અમદાવાદઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. દરમિયાન પીડિતોની મુલાકાતે જઈ રહેલા પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવતા તેના પડઘા ગુજરાતમાં પડ્યાં છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતા-કાર્યકરોએ દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. જેથી પોલીસે દેખાવો કરતા નેતાઓની અટકાયત કરી હતી. પોલીસ અને કોંગ્રેસના નેતા-કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બુધવારે સરપંચ અને તેમના સમર્થકોએ આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરતાં 10 આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલો ધોરવાલ જિલ્લામાં 90 વિઘા વિવાદીત જમીનનો છે. જેના ત્રણ દિવસ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા માટે રવાના થયા હતા, પરંતુ તેમને રસ્તામાં જ રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. પાલડી ખાતે આવેલા કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણાં કરી રહેલા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસે દેખાવો કરવા માટે વિવાદિત પોસ્ટર બનાવ્યું છે. આ પોસ્ટર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કાર્ટૂન બનાવ્યું છે. જેમાં સીએમ યોગીના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ન્યાયનું ત્રાજવું દર્શાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલે પણ વડોદરા સહિતના શહેરો-નગરોમાં દેખાવો યોજવામાં આવ્યા હતા.