1. Home
  2. Political
  3. 2019ની લોકસભા ચૂંટણી જીતનારી કોઈપણ સરકાર સામે હશે મોટા પડકારો
2019ની લોકસભા ચૂંટણી જીતનારી કોઈપણ સરકાર સામે હશે મોટા પડકારો

2019ની લોકસભા ચૂંટણી જીતનારી કોઈપણ સરકાર સામે હશે મોટા પડકારો

0

2019ની લોકસભાની ચૂંટણીઓ કોણ જીતશે અને કોણ હારશે, તે તો મે મહિનામાં જ ખબર પડશે. પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આવનારી સરકાર સામે વ્યક્તિગત સ્તરથી માંડીને રાષ્ટ્રની સાથે જોડાયેલા ઘણાં પડકારોનો ડુંગર નિશ્ચિતપણે હશે. દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવા માટે આવા પડકારોને અવસરોમાં બદલવાનું કૌવત પણ દેખાડવું પડશે. જેમાં વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, વ્યૂહાત્મક પરિસ્થિતિઓના પડકારોને પહોંચી વળવા માટે પણ એવા કેટલાક પડકારોનો સાનો કરવો પડશે કે જેનો આવનારી સરકારની મજબૂતાઈ સાથે પણ સંબંધ હશે.

ગઠબંધનોનું અસરકારક રીતે સંચાલન

આગામી સમયમાં રાજકારણમાં 2019ની લોકસભા જીતનારી કોઈપણ પાર્ટી અથવા ગઠબંધન માટે સૌથી મોટો પડકાર હશે, ગઠબંધનોનું અસરકારક રીતે ચાલવું. ગત બે દશકાઓમાં દેશમાં ગઠબંધનવાળી સ્થિર સરકારો રહી છે. જેમાં 1999થી 2004 સુધીની આખી ટર્મ માટેની અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએની સરકાર, મનમોહનસિંહની આગેવાનીવાળી યુપીએ-1 અને યુપીએ-ટુની સરકાર અને હવે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએની સરકાર કેટલાક વિવાદો સાથે સુચારુપણે ગઠબંધનોના સંચાલનના ઉદાહરણો છે. જો કે હાલની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ભાજપને પૂર્ણ બહુમતી મળેલી છે. 2014માં ત્રણ દાયકામાં પહેલીવાર કોઈ પક્ષને લોકસભામાં પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ શકી હતી.

આમા પહેલી સરકારે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. બીજી સરકારે તેનાથી આગળ વધીને બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા અને હાલની સરકાર પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહી છે. આ કોઈ નાનકડી સિદ્ધિ નથી, કારણ કે ભૂતકાળમાં ભારતીય રાજકારણમાં ગઠબંધન યુગના પ્રારંભથી રાજકીય અસ્થિરતા જોઈ છે. ચાહે પછી તે કટોકટી પછીની  મોરારજી દેસાઈની એગાવાનીવાળી જનતા પાર્ટીની મોરચા સરકાર હોય અથવા વી.પી. સિંહની આગેવાનીવાળી જનતાદળની મોરચા સરકાર હોય કે એચ. ડી. દેવેગૌડા અને આઈ. કે. ગુજરાલના નેતૃત્વવાળી અન્ય જોડાણ સરકારો હોય. આમા મોરારજી દેસાઈની ગઠબંધન સરકાર આંતરીક કલહને કારણે પડી ગઈ હતી. તેમના પછી સત્તામાં આવનારી અન્ય ત્રણ ગઠબંધન સરકારો બહારથી સમર્થન આપનારા સાથીપક્ષના ટેકો પાછો ખેંચવાને કારણે પડી ગઈ હતી.

આજે સત્તારુઢ ગઠબંધન અને વિપક્ષી ગઠબંધન બંને પોતાના સ્વરૂપને યથાવત રાખવાના મામલે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને આનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપને પોતાના સાથીપક્ષોને સાધવામાં થોડીઘણી મુશ્કેલીઓ છે અને કોંગ્રેસને પણ ભાવિ સાથીઓને લોભાવવા તથા હાલના સાથીપક્ષોને સાથે રાખવામાં પરેશાની થઈ રહી છે. તો અન્ય પ્રાદેશિક પક્ષો પણ પોતાના અલગથી મહાગઠબંધન બનાવવામાં લાગી ગયા છે. જો કે હજી તેનું સ્વરૂપ રાષ્ટ્રીય સ્તરે બની શક્યું નથી.

લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જીતનારા અને હારનારાઓએ પોતાના મુખ્ય સ્પર્ધકના સફાયા માટે અન્ય સંયુક્ત કેન્દ્રબિંદુઓ પર ભાગીદારી સુનિશ્ચિત કરવાના વિકલ્પો પણ શોધવા પડશે. જો કે જેનો રકાસ થશે તેને ટકવામાં મુશ્કેલી થવાની છે, કારણ કે ડૂબતા જહાજમાંથી ઉંદરડા ભાગવા જેવી સ્થિતિનો તે ગઠબંધનને સામનો કરવો પડશે. જીત અથવા હારની સ્થિતિઓમાં મુખ્ય રાજકીય પક્ષો પાસે સંબંધોમાં પરિપક્વતા અને ઊંડાણ લાવવાનો મોકો હશે. જેના દ્વારા તાત્કાલિક રાજનીતિના સ્થાને લાંબાગાળાના સંબંધો વિકસાવાની એક ક પણ સાપડી શકે છે.

હીટ એન્ડ રનની રાજકીય પ્રવૃત્તિઓથી બચવું

કમનસીબે ગત કેટલાક વર્ષોથી રાજનીતિમાં હુમલો કરીને ભાગી જવાની પ્રવૃત્તિ અજમાવાઈ રહી છે અને કેટલાક નેતાઓ નક્કર પ્રમાણો વગર વારંવાર આરોપો લગાવીને પ્રતિસ્પર્ધીને બદનામ કરવાનો માર્ગ અખત્યાર કરીને રાજકીય સરસાઈની કોશિશમાં લાગેલા રહે છે. તેમને લાગે છે કે સતત આમ કરવાથી આખરે તેમના વિરોધીઓની છબી ખરાબ થઈ જશે. તથ્ય અને આંકડાની શુદ્ધતા પણ હવે જળવાતી દેખાઈ રહી નથી. પગ માથા વગરના આરોપોની એક રાજકીય સંસ્કૃતિ પણ વિકસવા લાગી છે. તેના કારણે સંસદની અંદર અને બહાર તથા ટેલિવિઝન સ્ટૂડિયોમાં પણ ચર્ચાઓના સ્તર ઘણાં છીછરા દેખાઈ રહ્યા છે. તેનું પરિણામ ગંભીર ચર્ચાના ઈચ્છુક નેતાઓના સ્થાને હોબાળો કરનારા લોકો આવી ચુક્યા છે અને તેઓ પોતાના ફાયદાઓ માટે તથ્યોને તોડે-મરોડે છે. આ બધું લોકોને લોભાવવા માટે કરવામાં આવે છે. પરંતુ હકીકમાં લોકો તેનાથી પ્રભાવિત થતા નથી. માટે આ જનભાવનાને સમજવા અને તેમના પ્રમાણે ખુદને બદલવાનો મોકો છે.

જાતિ,ધર્મ,પ્રાંતવાદને રાષ્ટ્રીય મહત્વવાળા મુદ્દા પર હાવી થવા દેવા નહીં

ત્રીજો રાજકીય પડકાર જાતિ, ધર્મ અને પ્રાંતવાદ જેવા વિવાદીત મુદ્દાઓને વ્યાપક રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર હાવી નહીં થવા દેવા એક મોટો રાજકીય પડકાર બનવાનો છે. જો કે આવું કહેવું આસાન છે અને કરવું ઘણું કઠિન છે. આઝાદી બાદથી જાતિ, ધર્મ અને પ્રાંતવાદના મુદ્દાઓને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓની અવગણના કરીને રાજકીય લાભ ખાંટવાની વૃત્તિ અને પ્રવૃત્તિ આપણા મોટાભાગના નેતાઓની જોવા મળી છે. આજે પણ જાતિ અને ધર્મના સમીકરણોને દિમાગમાં રાખીને ગઠજોડ થઈ રહ્યો છે અને તે ભારતના રાજકારણની વાસ્તવિકતા છે. આવી રાજકીય જુગત મોટાભાગે સંબંધિત રાજકીય પરિસ્થિતિઓમાં જે-તે રાજકીય પક્ષો માટે ફાયદાકારક પણ રહી છે.

વળી ફિલ્મ હોય કે પુસ્તક અથવા કોઈ ટીપ્પણી, તમામમાં રાજકીય તોફાન ઉભું કરવાની શક્તિ રહેલી હોવાનું પણ ઘણી રાજકીય ઘટનાઓ દ્વા સાબિત થઈ ચુક્યું છે. જો કે કેટલાક વર્ષોથી સમજદાર રાજનેતાઓ માટે એ સમજવાનો અવસર છે કે તાત્કાલિક ફાયદો પહોંચાડનારી રીતરસમો કેટલી વિભાજનકારી છે અને આવા રાજકારણ કરતા એકતામાં કેટલો લાભ છે. જેને કારણે પરિસ્થિતિમાં આમૂલચૂલ તો નહીં, પણ પરિવર્તન થઈ જ રહ્યું છે.

આર્થિક પડકારો

તકો સાથેના આર્થિક પડકારોનો પણ સામનો કરવો પડશે. રોજગારમાં વ્યાપક વૃદ્ધિની તાત્કાલિક જરૂરિયાત છે અને ચૂંટણીઓ બાદ કેન્દ્ર સરકાર માટે આ સૌથી મોટા કામકાજમાં સામેલ હશે. હાલની સરકાર પર વિપક્ષી દળો રોજગારમાં વૃદ્ધિના મોરચા પર નાકામ રહેવાના આરોપો લગાવે છે અને સરકાર પોતાના બચાવમાં મુદ્રા ઋણ, મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા યોજનાઓ દ્વારા રોજગાર સર્જની વાત કહે છે. પરંતુ પુરોગામી સરકારોમાં પણ રોજગાર દર કોઈ સંતોષજનક ન હતો અને તે વાત છૂપાવાઈ શકાય તેમ પણ નથી. આ મામલો રાજકારણથી વધારે અર્થશાસ્ત્રનો છે. જો તેને વધારે રાજકીય બનાવવામાં આવશે, તો આર્થિક પડકારોના સમાધાનના સ્થાને તેના ગુંચવાવાની શક્યતાઓ વધી જશે.

લોભામણા રાજકીય ઉપાયોનું શરણું છોડવું

ઘટકદળોના ટેકાને ચપટીમાં મેળવવા માટે લોકલોભામણા રાજકીય ઉપાયોના રાજકીય શરણમાં જવાના લોભથી દૂર રહેવું પણ રાજનેતાઓ માટે મોટો પડકાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દેવામાં ડૂબેલા અને તેની ભરપાઈ કરવામાં નિષ્ફળ ખેડૂતોના દેવા માફ કરવા જેવા પગલા ઉઠાવી શકાય ચે. પરંતુ તેમને સમજવું પડશે કે આવા નિર્ણયોની રાજ્ય અને દેશની આર્થિક સ્થિતિ પર કેવી અસરો પડશે. કર્જમાફી કૃષિ સંકટનું લાંબાગાળાનું સમાધાન નથી. જો કે છેલ્લા કેટલાક સમયથી લોકલોભામણા ઉપાયોનું જ પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું છે.

અન્ય પડકારો

માળખાગત સુવિધાઓને મજબૂત કરવી, એનપીએમાં ઘટાડો કરીને બેન્કિંગ ક્ષેત્રના સ્વાસ્થ્યને સુધારવું તથા તમામ સ્તરો પર શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવો લાંબા સમય સુધી અપનાવાઈ રહેલી આવી રીતરસમો છે. તેના પરિણામો થોડા સમયગાળા બાદ જોઈ શકાય છે. પરંતુ સરાકારો અનેપાર્ટઓ તાત્કાલિક ફાયદાને જોતી હોય છે અને આવા પ્રયાસોને ચાલુ રાખવામાં ઢીલાશ પણ દાખવતી હોય છે. હાલની કેન્દ્ર સરકારે પાયાગત માળખાના વિકાસ, કૃષિ સુધાર, જન સ્વાસ્થ્ય, શિક્ષણ, લાભનુ સીધું હસ્તાંતરણ જેવા ક્ષેત્રોમાં વ્યવસ્થાગત પરિવર્તન લાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. પરંતુ ઢીલાશ આવવાની શક્યતાઓ છે અને તેનાથી બચવું એક મોટો પડકાર હશે.

સામાજિક પડકારો

વ્યક્તિગત મામલાઓમાં સુધારો હંમેશા મુશ્કેલ હોય છે, કારણ કે અંગત મામલામાં દખલના નામ પર તેની ટીકા થવા લાગે છે. તાજેતરમાં એવું થયું હતું, જ્યારે સરકારે મુસ્લિમ સમાજમાં વ્યાપ્ત અને મહિલાઓને પીડા આપનારી ટ્રિપલ તલાકની કુરીતિને અપરાધ ગણવા માટેનો કાયદો લાવવાની કોશિશો કરી હતી.

તો સંપન્ન જ્ઞાતિઓના સમૂહમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણી કરી રહ્યા હતા. ગુજરાત અને રાજસ્થાન સહીત ઘણાં ક્ષેત્રોમાં આમ થયું છે. અનામતની માગણી ના હોય, તો સમુદાયોની ભાવનાઓનો ખ્યાલ રાખવા માટે પણ માગણી ઉઠાવવામાં આવે છે અને તેનું સમર્થન પણ કરવું પડતું હોય છે.

ભાવનાત્મક આધાર પર કોઈપણ ફિલ્મને વાંધાજનક ઠેરવી શકાય છે અને કોઈપણ પુસ્તકને નહીં વાંચવાનું એલાન પણ કરી શકાય છે, કારણ કે તેનાથી લાગણીશીલ ભારતીય સમાજમાં જ્ઞાતિવાદી અથવા કોમવાદી તણાવ ભડકાવાની તથા તેમાથી રાજકીય ફાયદો લેવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. કોઈપણ નિવેદનને કોઈપણ જાતિ અથવા સમુદાયના આદર્શ વ્યક્તિત્વનું અપમાન પણ ગણાવીને રાજકીય ફાયદો લેવાની કોશિશો થતી હોય છે.  જો કે અપવાદરૂપ કિસ્સાઓમાં આવા મુદ્દાઓ સાચા પણ હોય છે. પરંતુ ભાવનાત્મક મુદ્દાઓના રાજકીય લાભ લેવાની પ્રવૃત્તિઓમાં તેની ભેદરેખા પારખવામાં થાપ પણ ખાઈ જવાય છે.

જેને કારણે 2019ના મધ્યમાં બનનારી કોઈપણ સરકાર માટે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું સૂત્ર આપનાર મોદી સરકાર અથવા અન્ય કોઈપણ સરકારને તેને ચરિતાર્થ કરવામાં આવા પડકારોનો સામનો કરવો પડશે.

LEAVE YOUR COMMENT