રત્યક્ષ હાજરીના અભાવમાં ભાજપનો વિજય રથ 99ના આંકડા પર થંભી ગયો હતો. 182 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 2012ના મુકાબલે 16 બેઠકોનું નુકસાન ઉઠવવું પડયું હતુ. જ્યારે કોંગ્રેસને 16 બેઠકોના ફાયદા સાથે 77 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ઘણી વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું.

ગુજરાત લોકસભા ચૂંટણી 2014

પક્ષ            બેઠક           વોટનું પ્રમાણ           વિધાનસભા બેઠકો પર લીડ

ભાજપ          26             60.1 ટકા                       165

કોંગ્રેસ          00             33.5 ટકા                     17

અન્ય           00             6.4 ટકા                               00

કુલ             26                                             182

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

પાર્ટી           બેઠક           વોટનું પ્રમાણ

ભાજપ          99             50 ટકા

કોંગ્રેસ          77             42.2 ટકા

અન્ય           06             7.8 ટકા

કુલ             182

2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પંજાની પકડ મજબૂત થતી જોવા મળી છે. ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રની 54 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને 30 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જેને કારણે 2019ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ચાર બેઠકો – અમરેલી, જૂનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર બેઠકો પર કોંગ્રેસને જીતની આશા દેખાઈ રહી છે. જો કે વિધાનસભા અને લોકસભાના મુદ્દા અને મતદાતાઓનો મિજાજ અલગ રહેતો હોય છે.

આ સિવાય કોંગ્રેસ ઉત્તર અને મધ્ય ગુજરાતની આણંદ, બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકો પર પણ નજરો માંડીને બેઠી છે. કોંગ્રેસની નજર આદિવાસી મતદાતાઓની મોટી સંખ્યા ધરાવતી દાહોદ, છોટાઉદેપુર અને સાબરકાંઠા લોકસભા બેઠકો પર પણ મંડાયેલી છે. 2016માં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આવેલા પુરમાં ભાજપ સરકારની કેટલીક નિષ્ફળતાઓ 2017માં વોટરોની નારાજગી બનીને સામે આવી હતી.

ગુજરાત લોકસભા /વિધાનસભા ચૂંટણી

પાર્ટી           લોકસભા 2014         વિ.સભા 2017        નફો /નુકસાન

ભાજપ          165                    99                     – 66

કોંગ્રેસ          17                      77                     + 66

અન્ય           00                     06                     + 6

કુલ             182                    182

લોકસભા બેઠકો પ્રમાણે તુલના

પક્ષ          2014        2017

ભાજપ       26           18

કોંગ્રેસ        00           08

લોકનીતિ અને સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલોપિંગ સોસાયટીના સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના 78 ટકા કડવા પટેલો અને 63 ટકા લેઉવા પટેલોએ ભાજપને વોટ આપ્યા હતા. તો 2017ની વિધાનસભામાં 68 ટકા કડવા પટેલોએ અને 51 ટકા લેઉવા પટેલોએ ભાજપને વોટ આપ્યા હતા. આ બંનેને જોડી દેવામાં આવે તો આ આંકડો 22 ટકા સુધી પહોંચી જાય છે.

પાટીદાર સમુદાયના કડવા પટેલ અને લેઉવા પટેલના ભાજપથી દૂર થયેલા વોટરો કોંગ્રેસ તરફ ફંટાયા હતા. 2012ના મુકાબલે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદાર વોટરોના ત્રણ ગણા વોટ પ્રાપ્ત થયા હતા. 2012માં નવ ટકા કડવા પટેલ અને 15 ટકા લેઉવા પટેલે કોંગ્રેસને વોટ આપ્યા હતા. જ્યારે 2017માં 27 ટકા કડવા પટેલો અને 46 ટકા લેઉવા પટેલોએ કોંગ્રેસને વોટ આપ્યો હતો.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ 2019ની જેમ કોંગ્રેસમાં સામેલ થયો ન હતો. આ સિવાય હાર્દિક પટેલની મહત્વની સાથીદાર રહેલી રેશમા પટેલ પણ ભાજપમાં જોડાઈ હતી. જો કે હવે રેશમા પટેલ ભાજપમાં નથી. વળી 2017ની ચૂંટણી વખતે હાર્દિક પટેલની એક સેક્સ સીડી પણ સામે આવી હતી.

પાટીદાર અનામત આંદોલન ચાલનારા હાર્દિક પટેલે તાજેતરમાં આંદોલનના ખભા પર બેસી રાજકારણ ચમકાવવાના ઈરાદે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું છે. ભાજપ છોડનાર રેશમા પટેલે પોરબંદર લોકસભા ચૂંટણી અને માણાવદરની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપ સામે લડવાનું એલાન કર્યું છે.

2017માં મગફળી કૌભાંડના મામલે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો દોરવાયા હતા અને ભાજપને અહીં વધારે બેઠકોનું નુકસાન ભોગવવું પડયું હતું. ગુજરાતમાં ખેડૂતોના મામલા હજીપણ ચાલી રહ્યા છે અને આવી આક્રોશની આગ પર રાજકીય રોટલા શેકવાની કોશિશો 2017થી સતત ચાલી રહી છે. જેને કારણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને વધુ મહેનત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું હોવાનું માનવામાં આવે છે.

જો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાને કારણે ગુજરાતમાં 26 બેઠકો પર ચૂંટણી સમીકરણો સાધવામાં ઘણી મોટી ભૂમિકા ભજવશે. જેને કારણે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ નિશ્ચિતપણે ભાજપને 2014ની લોકસભાની ચૂંટણી જેવા પરિણામો 2019માં પણ મળે તેવી પુરેપુરી કોશિશો કરશે. જો કે આનો ભાજપને કેવો અને કેટલો ફાયદો મળશે તેની 23મી મેના રોજ મતગણતરી બાદ જ ખબર પડશે.

tags:

LEAVE YOUR COMMENT