revoinews

સંવિધાન: ન્યાયિક સમિક્ષા

મિતેષ એમ. સોલંકી

ન્યાયિક સમિક્ષાનો વિચાર મૂળ અમેરિકામાં જન્મ્યો અને વિકસ્યો છે. અમેરિકન સુપ્રિમ કોર્ટના સર્વોચ્ચ મુખ્ય ન્યાયધીશે “ન્યાયિક સમિક્ષા” શબ્દનો સૌપ્રથમવાર ઉપયોગ વર્ષ-1803ના ખૂબ જાણીતા માર્બરી વી. મેડિસન કેસમાં કર્યો હતો.

ભારતનું બંધારણ સ્વયં ન્યાયતંત્રને ન્યાયિક સમિક્ષાની સત્તા આપે છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પણ ન્યાયિક સમિક્ષાને બંધારણના મૂળભૂત ઢાંચાના એક મહત્વના અંગ તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. તેથી કહી શકાય કે ન્યાયતંત્રની ન્યાયિક સમિક્ષાની સત્તાને બંધારણીય સુધારા દ્વારા પણ દૂર કરી શકાય નહીં.

ન્યાયિક સમિક્ષા એટલે શું?

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કાયદાની તેમજ કારોબારીના આદેશની બંધારણીય વૈધતા ન્યાયતંત્ર ન્યાયિક સમિક્ષાની મદદથી તપાસી શકે છે. જો ન્યાયતંત્રને લાગે કે સરકારનો કે કારોબારીનો આદેશ/કાયદો બંધારણની જોગવાઈનો ભંગ કરે છે (Ultra vires) તો તે આદેશ/કાયદાને ગેરબંધારણીય ઘોષિત કરીને રદ પણ કરી શકે છે. પરિણામે આ કાયદાને સરકાર લાગુ કરી શકતી નથી.

જસ્ટિસ સૈયદ શાહ મહમદ કાદરીએ ન્યાયિક સમિક્ષાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરેલ છે.

  • બંધારણીય સુધારાની ન્યાયિક સમિક્ષા
  • કેન્દ્ર, રાજ્ય તેમજ અન્ય ધારાકીય સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ કાયદાની સમિક્ષા
  • કેન્દ્ર, રાજ્ય અને અન્ય સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલ વહીવટી પગલાંની ન્યાયિક સમિક્ષા

ભારતની સુપ્રિમ કોર્ટ દ્વારા કેટલાક જાણીતા કેસમાં ન્યાયિક સમિક્ષા કરવામાં આવી છે – ગોલકનાથ કેસ (1967), બેન્કના રાષ્ટ્રીયકરણની બાબત (1970), રજવાડાના સાલિયાણા નાબૂદીનો કેસ (1971), કેશવાનંદ ભારતી (1973) અને મિનર્વા મિલ કેસ (1980).

આ ઉપરાંત વર્ષ-2015માં સુપ્રિમ કોર્ટે 99માં બંધારણીય સુધારાને પણ ગેરબંધારણીય જાહેર કર્યો હતો. જે NJAC સંબંધિત સુધારો હતો.

ન્યાયિક સમિક્ષાનું મહત્વ અને જરૂરિયાત

ન્યાયિક સમિક્ષાની જરૂર નીચેના મુખ્ય ત્રણ કારણોને લીધે છે.

  • બંધારણની સર્વોચ્ચતાનું રક્ષણ કરવું.
  • કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંઘીય લક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખવું.
  • નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું.

બંધારણમાં ન્યાયિક સમિક્ષાનો ઉલ્લેખ

ભારતના બંધારણમાં કોઈપણ જગ્યાએ “ન્યાયિક સમિક્ષા” શબ્દ સમૂહનો ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ ઘણા અનુચ્છેદમાં ન્યાયતંત્રને ન્યાયિક સમિક્ષાની સત્તા આપવા આવેલી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.

આર્ટીકલ-13 – જો કોઈ કાયદો મૂળભૂત અધિકારની વિભાવનાથી વિરુદ્ધ હશે તો તે રદ કરવામાં આવશે.

આર્ટીકલ-32 – નાગરિકના મૂળભૂત અધિકારના ભંગ બદલ સુપ્રિમ રિટની મદદથી વ્યક્તિના મૂળભૂત અધિકારનું રક્ષણ કરશે.

આર્ટીકલ-131 – કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમજ ભારતના રાજ્યો વચ્ચે જો કોઈ વિવાદ હશે તો તેનું નિરાકરણ સુપ્રિમ કોર્ટ લાવશે. જે સુપ્રિમ કોર્ટનું મૂળસત્તા ક્ષેત્ર કહેવાય છે.

આર્ટીકલ-132 – બંધારણીય બાબતોમાં સુપ્રિમ કોર્ટ એક અપીલ માટેની સંસ્થા તરીકે જવાબદારી નિભાવશે.

આર્ટીકલ-133 – દિવાની બાબતોમાં સુપ્રિમ કોર્ટ એક અપીલ માટેની સંસ્થા તરીકે જવાબદારી નિભાવશે.

આર્ટીકલ-134 – ફોજદારી બાબતોમાં સુપ્રિમ કોર્ટ એક અપીલ માટેની સંસ્થા તરીકે જવાબદારી નિભાવશે.

આર્ટીકલ-134-A – હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રના આધારે વ્યક્તિ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે.

આર્ટીકલ-135 – બંધારણ લાગુ થયા પહેલાના કોઈ કાયદાની બાબતમાં સુપ્રિમ કોર્ટ સંઘીય અદાલત તરીકે નિર્ણય લઈ શકે છે.

આર્ટીકલ-136 – સૈન્ય પંચ અને કોર્ટ માર્શલ સિવાયના કોઈ પંચ દ્વારા આપવામાં આવેલ ચુકાદા ઉપર સુપ્રિમ કોર્ટ સ્પેશિયલ લીવ પિટિશન દ્વારા ચુકાદો આપી શકે છે.

આર્ટીકલ-143 – રાષ્ટ્રપતિ કાયદા સંબંધિત કોઈ બાબત પર સુપ્રિમ કોર્ટની સલાહ લઈ શકે છે.

આર્ટીકલ-226 – નાગરિકના મૂળભૂત અધિકારના ભંગ બદલ તેમજ કાયદાકીય અધિકારોના ભંગ બદલ હાઇકોર્ટ રિટની મદદથી વ્યક્તિના મૂળભૂત અધિકારનું રક્ષણ કરશે.

આર્ટીકલ-227 – સશસ્ત્રદળ તેમજ તે સંબંધિત કોઈ બાબત માટે અલગ કાયદા દ્વારા રચવામાં આવેલ અદાલત કે ટ્રીબ્યુનલ સિવાય  રાજ્યની હાઈકોર્ટ તેના ક્ષેત્રમાં આવતી તમામ તાબાની અદાલત ઉપર દેખરેખ રાખી શકે છે.

આર્ટીકલ-372 – બંધારણ લાગુ થયા પહેલાના કોઈ કાયદાને અમલમાં રાખી મૂકવા અંગે.

સમાપન

નીચે આપેલ ત્રણ કારણો અંતર્ગત ધારાકીય સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ કાયદાને સુપ્રિમ અથવા હાઇકોર્ટમાં પડકારી શકાય છે.

  • જો તે કાયદો મૂળભૂત અધિકારનો ભંગ કરતો હોય.
  • જે સંસ્થાએ કાયદો બનાવ્યો હોય તે સંસ્થા આ પ્રકારનો કાયદો બનાવવા માટે સક્ષમ જ ન હોય.
  • બંધારણીય જોગવાઈથી તદ્દન વિરુદ્ધ સ્વભાવનો કાયદો હોય.

ભારતમાં ન્યાયિક સમીક્ષાનો વિસ્તાર અમેરિકામાં જોવા મળતી સત્તા કરતાં ઘણો ઓછો છે.