1. Home
  2. Political
  3. સાધ્વી, હેગડે, કાટીલના નિવેદનો પર ભડક્યા અમિત શાહ, કહ્યુ- ભાજપને કોઈ લેવા-દેવા નથી
સાધ્વી, હેગડે, કાટીલના નિવેદનો પર ભડક્યા અમિત શાહ, કહ્યુ- ભાજપને કોઈ લેવા-દેવા નથી

સાધ્વી, હેગડે, કાટીલના નિવેદનો પર ભડક્યા અમિત શાહ, કહ્યુ- ભાજપને કોઈ લેવા-દેવા નથી

0

નવી દિલ્હી: સાધ્વી પ્રજ્ઞા, અનંત હેગડે સહીત કેટલાક ભાજપના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનને ધ્યાન પર લેતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યુ છે કે પાર્ટીની ગરિમા અને વિચારધારાથી વિપરીત આ નિવેદનોને પાર્ટીએ ગંભીરતાથી લઈને ત્રણ ટીપ્પણીઓને અનુશાસન સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે.

અમિત શાહે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે ગત બે દિવસોમાં અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને નલિન કટીલના જે નિવેદનો આવ્યા છે, તે તેમના અંગત નિવેદન છે. આ નિવેદનો સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ સંબંધ નથી.

તેમણે કહ્યુ છે કે આ લોકોએ પોતાના નિવેદન પાછા ખેંચી લીધા છે અને માફી પણ માંગી છે. તેમ છતાં જાહેરજીવન અને ભાજપની ગરિમા તથા વિચારધારાથી વિપરીત આ ટીપ્પણીઓને પાર્ટીએ ગંભીરતાથી લઈને ત્રણેય નિવેદન શિસ્ત સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે.

અમિત શાહે કહ્યુ છે કે શિસ્ત સમિતિ ત્રણેય નેતાઓ પાસેથી જવાબ માંગીને તેનો એક રિપોર્ટ દશ દિવસની અંદર પાર્ટીને આપશે, આવા પ્રકારની માહિતી આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કેટલાક દિવસો પહેલા એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીનો હત્યારો ગોડસે સૌથી મોટો દેશભક્ત હતો અને જે લોકો તેને આતંકી કહે છે, તેઓ પોતાની અંદર જોવે. જો કે આ નિવેદનથી ભાજપે છેડો ફાડયો હતો અને વિવાદ વધ્યા બાદ સાધ્વીએ માફી માંગી હતી. તેમણે કહ્યુ હતું કે આ તેમનો અંગત અભિપ્રાય હતો. તેમનો ઈરાદો કોઈની ભાવનાઓ ભડકાવાના ન હતો. જો તેમણે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તો તેના માટે તેઓ માફી માંગે છે. તેમના નિવેદનને મીડિયાએ તોડી-મરોડીને રજૂ કર્યું છે.

સાધ્વી પ્રજ્ઞાના નિવેદનના ટેકામાં ભાજપના નેતા અનંતકુમાર હેગડે તરફથી કથિત ટ્વિટ કરવામાં આવ્યું હતું કે ગોડસે પ્રત્યે દ્રષ્ટિકોણ બદલવાની જરૂરત છે અને માફી માંગવની જરૂરત નથી. બાદમાં તેમણે પોતાનું ટ્વિટ હટાવી દીધું હતું.

તો ભજાપના નેતા નલિન કટીલે પણ ગોડસે રાજીવ ગાંધી અને કસાબની સરખામણી કરતી વાંધાજનક ટીપ્પણી કરીને વિવાદ સર્જયો હતો. તેમણે ગુરુવારે કહ્યુ હતુ કે ગોડસેએ એકને માર્યા, કસાબે 72ને માર્યા, રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા. હવે તમે ખુદ નક્કી કરી લો કે કોણ વધારે ક્રૂર છે.

LEAVE YOUR COMMENT