સુરેન્દ્રનગર, 24 મે, 2026 : 45 percent reduction in water volume in Dholidhaja dam ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. નર્મદા કેનાલના પાણીને ધોળી ધજા ડેમમાં સ્ટોરેજ કરીને સૌરાષ્ટ્રના દરેક શહેરોમાં વિતરણ કરવામાં આવે છે, હાલ ચોમાસા પહેલા નર્મદા કેનાલમાં મરામતનું કામ ચાલી રહ્યું હોવાથી ઢાંકી પંપિંગ સ્ટેશનથી મુખ્ય નર્મદા કેનાલ બંધ કરી દેવાતા ડેમમાં પાણીની આવક અટકી ગઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની તંગી સર્જાવાની શક્યતા છે.
સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમમાં નર્મદા કેનાલથી પાણી ઠાલવીને છલોછલ ભરાયેલો રાખવામાં આવે છે. અને સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય શહેરોને ડેમમાંથી પાણી આપવામાં આવે છે. હાલ નર્મદા કેનાલમાં મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી ધોળી ધજા ડેમમાં ઠલવાતો પાણી પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે. માત્ર 3 દિવસ પહેલા ડેમ 100 ટકા ભરેલો હતો, પરંતુ હાલ તેમાં માત્ર 55 ટકા પાણી બચ્યું છે. આ ડેમ સમગ્ર સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડે છે. આ ઘટાડાને કારણે સુરેન્દ્રનગર શહેરના અંદાજે ત્રણ લાખ લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. આ ઉપરાંત, મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકા સુધી સપ્લાય કરવામાં આવતો પાણીનો પુરવઠો પણ હાલ પૂરતો બંધ કરી દેવાયો છે. નર્મદા કેનાલોમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી તેને બંધ કરવામાં આવી છે. આ કેનાલો 30 મે સુધી બંધ રહેશે, જેના કારણે પાણીની સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે.

