નોઇડામાં ભાજપ કાર્યાલય, હોસ્પિટલ અને સ્કૂલો આતંકીઓના નિશાને હતા, ATSની તપાસમાં ખુલાસો
લખનૌ, 9 જૂન 2026: ઉત્તર પ્રદેશના નોઇડામાં એક મોટા આતંકી હુમલાની ભયાનક સાજિશનો પર્દાફાશ થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પકડાયેલા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓએ દિલ્હી-એનસીઆર (રાષ્ટ્રીય પાટનગર વિષ્તાર)માં દહેશત અને અરાજકતા ફેલાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નોઇડામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની ઓફિસ, જાણીતી હોસ્પિટલો, શાળાઓ અને એક મોટા વ્યાપારી પ્રતિષ્ઠાનને નિશાન બનાવવાની યોજના હતી. એજન્સીઓની તપાસમાં એવો પણ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલાને અંજામ આપવા માટે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાનથી ડ્રોન મારફતે પંજાબના રસ્તે ભારતમાં ઘુસાડવાની હતી. ત્યારબાદ આ સામગ્રી નોઇડા પહોંચાડીને લોહીયાળ ખેલ ખેલવાનું કાવતરું હતું, પરંતુ તે પહેલા જ એજન્સીઓએ આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.
તપાસ એજન્સીના અહેવાલ મુજબ, આ સમગ્ર ઓપરેશનની શરૂઆત 23 એપ્રિલના રોજ થઈ હતી, જ્યારે નોઇડા સેક્ટર-126 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તુષાર ચૌહાણ અને સમીર ખાન નામના બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેની આકરી પૂછપરછમાં મળેલા સગડના આધારે ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ 27 મેના રોજ સહારનપુરથી વધુ ત્રણ આરોપીઓ – મહકાબ શાહરૂખ, ગગનદીપ ઉર્ફે ગુરુ અને મુશર્રફની ધરપકડ કરી હતી. તપાસમાં સાબિત થયું છે કે આ તમામ આરોપીઓ સરહદ પાર પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્કના સીધા સંપર્કમાં હતા અને હુમલા માટે ઘાતક હથિયારો મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા.
એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ પાકિસ્તાનથી સંચાલિત આતંકી નેટવર્ક સાથે ડિજિટલ માધ્યમોથી જોડાયેલા હતા. આ ટોળકી પાકિસ્તાની હેન્ડલર્સ શહેઝાદ ભટ્ટી અને આબિદ જટ જેવા કુખ્યાત ગુનેગારોની મદદથી ભારતમાં હથિયાર અને દારૂગોળો મંગાવવાની પેરવીમાં હતી. એજન્સીને પ્રબળ શંકા છે કે દેશની અંદર સક્રિય સ્થાનિક ‘સ્લીપર સેલ’ની મદદથી આ આખી સાજિશને આગળ ધપાવવામાં આવી રહી હતી. હાલમાં આરોપીઓના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાઓના ફોરેન્સિક એનાલિસિસના આધારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય દેશદ્રોહીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
-
હથિયારોની ડિલિવરી મળે તે પહેલા જ ATS ત્રાટકી
સદ્ભાગ્યે, આતંકીઓને પાકિસ્તાનથી મોકલવામાં આવનાર હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો મળે તે પહેલા જ એટીએસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓને દબોચી લીધા હતા. આ જ કારણે હાલમાં તેમની પાસેથી કોઈ હથિયાર રિકવર થયું નથી, પરંતુ તેમની યોજનાના પાકા પુરાવા મળી આવ્યા છે. એટીએસ દ્વારા આ ઓપરેશન અંગેનો વિગતવાર રિપોર્ટ લખનૌ સ્થિત હેડક્વાર્ટરને મોકલી દેવાયો છે. સ્લીપર સેલના અન્ય સભ્યોને ઓળખી કાઢવા માટે તપાસનો દમદોરો ગતિમાન છે, અને આગામી દિવસોમાં આ મામલે હજુ પણ કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના વર્તાઈ રહી છે.


