1. Home
  2. Political
  3. 8 આત્મઘાતી વિસ્ફોટો બાદ બુરખા પર પ્રતિબંધની તૈયારીમાં શ્રીલંકા
8 આત્મઘાતી વિસ્ફોટો બાદ બુરખા પર પ્રતિબંધની તૈયારીમાં શ્રીલંકા

8 આત્મઘાતી વિસ્ફોટો બાદ બુરખા પર પ્રતિબંધની તૈયારીમાં શ્રીલંકા

0

ભારતમાં આતંકવાદ સામેના કાયદા ટાડા અને પોટાને રાજકીય ઉપયોગના નામે હટાવવા માટે વોટબેંકનું પોલિટિક્સ ખેલવામાં આવ્યું અને રાષ્ટ્રીય સુરક્ષાને તાક પર મકવામાં આવી હતી. એક પછી એક આતંકી હુમલા બાદ પણ ભારતમાં મજબૂત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે આતંકવાદ વિરોધી કાયદો અસ્તિત્વમાં નહીં હોવું શરમજનક બાબત છે. પાડોશી દેશ શ્રીલંકામાં આઠ આત્મઘાતી વિસ્ફોટોની ઘટના બાદ હવે ત્યાં બુરખા પર પ્રતિબંધની તૈયારી આતંકીઓના પાપે થઈ રહી છે. પરંતુ ભારતમાં તો આટલા આતંકી હુમલા બાદ પણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે આતંકવાદીઓ સામે કડકાઈથી પગલા ભરવા માટે વિશેષ કાયદો નથી અને હતા તેને રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ધાર્મિક અને સામાજિક ચીજવસ્તુઓ પર જાહેરસ્થાનો પર પ્રતિબંધની વાત દેશના કોઈપણ રાજકારણી વિચારી પણ શકતા નથી!

તાજેતરમાં ભારતમાં પુલવામા એટેક બાદ પણ સુરક્ષાદળોના કાફલાની મૂવમેન્ટ વખતે અન્ય વાહનોને દૂર રાખવાના નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા હાઈવે પર દેખાવોની નેતાગીરી કરી ચુક્યા છે. ભારતમાં મુંબઈ ખાતેના લોકલ ટ્રેનોના વિસ્ફોટની ઘટના હોય કે આવી અન્ય કોઈ આતંકી ઘટનાઓ જમ્મુ-કાશ્મીર અને તેની બહાર દેશના અન્ય ભાગોમાં ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવી હોય. પરંતુ ત્યારે આતંકીઓનો કોઈ ધર્મ નહીં હોવાનું ગાઈ વગાડનારી પોતાને સેક્યુલર ગણાવતી રાજકારણીઓની ખાસ ટોળકી દેશના લોકોની લાશો પર વોટની રાજનીતિ કરતી રહી છે. બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ પોલીસ ઈન્સ્પેક્ટરની શહીદી પર સવાલ ઉઠાવનારાઓ આઝમગઢમાં આતંકીઓના ઘરે ગયા હતા. ઈશરત જહાં એન્કાઉન્ટર બાદ આતંકવાદીને મદદ જાહેર કરનારા રાજકારણીઓ ભારતમાં જ છે.

આઈએસ દ્વારા દક્ષિણ એશિયાના દેશોના મુસ્લિમ સમુદાયમાં બ્રેનવોશ કરીને યુવાવર્ગને ગેરમાર્ગે દોરીને તેમના જ દેશમાં તેમના જ લોકોની સામે મધ્ય-પૂર્વ એશિયાનું ઈસ્લામિક આતંકી સંગઠન કોઈપણ પ્રકારના વિઝન વગર માત્ર લોહી રેડવાના દ્રષ્ટિકોણથી આતંકી પ્રવૃત્તિઓ કરાવે છે.

આતંકવાદી સ્થાનિક હોય ત્યારે આતંકવાદને ફાલવા-ફૂલવાની જમીન પણ તેની સાથે સંબંધિત સ્થાન અને સમુદાયન દ્વારા જાણે-અજાણે પુરી પાડવામાં આવતી હોય છે. આવું જ કંઈક ઈસ્ટરના દિવસે રવિવારે શ્રીલંકાના આઠ સ્થાનો પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં થયું હતું. આ વિસ્ફોટો સ્થાનિક આતંકવાદીઓએ કર્યા હતા. પરંતુ આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ દ્વારા પ્રોપેગેન્ડા ટૂલ તરીકે વાપરવામાં આવતી ન્યૂઝ એજન્સીના માધ્યમથી લેવામાં આવી હતી.

આઈએસઆઈએસના હુમલામાં શ્રીલંકામાં 310 લોકોના જીવ જવાની ઘટના હકીકતમાં માત્ર પાડોશી દેશનો જ પ્રશ્ન નથી. આ મામલો આખા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને લાગુ પડે છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા સુધીના કોઈપણ દેશમાં આઈએસ પોતાના મોડ્યુલને એક્ટિવેટ કરીને આવા હુમલા કરાવી શકે તેવી સ્થિતિ સુરક્ષા નિષ્ણાતો ભૂતકાળની ઘટનાઓ જોઈને નકારતા નથી.

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી વિસ્ફોટની ઘટના બાદ બુરખા અને નકાબ પર પ્રતિબંધ લગાવવાની વિચારણા ત્યાંની સરકાર દ્વારા થઈ રહી છે. આ પગલું મામલાની તપાસ દરમિયાન મહિલાઓના હુમલામાં સામેલ હોવાના સંકેત મળ્યા બાદ ઉઠાવાઈ રહ્યું છે.

ડેલી મિરરે શ્રીલંકાના સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સરકાર મસ્જિદ અધિકારીઓ સાથે વિચારણા કરીને આ પગલું લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આતંકાદી હુમલામાં અત્યાર સુધીમાં 40 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આમા એક વાનચાલકનો પણ સમાવેશ થાય છે. તેની કથિતપણે આત્મઘાતી હુમલામાં સંડોવણી હતી.

યુએનપી સાંસદ આશુ મારાસિંઘેએ કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ લગાવવા માટે એક પ્રાઈવેટ બિલ લાવવાની યોજના બનાવી રહ્યા છે. આ બિલનું વિવરણ સાંસદે ફેસબુક પેઈજ પર પોસ્ટ કર્યું છે. તેમનો દાવો છે કે બુરખો મુસ્લિમ મહિલાઓનો પરંપરાગત પહેરવેશ નથી. તેનો ઉપયોગ પુરુષો ઓળખ છૂપાવીને આતંકવાદી ગતિવિધિમાં સામેલગીરી મટે કરવામાં આવ્યો છે.

ચાડ, કેમરુન, ગાબોન, મોરક્કો, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, ડેનમાર્ક,  ફ્રાંસ, બેલ્જિયમ અને ઉત્તર-પશ્ચિમ ચીનના મુસ્લિમ બહુમતીવાળા રાજ્ય શિનજિયાંગમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં મુખ્યત્વે ઈસ્લામિક દેશ અલ્જેરિયાએ જાહેરસ્થાનો પર મહિલા કર્મચારીઓને કામના કલાકો દરમિયાન બુરખો પહેરવા પર રોક લગાવી હતી.

જો શ્રીલંકા પણ આમ કરે છે, તો તે બુરખા પર પ્રતિબંધ લગાવનારા એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોમાં સામેલ થઈ જશે. આ દેશોએ આતંકવાદને રોકવાના ઉદેશ્ય સાથે પોતાને ત્યાં બુરખા પર પ્રતિબંધ લગાવવા માટેના પગલા ઉઠાવ્યા છે.

LEAVE YOUR COMMENT