Site icon Revoi.in

દ્વારકાધિશના મંદિરમાં પુરૂષોત્તમ માસની જન્માષ્ટમીની ઊજવણીમાં ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

દ્વારકા, 9 જુન, 2026 : Purushottam month Janmashtami celebrations યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં સોમવારે આઠમી જૂનના રોજ પુરુષોત્તમ માસની જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. શ્રાવણ માસમાં ઉજવાતી જન્માષ્ટમીની જેમ જ પુરુષોત્તમ માસની જ્માષ્ટમીએ રાત્રિના 12 વાગ્યે મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન દ્વારકાધીશનો ભવ્ય જન્મોત્સવ મનોરથ કરાવવામાં આવ્યો હતો. દ્વારકાધીશના પ્રાગટ્યની મંગલમય મહાઆરતીમાં ‘નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના જયજયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને અનેરૂં બની ગયું હતું.

પુરૂષોત્તમ માસની જન્માષ્ટમી ઉત્સવના પાવન પ્રસંગે સોમવારે દ્વારકાના એક જાણીતા ભક્ત પરિવારના વિશેષ સહયોગથી ભગવાન દ્વારકાધીશ સમક્ષ ભવ્ય ’56 ભોગ મનોરથ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરજીને વિવિધ પ્રકારના અન્નકૂટ અને વાનગીઓ સોના-ચાંદીના વાસણોમાં સજાવીને ધરાવવામાં આવી હતી, જેનો દર્શનલાભ લઈ ભાવિકો ધન્ય બન્યા હતા. પુરુષોત્તમ માસના હવે અંતિમ દિવસો એટલે કે આ પવિત્ર માસનું છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે આ અધિક માસનું પુણ્ય ભાથું બાંધવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ આવી રહ્યા છે. ભગવાનના જન્મોત્સવ દર્શન માટે ઉમટેલી ભક્તજનોની આ વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને પોલીસ તંત્ર દ્વારા યાત્રિકો માટે સુચારુ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસવડા જયરાજસિંહના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા અને દર્શન વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દેવસ્થાન સમિતિના નાયબ વહીવટદારે તમામ વ્યવસ્થાઓની દેખરેખ જાળવી રાખી હતી, જેના કારણે લાખો ભાવિકોએ કોઈપણ મુશ્કેલી વિના ખૂબ જ શાંતિપૂર્વક દર્શન અને આનંદ ઉત્સવનો અલૌકિક લાભ મેળવ્યો હતો.

Exit mobile version