in ,

ગુજરાત સરકાર મંગળવારે વિધાનસભામાં રજૂ કરશે બજેટ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. જેમાં રાજ્યની વિજય રૂપાણી સરકાર બજેટ રજૂ કરશે. આ બજેટનું કદ 1.91 લાખ કરોડથી વધીને 2 લાખ કરોડ સુધી પહોંચવાની શકયતા છે. બીજી તરફ આવતીકાલથી શરૂ થનારૂ બજેટ સત્ર તોફાની બનાવની શકયતા છે. સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે કોંગ્રેસ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.  

લોકસભાની ચૂંટણીને કારણે સરકારે પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાના બદલે લેખાનુદાન રજૂ કર્યું હતું. દરમિયાન આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. તેમજ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા મુજબ, રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે. આ સત્ર દરમિયાન વિરોધપક્ષ પણ સરકારને ભીંસમાં લેવા માટે વિવિધ મુદ્દાઓ તૈયાર કરી રહ્યો છે.

21 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે 7 જેટલા બિલો પણ ગૃહમાં પસાર કરવામાં આવે એવી શક્યતા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી.

સરકાર દ્વારા વિધાનસભામાં ઓગસ્ટ 2019થી માર્ચ 2020 સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ થશે. અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ 1.91 લાખ કરોડ નક્કી કર્યું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ.639.39 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ 1.91 લાખ કરોડથી વધીને 2 લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભગવાન જગન્નાથજીનું હવે સાધુ-સંતો પણ કરશે મામેરુ

વિજય શંકરના રૂપમાં ટીમ ઈન્ડિયાને મોટો આંચકો, ઈજાને કારણે વર્લ્ડકપમાંથી થયા બહાર