- ઉત્તરરાયણ પર્વને લઈને ફરમાવાયો પ્રતિબંધ
- પોલીસ કમિશનરે બહાર પાડાયું જાહેરનામું
- જાહેરનામાનો ભંગ કરનારા સામે થશે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં 14મી જાન્યુઆરીએ ઉતરાયણ અને વાસી ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન આ તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે ચાઈનીઝ અને સિથેટિક્સ દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સવારે 6થી 8 અને સાંજે 5થી 7 પતંગ નહીં ચગાવવા માટે પણ વિનંતી કરી છે.
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું પ્રસિધ્ધ કરીને તા. 20મી ડિસેમ્બરથી 17મી જાન્યુઆરી 2020 સુધી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ-સિન્થેટીક્સ દોરાના ઉપયોગ, સંગ્રહ અને વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. ચાઈનીઝ દોરીની વાહન ચાલકોના ગળા કપાવવાના બનાવો બનતા હોવાથી લોકોની સુરક્ષા માટે દર વર્ષે પોલીસ ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ-સિન્થેટિક્સ દોરા ઉપર પ્રતિબંધ ફરમાવે છે. આવા દોરાનું વેચાણ અને સગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વહેલી સવારે પક્ષીઓ માળામાંથી નીકળે છે અને સાંજના પાછા માળામાં જાય છે. જેથી પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને સવારે 6થી 8 અને સાંજે 5થી 7 પતંગ નહીં ચગાવવા માટે વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક વેપારીઓ કમાઈ લેવાની લહાયમાં ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેથી પોલીસ દ્વારા આવા વેપારીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.