1. Home
  2. Political
  3. પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે નહીં લડે ચૂંટણી, વારાણસીથી અજય રાય કોંગ્રેસના ઉમેદવાર
પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે નહીં લડે ચૂંટણી, વારાણસીથી અજય રાય કોંગ્રેસના ઉમેદવાર

પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે નહીં લડે ચૂંટણી, વારાણસીથી અજય રાય કોંગ્રેસના ઉમેદવાર

0

નવી દિલ્હી: વારાણસીથી પીએમ મોદી 2014 પછી બીજી વખત 2019માં પણ ચૂંટણી લડી રહ્યા છે. વારાણસીમાં રોડ શૉ બાદ 26 એપ્રિલે તેઓ અહીંથી નામાંકન દાખલ કરવાના છે.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડે તેવી અટકળબાજી મીડિયા અહેવાલોમાં વહેતી થઈ હતી. પરંતુ આ અટકળબાજીને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામ પરથી વિરામ લાગ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, અજય રાયને કોંગ્રેસે વારાણસી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ 2014માં પણ વારાણસી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. જો કે અજય રાય 2014માં વારાણસી બેઠક પરથી ત્રીજા ક્રમાંકે હતા.

ગોરખપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે મધુસૂદન તિવારીને ટિકિટ આપી છે. મધુસૂદન તિવારીનો મુકાબલો ભાજપના ઉમેદવાર અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા રવિકિશન સાથે થશે.

મહત્વપૂર્ણ છે કે 2014ની ચૂંટણીમાં વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ચૂંટણી લડયા હતા. પીએમ મોદીએ કેજરીવાલને 371784 વોટથી હરાવ્યા હતા. પીએમ મોદીને 2014માં વારાણસીથી 5.81 લાખ વોટ પ્રાપ્ત થયા હતા. કેજરીવાલને 2.9 લાખ વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને લગભગ 76 હજાર વોટ મળ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા.  2014માં વારાણસી ખાતે બીએસપી અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટક્કરમાં વારાણસીથી આ વખતે મહાગઠબંધને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને રાજ્યસભાના ભૂતપૂર્વ ઉપસભાપતિ શ્યામલાલ યાદવના પુત્રવધૂ શાલિની યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે. શાલિની યાદવ કેટલાક દિવસો પહેલા પોતાના સાથીદારો સાથે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. શાલિની યાદવ ભૂતકળમાં વારાણસીથી મેયર પદ માટેની ચૂંટણી લડી ચુક્યા છે.

કોંગ્રસના ઉમેદવાર ઘોષણા થવાની સાથે જ આ સંસદીય મતવિસ્તારમાં ત્રિકોણીય મુકાબલો થવાનો નક્કી થઈ ચુક્યો છે. પીએમ મોદીની સામે મહાગઠબંધનના ઉમેદવાર શાલિની યાદવ હશે. જ્યારે કોંગ્રેસ તરફથી ફરી એકવાર અજય રાય ઉમેદવાર છે.

LEAVE YOUR COMMENT