1. Home
 2. revoinews
 3. સંવિધાન: લોકપ્રતિનિધિત્વ ધારો – જાણો અને જાગો
સંવિધાન: લોકપ્રતિનિધિત્વ ધારો – જાણો અને જાગો

સંવિધાન: લોકપ્રતિનિધિત્વ ધારો – જાણો અને જાગો

0

મિતેષ એમ. સોલંકી

ભારતમાં રાજકીય ક્ષેત્રનો સૌથી મોટો ઉત્સવ એટલે સામાન્ય ચુંટણી. હાલમાં ૮ બેઠકો માટે વિધાનસભાની પેટાચૂંટણીનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે.

ભારતમાં પ્રતિનિધિત્વ પ્રકારની લોકશાહી છે. તેનો અર્થ કે ભારતમાં દરેક નાગરિક પોતાના મતવિસ્તારમાં મત દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને તે ચૂંટાયેલ પ્રતિનિધિ સંબંધિત મતવિસ્તાર તરફથી વિધાનસભામાં બેસે છે. દરેક રાજ્યને વસ્તીના પ્રમાણમાં અલગ અલગ બેઠકો મળી છે જેમ કે ગુજરાતને વિધાનસભાની કુલ 182 બેઠકો મળી છે. દરેક બેઠક પર વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને ઉભા રાખશે અને જનતા પોતાના મત દ્વારા તેને જીતાડશે અથવા હરાવશે. તો ચાલો આજે આપણે થોડી એવી માહિતી મેળવીએ જે સામાન્ય રીતે નાગરિકો જાણતા નથી અથવા જાણવાનો પ્રયત્ન કરતા નથી.

ભારતમાં ચૂંટણીનું આયોજન કરવાથી લઈને પરિણામ જાહેર કરવા સુધીની જવાબદારી બંધારણીય સંસ્થા – ચૂંટણીપંચ પાસે છે. બંધારણના અનુચ્છેદ-૩૨૪થી ૩૨૯ અંતર્ગત ભારતમાં ચૂંટણીપંચની રચના કરવામાં આવે છે જે રાજકીય પક્ષોની નોંધણી કરવાનું, તેમને ચૂંટણી માટે ચિહ્ન આપવાનું, મતદારયાદી તૈયાર કરવાનું, નવા મતદાતાની નોંધણી કરવાનું, મતદાતાની માહિતીમાં સુધારા કરવાનું, ઉમેદવારની અરજીઓ સ્વીકારવાનું/રદ કરવાનું, આચાર સંહિતા લાગુ કરવાનું, ચૂંટણીની તૈયારીઓ કરવાનું, ચૂંટણી યોજવાનું તથા પરિણામો જાહેર કરવા જેવી અનેક મહત્વની જવાબદારીઓ નિભાવે છે. ભારતમાં ચૂંટણીની તૈયારી કરવા માટે અને યોજવા માટે બે લોકપ્રતિનિધિ ધારા અસ્તિત્વમાં છે. આ બંને લોકપ્રતિનિધિ ધારાનો પહેલા તફાવત જોઈએ ત્યાર બાદ આગળ વધુ માહિતી મેળવીએ. ભારતમાં લોકપ્રતિનિધિ ધારા બે છે. (૧) ૧૯૫૦ અને (૨) ૧૯૫૧.

લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૦ ચૂંટણીની તૈયારી માટે છે જયારે લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૧ ચૂંટણી યોજવા માટે છે.

૧૯૫૦ના ધારા અંતર્ગત મુખ્યત્વે પાંચ બાબતો પર ધ્યાન આપવાનું રહે છે. (૧) મતદારયાદી તૈયાર કરવી (૨) મતદાનમથક તૈયાર કરવા (૩) EVM-VVPATની તૈયારી કરવી (૪) જરૂરી અન્ય વહીવટી સામગ્રી તેમજ વ્યવસ્થા કરવી અને (૫) ચુંટણી માટે જરૂરી અધિકારીઓની વ્યવસ્થા કરવી. અહીં દર્શાવેલ બાબતોની તૈયારી કરવા માટેની જવાબદારી જિલ્લા કલેકટરની રહે છે જેઓ ૧૯૫૦ના ધારા અંતર્ગત “જિલ્લા ચૂંટણી અધિકારી” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૦ મતદાતાની લાયકાત, મતદારક્ષેત્ર તેમજ સંસદ અને વિધાનસભામાં બેઠકોની ફાળવણી વિષય સંબંધિત કામગીરી અંગે માર્ગદર્શન આપે છે.

લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૧ ચૂંટણી યોજવા માટે છે. આ ધારાના કુલ ૧૩ ભાગ છે અને તેમાં ૧૭૧ વિભાગ જોવા મળે છે જે અંતર્ગત ચૂંટણીપંચ જાહેરનામું બહાર પાડે છે, આચારસંહિતા લાગુ કરે છે, ચૂંટણી સંબંધિત ગુનાઓ, વિવાદ, પેટા ચૂંટણી તેમજ રાજકીય પક્ષની નોંધણી જેવી કામગીરી માટે માર્ગદર્શન આપે છે અને અહીં જિલ્લા કલેકટરને “રીટર્નીંગ ઓફિસર” તરીકે ઓળખવામાં આવે છે. ખાસ નોંધ લેવી કે દરેક જિલ્લાના કલેકટર “રીટર્નીંગ ઓફિસર” બનતા નથી કારણ કે મતવિસ્તારનું સીમાંકન અને જિલ્લાનું સીમાંકન એકસમાન હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ૩૩ જિલ્લા છે પરંતુ લોકસભાની બેઠકો માત્ર ૨૬ જ છે તેથી ૩૩ કલેકટરમાંથી માત્ર ૨૬ કલેકટર જ “રીટર્નીંગ ઓફિસર” બનશે.

શું છે લોકપ્રતિનિધિ ધારાની સામાન્ય જોગવાઈઓ?

 • લોકસભાની બેઠક પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે તેનો અર્થ કે સામાન્ય નાગરિક ગુપ્ત મતદાન દ્વારા પોતાના મતવિસ્તારમાંથી એક ઉમેદવારને વિજેતા બનાવશે.
 • એક મતદારક્ષેત્રમાં માત્ર એક બેઠક માટે જ ચૂંટણી યોજવામાં આવશે.
 • મતદારક્ષેત્ર અંગેનો નિર્ણય સીમાંકન આયોગ (Delimitation Commission) દ્વારા જ લેવામાં આવશે તેમજ ચૂંટણીપંચ દ્વારા મતદારક્ષેત્રને હંમેશાં અપડેટ રાખવામાં આવશે.
 • મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ અને ત્રિપુરા રાજ્યમાં અનુસૂચિત જનજાતિ માટેની બેઠકો અનામત રાખવાની સત્તા ચૂંટણીપંચ પાસે રહેલી છે.
 • સીમાંકન આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ મતદારક્ષેત્ર અંગેના નિર્ણયમાં માત્ર રાષ્ટ્રપતિ જ ફેરફાર કરી શકે પરતું તેના માટે રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચ સાથે ચર્ચા-વિચારણા કરવી જરૂરી રહેશે.
 • દરેક રાજ્યમાં એક મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણુક ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે અને નિમણુક પહેલા રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.
 • કોઈપણ વ્યક્તિનું નામ એક જ મતદારક્ષેત્રમાં હોવું જોઈએ તેમજ એક વ્યક્તિનું નામ મતદારયાદીમાં એક જ વાર હોવું જોઈએ.
 • લોકપ્રતિનિધિત્વ ધારા અંગે કાયદા ઘડવાની અથવા સુધારવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે પરંતુ તે લાગુ કરતા પહેલા ચૂંટણીપંચ સાથે ચર્ચા કરવાની રહેશે.
 • મતદારયાદી સુધારણા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણયની કાયદેસરતા તપાસવા માટે દીવાની કોર્ટને સત્તા હોતી નથી.

ચૂંટણીના ઉમેદવારની લાયકાત:

 • ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નામ નોંધવા માટે મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે.
 • સામાન્ય વર્ગના ઉમેદવાર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની બેઠક પર ઉભા ન રહી શકે.
 • આસામ, સિક્કિમના સ્વાયત જિલ્લાઓ તેમજ લક્ષદ્વીપની અનુસૂચિત જાતિની બેઠક માટે ઉમેદવાર જે તે મતદારક્ષેત્રની યાદીમાં હોય તે જરૂરી છે.
 • લોકસભાની ચૂંટણીમાં ઉભા રહેવા માટે અન્ય જરૂરી લાયકાત જે સંસદે કાયદા દ્વારા નક્કી કરી હોય તે જરૂરી છે.

રાજકીય પક્ષ માટેની જોગવાઈ:

 • દરેક રાજકીય પક્ષે ચૂંટણીપંચમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.
 • રાજકીય પક્ષની નોંધણીની બાબતમાં ચૂંટણીપંચનો નિર્ણય અંતિમ રહેશે.
 • જો રાજકીય પક્ષ તેનું નામ અને સરનામું બદલે તો ચૂંટણીપંચને જાણ કરવી જરૂરી છે.
 • રાજકીય પક્ષ વિદેશી સ્રોત દ્વારા નાણાકીય સહાય લઇ શકે નહિ.
 • રાજકીય પક્ષને મળતી નાણાકીય સહાય અંગેનો વિસ્તૃત અહેવાલ ચૂંટણીપંચને સોંપવાનો રહેશે જો રકમ રૂ. ૨૦૦૦૦/- કરતા વધારે હોય.

મત આપવાના અધિકાર વિષે જોગવાઈ:

 • જે વ્યક્તિનું નામ મતદારયાદીમાં છે તે વ્યક્તિને મત આપવાનો પુરેપુરો અધિકાર છે.
 • એક વ્યક્તિ માત્ર એક જ મત આપી શકે છે અને તે પણ પોતાના મતદારક્ષેત્રમાં જ.
 • જો વ્યક્તિ કાયદેસર ગુના અંતર્ગત જેલવાસ ભોગવતો હોય તો તે મત ન આપી શકે પરંતુ નિવારક અટકાયતમાં હોય તો મત આપી શકે.

ચૂંટણી સંબંધિત ગુનાઓ વિષે:

 • શત્રુતા ઉભી કરવી.
 • મતદાન પહેલાના ૪૮ કલાકમાં જાહેર સભા યોજવી.
 • અન્ય પક્ષના પોસ્ટર, પેમ્ફલેટ વગેરે છાપવામાં અવરોધ ઉભો કરવો.
 • કોઈ ઉમેદવાર માટે જાહેર અધિકારી કામ કરતા હોય.
 • મતદાન મથકની નજીક રાજકીય પ્રચાર કરવો અથવા લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરવો.
 • મતદાતાઓને સુવિધાના નામે વાહનની વ્યવસ્થા કરી આપવી.
 • કોઈ અધિકારીની કામગીરીમાં ખલેલ પહોંચાડવી.
 • મતપત્રક / EVM સાથે છેડછાડ કરવી.
 • મતદાન મથક પર કબજો જમાવવો.
 • મતદાનના ૪૮ કલાક પહેલા અથવા મતદાન પૂર્ણ થવાની નજીક હોય ત્યારે દારૂ / લાલચ આપતી વસ્તુઓનું વેચાણ કરવું.

અન્ય જોગવાઈ

 • ચૂંટાયેલ ઉમેદવારે શપથ લીધા પછીના ૯૦ દિવસમાં પોતાની સંપત્તિ અંગેની સચોટ જાણકારી આપવાની રહે છે.
 • ચૂંટણી સંબંધિત ખર્ચનો હિસાબ જાળવી રાખવો જરૂરી છે.
 • ચૂંટણી સંબંધિત ફરિયાદ પર ચૂંટણીપંચ પગલા લઇ શકે છે.
 • ભ્રષ્ટાચાર, અયોગ્ય રીતે ચૂંટણીની કામગીરી કરવી, શત્રુતા ઉભી થાય તેવો પ્રચાર/પ્રવૃત્તિ કરવી, બિનકાયદેસર રીતે વાહનો ભાડે રાખવા વગેરે બાબતોમાં ચૂંટણીપંચ ચૂંટણી રદ કરવા સુધીના પગલા લઇ શકે છે.
 • ચૂંટણીપંચ કોઈ વ્યક્તિ / પુરાવાને હાજર રહેવા માટે દીવાની અદાલત જેવી સત્તા ધરાવે છે.
 • લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારે ૨૫૦૦૦ રૂ. જમા કરવાના હોય છે. અનામત બેઠકના ઉમેદવારને આ રકમમાં છૂટછાટ મળે છે.

ઉપરોક્ત લોકપ્રતિનિધિ ધારામાં સમયાંતરે ઘણા સુધારા કરવામાં આવ્યા જેમ કે ૧૯૫૬, ૧૯૬૬, ૧૯૮૮, ૨૦૦૨, ૨૦૧૦ તેમજ વર્ષ ૨૦૧૩માં વિવિધ જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે.

વર્ષ ૧૯૫૬માં કરવામાં આવેલ સુધારો:

 • પહેલા ચૂંટાયેલ ઉમેદવાર જો ચૂંટણી સંબંધિત ખર્ચનો હિસાબ જમા ન કરાવતા તો તે ગેરલાયક ગણાતા નહિ પરંતુ ૧૯૫૬ના સુધારા બાદ જો ચૂંટણીનો ખર્ચ જમા ન કરાવે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવે છે.

વર્ષ ૧૯૬૬માં કરવામાં આવેલ સુધારો:

 • વર્ષ ૧૯૬૬ પહેલા ચૂંટણી વિવાદ પંચનું અસ્તિત્વ હતું પરંતુ ચૂંટણી સંબંધિત પ્રશ્નો/વિવાદના નિરાકરણની જવાબદારી વર્ષ ૧૯૬૬ પછી ઉચ્ચ અદાલતને સોંપવામાં આવી જે અંગેની અપીલ સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે.

વર્ષ ૧૯૮૮માં કરવામાં આવેલ સુધારો:

 • મતપેટી / EVM-VVPAT પર બિનકાયદેસર કબજો જમાવવાની બાબતમાં ચૂંટણી રદ કરી શકવા સુધીની સત્તા ચૂંટણીપંચે મેળવી.

વર્ષ ૧૯૯૬માં કરવામાં આવેલ સુધારા:

 • ભારતના બંધારણ તેમજ રાષ્ટ્રધ્વજના અપમાનને ગુનો ગણવામાં આવ્યો.
 • ભારતના રાષ્ટ્રગાનને ગાતા અટકાવવાને ગુનો ગણવામાં આવ્યો.
 • ચૂંટણી પ્રક્રિયા પર નિરીક્ષણ રાખવા માટે સરકારી અધિકારીઓની નિમણુક કરવાની સત્તા ચૂંટણીપંચને આપવામાં આવી.
 • જો ચૂંટણી નિરીક્ષકને લાગે કે મતદાનમથક પર ગેરરીતિ આચરવામાં આવી છે તો મતગણતરી અટકાવવાનો આદેશ આપવાની સત્તા મળી.
 • મતદારયાદીમાં મૂળાક્ષર પ્રમાણે નામ ગોઠવવા જેથી મતદાતા પોતાનું નામ સરળતાથી શોધી શકે.

વર્ષ ૨૦૦૨માં કરવામાં આવેલ સુધારા:

 • માહિતીના અધિકાર માટે કલમ-૩૧-એ ઉમેરવામાં આવી. જે ઉમેદવાર ચૂંટણીનું ફોર્મ ભરે તે જો કોઈ ગુનામાં સંડોવાયેલ હોય અથવા ગુનેગાર સાબિત થયો હોય તો ફોર્મની સાથે તેની વિગતો પણ એફિડેવિટ કરીને આપવી ફરજિયાત છે.
 • ખોટા એફિડેવિટ કરવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી.
 • ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થાય તે પહેલા પરિણામ સંબંધિત જાહેરાત / અફવાઓ / સંભવિત પરિણામ જાહેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

વર્ષ ૨૦૧૦માં કરવામાં આવેલ સુધારા:

 • Non Resident Indian (NRI)ને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો.
 • NRI મત આપી શકે પરંતુ ચૂંટણી ન લડી શકે.
 • કોઈના અવેજી તરીકે પણ NRI ચૂંટણી લડી ન શકે.

વર્ષ ૨૦૧૩માં કરવામાં આવેલ સુધારા:

 • જો કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડી / જેલમાં હોવાના કારણે મત નથી આપી શકતો તો પણ જો વ્યક્તિનું નામ મતદારયાદીમાં હોય તો તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે.
 • કોઈપણ વ્યક્તિ ચૂંટણી માટે તો જ ગેરલાયક ગણાય જો તે ચોક્કસ ગુના અંતર્ગત ગુનેગાર સાબિત થયો હોય.

લોકપ્રતિનિધિત્વ ધારા સંબંધિત જાણીતો કેસ – થોમસ લીલી કેસ – ૨૦૧૩

લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ- ૮(૪) અનુસાર ગુનેગાર સાબિત થયેલ સંસદસભ્ય / વિધાનસભ્ય / વિધાન પરિષદના સભ્યને પોતાના પદ પર કાયમ રહેવાની સ્વતંત્રતા આપે છે જો ઉમેદવાર ગુનેગાર સાબિત થયાના ત્રણ મહિનામાં ઉપરની અદાલતમાં અપીલ કરે. જો અપીલ ન કરે તો વ્યક્તિ ત્વરિત સભ્યપદ ગુમાવે છે.

ઉપરોક્ત જોગવાઈને વર્ષ ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી અને તેના કારણો ખૂબ રસપ્રદ છે.

 • જો કોઈ સરકાર પાતળી બહુમતીથી બનેલી હોય અને તેવામાં કોઈ સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે તો સરકારની સ્થિરતાના પ્રશ્નો ઉભા થાય છે. વળી, ભવિષ્યમાં જો અદાલત તે વ્યક્તિને નિર્દોષ જાહેર કરે તો સરકાર અયોગ્ય કારણોસર પડી ગઈ કહેવાય.
 • દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો મૂળભૂત અધિકાર રહેલો છે. તે અંતર્ગત કોઈનું સભ્યપદ ત્વરિત છીનવી લેવાથી ન્યાય મેળવવાના અધિકારનો ભંગ થયો કહેવાય. તેથી સભ્યને પણ ન્યાયના દરેક તબક્કામાંથી પસાર થઈને પોતાને નિર્દોષ સાબિત કરવાની તક મળવી જોઈએ.
 • કે. પ્રભાકરન વિરુદ્ધ પી. જયરાજન કેસ અંતર્ગત કલમ-૮(૪)ને યોગ્ય ઠેરવવામાં આવી હતી. તેના માટે એવી દલીલ કરવામાં આવી હતી કે કોઈ ઉમેદવારને લાભ પહોંચાડવાનો હેતુ ન હતો પરંતુ ગૃહની રક્ષા કરવાનો હતો. પરંતુ ધીમી ન્યાયિક પ્રક્રિયાના કારણે રાજકારણમાં ગુનેગારોનું પ્રમાણ વધતું ગયું અને ધીમી ન્યાયિક પ્રક્રિયાનો રાજકીય ગેરલાભ લેવામાં આવતો રહ્યો.
 • સર્વોચ્ચ અદાલતે ગૃહના સભ્યો વિરુદ્ધના કેસનો ઝડપી નિકાલ લાવવા માટે યોગ્ય ધારાકીય પ્રસ્તાવ પસાર કરીને વિશેષ અદાલત સ્થાપવાનું સૂચન આપેલું છે. તેના લીધે ઉમેદવારને અપીલ કરવાનો અધિકાર પણ જળવાઈ રહેશે અને ઝડપી ન્યાય પ્રક્રિયાના અંતે ઉમેદવારની લાયકાત / ગેરલાયકાત પણ નક્કી થઇ શકશે. પરિણામે જયારે અદાલતની કાર્યવાહી ચાલુ હોય ત્યારે પણ ઉમેદવાર પોતાની બેઠક પર કાર્યરત રહી શકે.
 • આ ઉપરાંત ચૂંટણીના જયારે નામાંકન ભરવામાં આવતા હોય ત્યારે ઉમેદવાર અંગેની બધી જ જાણકારી મેળવી / ચકાસવી જોઈએ.
 • ગુનેગાર સાબિત થયેલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવા જોઈએ.

આમ, ઉપરોક્ત દલીલોને આધારે કલમ-૮(૪)ને થોમસ લીલીના કેસમાં ગેરબંધારણીય ઠેરવવામાં આવી અને તે અંગેના સર્વોચ્ચ અદાલતના મુદ્દાઓ પણ ધ્યાને લેવા જેવા છે જે નીચે મુજબ છે.

 • ગુનેગાર સાબિત થયેલ ઉમેદવાર ચૂંટણી ન લડી શકે પરંતુ જો વ્યક્તિ કલમ-૮(૪) અંતર્ગત કેન્દ્ર અથવા રાજય સ્તરે ગૃહનો સભ્ય હોય તો બેઠક પર કાયમ રહી શકે તે ગેરબંધારણીય છે.
 • આર્ટીકલ ૧૦૨(૧)(e) અને ૧૯૧(૧)(e) અંતર્ગત ચૂંટણી લડવા માટે ગેરલાયક ઘોષિત થયેલ ઉમેદવાર અને સંસદસભ્ય / વિધાનસભ્ય બન્યા બાદ ગુનેગાર સાબિત થયેલ વ્યક્તિ માટે અલગ અલગ કાયદા ન ઘડી શકે.
 • ન્યાયિક વિલંબના કારણે ઉમેદવાર પોતાનો કાર્યકાળ પૂર્ણ ન કરી શકે તો કાયદાનો કોઈ અર્થ સરતો નથી.
 • જો ગુનેગાર વ્યક્તિને ગૃહના સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવે તો ગૃહની મર્યાદા અને પવિત્રતા ન જળવાય.
 • ગુનેગાર વ્યક્તિને સંસદ / વિધાનસભામાં કામ કરવા દેવાથી આવનારી યુવા પેઢી માટે સારા ઉદાહરણ ઉભા ન કરી શકાય.

LEAVE YOUR COMMENT