1. Home
  2. Political
  3. શિક્ષક અફઝલ હુસૈનનો વંદેમાતરમ ગાવાનો ઈન્કાર!, કહ્યું – “અમે માત્ર અલ્લાહને માનીએ છીએ”
શિક્ષક અફઝલ હુસૈનનો વંદેમાતરમ ગાવાનો ઈન્કાર!, કહ્યું – “અમે માત્ર અલ્લાહને માનીએ છીએ”

શિક્ષક અફઝલ હુસૈનનો વંદેમાતરમ ગાવાનો ઈન્કાર!, કહ્યું – “અમે માત્ર અલ્લાહને માનીએ છીએ”

0

કટ્ટરતા દેશપ્રેમની અભિવ્યક્તિમાં અડચણો પેદા કરતી હોય તેવી ઘણી ઘટનાઓ છેલ્લા કેટલાક વર્ષોથી ફરી પાછી સપાટી પર આવતી દેખાઈ રહી છે. આવી જ એક ઘટના બિહારના કટિહારની એક પ્રાથમિક શાળાના શિક્ષક અફઝલ હુસૈન સાથે સંબંધિત છે. આ શિક્ષક અફઝલ હુસૈને વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં તેનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે.

બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ પ્રાથમિક શાળાના શિક્ષકોનું ઘણું મોટું હોય છે. પરંતુ આવી જ એક પ્રાથમિક શાળાના શિક્ષક અફઝલ હુસૈને કહ્યુ છે કે બંધારણમાં ક્યાંય પણ રાષ્ટ્રગાન ગાવાની અનિવાર્યતા નથી. તે માત્ર અલ્લાહને માને છે અને વંદેમાતરમનો મતલબ છે “ ભારતની પૂજા” કરવી!

શું હતો આખો મામલો?

આ મામલો 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનનો છે. ત્યારે ધ્વજારોહણ બાદ મનિહારી પ્રખંડની એક પ્રાથમિક શાળા અબ્દુલ્લાપુરના શિક્ષક અફઝલ હુસૈને વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કર્યો હતો. શિક્ષકની વાતથી શરૂ થયેલા વિવાદનો વીડિયો સોશયલ મીડિયા પર પણ વાઈરલ થઈ ગયો હતો. જો કે તે સમયે આ વ્યક્તિ બાબતે કોઈ જાણકારી ન હતી. પરંતુ હવે તેના સંદર્ભે ખુલાસો થઈ ચુક્યો છે. આ મામલામાં ખાસ વાત એક છે કે બાદમાં વધુ એક વીડિયો જાહેર કરીને અફઝલ હુસૈને સોશયલ મીડિયાના તે વીડિયો પર મ્હોર પણ લગાવી દીધી હતી.

શિક્ષક અફઝલ હુસૈનનું શું કહેવું છે?

વંદેમાતરમ નહીં ગાવા મામલે અફઝલ હુસૈનનું કહેવું છે કે બંધારણમાં ક્યાંય રાષ્ટ્રગાનને ગાવું ફરજિયાત નથી. તે માત્ર અલ્લાહને માને છે અને વંદેમાતરમનો અર્થ છે ભારતની પૂજા કરવી. અફઝલ હુસૈનનું કહેવું છે કે અમે માત્ર અલ્લાહને માનીએ છીએ અને વંદેમાતરમનો અર્થ છે, ભારતની પૂજા કરવી. અમારો ઈસ્લામ અમને આ વાતની મંજૂરી આપતો નથી. તેવામાં ધાર્મિક માન્યતાને જોતા મે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રગાન ગાવાનો ઈન્કાર કર્યો હતો.

અધિકારીઓનું શું કહેવું છે?

આ મામલામાં અધિકારીઓનું કહેવું છે કે હજી સુધી તેમને આવી કોઈ વાતની ફરિયાદ મળી નથી. તેમની પાસે ફરિયાદ આવશે, ત્યારે આ મામલામાં તપાસ કરવામાં આવશે.

અપડેટ-

વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કરનારા શિક્ષક અફઝલ હુસૈનની ગામના લોકો દ્વારા પિટાઈ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ શિક્ષક અફઝલ હુસૈને વંદેમાતરમ સિવાય નેશનલ એન્થમ જન-ગણ-મન પણ ગાયું ન હતું તેવા દાવા થઈ રહ્યા છે. મીડિયામાં મોટાભાગે આ શિક્ષકની પિટાઈને વખોડવામાં આવે છે અને વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કરનારા શિક્ષક અફઝલ હુસૈનને પીડિત તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ સવાલ અહીં એ પણ છે કે દેશનું અપમાન અને દેશના ગૌરવબિંદુઓના અનાદરની લાગતી ઘટનાઓ સામે જનાક્રોશ અને જનલાગણીઓ જ્યારે કાબુમાં રહેતી હોતી નથી, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. તેથી આવી કોઈપણ હિંસક ઘટનાઓને રોકવા માટે દેશના માનબિંદુઓ અને ગૌરવ-સમ્માનની સંપૂર્ણપણે સુરક્ષા થવી અને તેનું સંરક્ષણ થવું જરૂરી છે. આવી વ્યવસ્થાને બંધારણીયતા અને કાયદેસર સ્વરૂપ આપવું પણ બેહદ જરૂરી છે. જો આવું કાયદાકીય અને બંધારણીય સ્વરૂપ અસ્તિત્વમાં હોય, તો કાયદાના અમલીકરણથી આવા તત્વોને અસરકારક રીતે જબ્બે કરીને કાર્યવાહી કરવી જોઈએ. હિંસા બિલકુલ થવી જોઈએ નહીં, પણ આવી અસરકારક વ્યવસ્થાના અભાવમાં આવી હિંસાને રોકવી પણ અઘરી છે.

REAL VOICE OF INDIA

લાલબત્તી-

એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી જેવા ઘણાં લોકો કટ્ટરતાવાદને બંધારણની અંદરની જોગવાઈ નહીં હોવાનું જણાવીને ભારતમાતા કી જય અને વંદેમાતરમ ગીતના ગાન જેવા મામલાઓ પર બિનજરૂરી વિવાદો પેદા કરતા રહે છે. વિશુદ્ધપણે ભારતમાતા કી જય અને વંદેમાતરમ ગીત જેવી બાબતો દેશપ્રેમ અને દેશભક્તિ સાથે જોડાયેલી છે. આવી બાબતોનો ભારતના સ્વતંત્રતા સંગ્રામ લડનારા કોઈપણ લડવૈયાઓ દ્વારા ક્યારેય ભેદ કરવામાં આવ્યો ન હતો. જે લોકોએ આવો ભેદ કર્યો, તેમણે 1947માં ભારતના ભાગલા કરીને પાકિસ્તાનના નામે દેશની અખંડતાને બે તરફના પડખામાંથી કાપી લીધી હતી. પરંતુ આઝાદીના સાત દાયકા બાદ પણ જો ફરી એકવાર વંદેમાતરમ અને ભારતમાતા કી જયને વિવાદીત બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય, તો આવા કોઈપણ કૃત્ય ભારતની રાષ્ટ્રભાવનાની અખંડિતતા અને અક્ષુણ્ણતાને નિશાન બનાવવાનું કૃત્ય ગણવું જોઈએ. જો આવી બાબતોને લઈને બંધારણમાં કોઈ ચોખવટ ન હોય, તો આના માટે ફરી એકવાર તેને બંધારણીય મર્યાદામાં સ્પષ્ટ શબ્દોમાં સામેલ કરવું જોઈએ. જો બંધારણમાં આવી બાબતો પર પરોક્ષપણે કંઈ કહેવામાં આવ્યું હોય, તો આવા કટ્ટરવાદી પાકિસ્તાની માનસિકતા ધરાવતા તત્વોને ભારતભાવના સામે માથું ઉંચકતા અટકાવવા માટે અત્યારથી જ ડામવા જરૂરી છે.

રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રનું અસ્તિત્વ સર્વોચ્ચ છે અને તેની જવાબદારી દેશના દરેક નાગરીકની છે. જાપાન, ઈઝરાયલ જેવા ઘણાં દેશો કટ્ટર રાષ્ટ્રપ્રેમના મામલામાં ભારત અને ભારતીયોના આધુનિક સમયગાળામાં પથદર્શક બની શકે છે. જો ભારતમાં કોઈને પથદર્શક બનાવવા હોય, તો ભારતના ઈતિહાસમાં આવા ઘણાં વિરાટ વ્યક્તિત્વો છે. એલેક્ઝાન્ડર એટલે કે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું, ત્યારે અખંડ ભારતના અસ્તિત્વને બચાવવા માટે તક્ષશિલાનો એક સામાન્ય શિક્ષક ચાણક્ય યુદ્ધ લડયો હતો. આ યુદ્ધ સમ્રાટ બનવાનું નહીં, પણ એક નેતૃત્વને સમ્રાટના સ્તર પર લઈ જઈને તેના દ્વારા રાષ્ટ્રની અખંડિતતા અને એકતાને અક્ષુણ્ણ રાખવાનું હતું. આ કામ ચાણક્યના નામે ઓળખતા વિષ્ણુગુપ્ત નામના એક શિક્ષકે,  શિક્ષક સાધારણ નહીં હોવાનું જણાવીને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું નિર્માણ કરીને ભારતની અખંડિતતાને સાબૂત રાખીને પોતાની વાતને પુરવાર કરી બતાવી હતી. પરંતુ આ જ ભારતમાં અફઝલ હુસૈન જેવા શિક્ષક બાળકને કદાચ અક્ષરજ્ઞાન આપી શકશે, પરંતુ તેમનામાં રાષ્ટ્રભાવનાનું ઘડતર કેવી રીતે કરશે તેના પર બિહારના કટિહારની પ્રાથમિક શાળાના વાઈરલ વીડિયો પરથી પ્રશ્નાર્થ અવશ્ય પેદા થાય છે. રાષ્ટ્રભાવનાનો આદર કરનારા અને દેશની માટીને પ્રેમ કરનારા દરેકને શિક્ષક અફઝલ હુસૈન દ્વારા વંદેમાતરમ ગાવા કે બોલવાનો ઈન્કાર કરવાની ઘટના આઝાદીના સાત દાયકા બાદ પણ ચિંતા પેદા કરનારી છે.

LEAVE YOUR COMMENT