in ,

અમદાવાદ: 4 દીકરીઓનો આરંગેત્રમ દીક્ષા સમારોહ યોજાયો, મુખ્ય મહેમાન તરીકે સ્વામી આધ્યાત્મનંદજી અને બિજોય આનંદ રહ્યા હાજર

અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે આજે શહેરની ચાર દીકરીઓનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો હતો. કુમારી રૂદ્રી દવે, કુમારી હેત્વી ગોરાણિયા, કુમારી નિશી શુક્લા અને કુમારી જીયા પંડ્યાએ આરંગેત્રમમાં ભરતનાટ્યમ નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આજના કાર્યક્રમમાં ભરતનાટ્યમની કૃતિઓ જેવી કે ગણેશ કૌત્વમ, અલ્લારિપુ, જતિસ્વરમ, શબ્દમ, વર્ણમ, પદમ, કીર્તનમ અને તિલ્લાના રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિવપંચાક્ષર સ્તોત્રને પણ ડાન્સફોર્મમાં રજૂ કરવામાં આવ્યું. અંતમાં કુમારીઓએ મંગલમથી તેમના નૃત્યની પૂર્ણાહુતિ કરી હતી અને પોતાના ગુરૂ, ગાયક-વાદ્યવૃંદના તમામ કલાકારો અને સર્વે ઉપસ્થિત મહેમાનોનો નૃત્યની ભાવભંગિમા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિવાનંદ આશ્રમના પ્રેસિડેન્ટ પરમપૂજ્ય શ્રી સ્વામી આધ્યાત્માનંદજી અને જેજી સ્કૂલ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સના પ્રિન્સિપાલ બિજોય આનંદ શિવરામને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બંને મુખ્ય મહેમાનોએ દીકરીઓને તેમના આશીર્વચન આપ્યા અને તેમને આરંગેત્રમના પ્રમાણપત્રો એનાયત કર્યા.

આશીર્વચન દરમિયાન સ્વામી આધ્યાત્માનંદજીએ કહ્યું કે, સંઘર્ષ કરતા રહે તે દિવ્યતા અને ભવ્યતાને પામી શકે છે. યોગ્યતા મેળવવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આરંગેત્રમ એવી કળા છે કે તેમાંથી શરીર, પ્રાણ અને મન નિયંત્રિત થાય છે. આરંગેત્રમની દીક્ષા મેળવ્યા બાદ પણ કલાગુરૂ પાસે જઈને યોગ્યતા મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. મહર્ષિ પતંજલિએ કહ્યું હતું કે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નિરંત્તર કાર્ય કરતા રહેવું જોઈએ. ભારત નાટ્યમ એ શીખવે છે કે તમે જે કરો ત્યાં જ તમારી દ્રષ્ટિ હોવી જોઇએ જ્યાં દ્રષ્ટિ હોય ત્યાં મન લાગે છે. ધ્યાન હોય ત્યાં જ ભાવ આવે છે. સંઘર્ષ કરતા રહે તે દીવ્યતા અને ભવ્યતાને પામે છે.

સમારોમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા બિજોય આનંદ શિવરામે જણાવ્યું હતું કે આજની નવી જનરેશનમાં કંઈક નવું શીખવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલાગુરૂની લગનથી જ આરંગેત્રમ શીખી શકાય છે. કુંભાર પહેલા માટીનો સરખો પિંડ બરાબર બનાવે છે ત્યારબાદ તેમાંથી ઘડતર કરે છે, તેવી જ રીતે જેટલા આપણે કસોટીમાંથી પસાર થઈશું એટલા જ સફળ થઈશું.

આ ચારેય દીકરીઓએ ભરતનાટ્યમની તાલીમ ગુરૂ શ્રીમતી પૂર્વીબેન પટેલ પાસે લીધી છે. પૂર્વીબેને વર્ષ 2005માં ‘શિવાંજલિ ભરતનાટ્યમ સ્કૂલ’ શરૂ કરી હતી અને છેલ્લાં 14 વર્ષોમાં તેઓ ઘણી કુમારીકાઓનું આરંગેત્રમ આયોજિત કરી ચૂક્યા છે.

આરંગેત્રમ એ મલયાલમ શબ્દ છે, જેમાં આરંગુ એટલે સ્ટેજ અને અત્તમ એટલે આગળ વધવું. આરંગેત્રમ એ ભરતનાટ્યમ નૃત્યની તાલીમનું અંતિમ ચરણ છે. સાત વર્ષની તાલીમ પૂર્ણ કર્યા પછી આરંગેત્રમ રજૂ કરવામાં આવે છે, જેમાં ગુરૂ તેમના શિષ્યોને સ્ટેજ પર પોતાની કલા રજૂ કરવાની અને સાથે જ આ કલાને આગળ અન્ય લોકોમાં પણ ફેલાવવાની પરવાનગી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દુતી ચંદ સમલૈંગિક હોવાનું સ્વીકારનારી ભારતની પહેલી મહિલા એથ્લીટ

VIDEO: પત્રકારોને બેરહેમીથી ગાર્ડ્સે માર્યા બાદ તેજપ્રતાપ યાદવની FIR, “મારા પર જીવલેણ હુમલો!”