in ,

પ.બંગાળમાં મમતા સરકારથી નારાજ તબીબોની હડતાળ, 150થી વધારે ડૉક્ટરોએ આપ્યા રાજીનામા

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી રાજકીય લડાઈ હવે સિસ્ટમની વિરુદ્ધની લડાઈ બનવા જઈ રહી છે. અહીં એક જૂનિયર ડોક્ટર સાથે મારામારીની ઘટનાથી મેડિકલ એસોસિએશનમાં ગુસ્સો છે. ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે અને રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તબીબો પર આક્રમક છે. મમતા સરકારથી ખફા ડોક્ટરોએ રાજીનામા આપવાનું પણ શરૂ કર્યું છે અને અત્યાર સુધી રાજ્યમાં 150થી વધુ તબીબોએ રાજીનામા આપ્યા છે.

અત્યાર સુધીમાં દાર્જિલિંગમાં 27, ઉત્તર 24 પરગણામાં 18, એનઆરએસ કોલેજમાં 100થી વધારે ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે. તો કોલકત્તામાં 80થી વધારે તબીબોએ રાજીનામાની ધમકી આપી છે.

બંગાળમાં તબીબોની હડતાળની અસર હવે દેશના અન્ય ભાગોમાં પણ દેખાવા લાગી છે. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહીત દેશના ઘણાં હિસ્સામાં ડોક્ટરોએ કામ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ઘણાં શહેરોમાં ડોક્ટર સડક પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓ પર સંકટ તૂટી પડયું છે. એમ્સની બહાર દર્દીઓના પરિવારજનો પરેશાન દેખાઈ રહ્યા છે.

એમ્સના ડોક્ટરોએ આજે દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સાથે મુલાકાત પણ કરી અને પોતાની માગણીઓ સંદર્ભે જાણકારી આપી છે.

રાજધાની નવી દિલ્હીમાં દિલ્હી મેડિકલ એસોસિએશને હડતાળનું એલાન કર્યું છે. તેની અસર એમ્સ જેવી મોટી હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. મુંબઈમાં પણ ડોક્ટરોએ કામ કરવાનો ઈન્કાર કર્યો છે. મુંબઈના તબીબોનું કહેવું છે કે તેઓ સાઈલેન્ટ પ્રોટેસ્ટ કરશે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં પણ ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે.

માત્ર દિલ્હી અને મુંબઈ જ નહીં, પંજાબ, કેરળ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશમાં પણ તબીબોએ કામ કરવાનો ઈન્કાર કર્યો છે. આ શહેરો, રાજ્યો અને હોસ્પિટલોમાં પણ અસર પડી છે-

#AIIMSDelhi

#AIIMSPatna

#AIIMSRaipur

#SafdarjungVMMCNewDelhi

#MadhyaPradesh

#Bihar

#Kerala

#Rajasthan

#Punjab

#IMA

#DMA

#IMSBHUVaranasi

#URDA

બંગાળની ઘટના બાદ ગુરુવારે એમ્સના તબીબોએ પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યું અને 14 જૂને પણ હડતાળ પર રહેવાની વાત કહી હતી. તેવામાં દિલ્હીમાં આજે તબીબો પ્રદર્શન કરતા દેખાયા છે.

મામલો એટલો વધી ગયો છે કે કોર્ટ સુધી પહોંચી ગયો છે. હડતાળને લઈને કોલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તેને લઈને સુનાવણીમાં કોલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને વાતચીતથી સમસ્યાનો અંત લાવવા માટે જણાવ્યું છે. કોલકત્તા હાઈકોર્ટે બે તબીબો પર હુમલાના વિરોધમાં સરકારી હોસ્પિટલોના જૂનિયર તબીબોની હડતાળ પર કોઈપણ વચગાળાનો આદેશ આપવાનો શુક્રવારે ઈન્કાર કર્યો છે. કોલકત્તા હાઈકોર્ટે હડતાળ કરી રહેલા તબીબોને કામ પર પાછા ફરવા અને દર્દીઓને સામાન્ય સેવાઓ આપવા માટે રાજી કરવા માટે રાજ્ય સરકારને તાકીદ પણ કરી છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપ્યો છે કે તેઓ સોમવારે રાત્રે શહેરની હોસ્પિટલમાં જૂનિયર તબીબો પર હુમલા બાદ ઉઠાવવામાં આવેલા પગલા સંદર્ભે જણાવે. કોલકત્તા હાઈકોર્ટે તબીબોને યાદ અપાવ્યું કે તેમણે તમામ દર્દીઓની ભલાઈ સુનિશ્ચિત કરવાના શપથ લીધા હતા. ખંડપીઠે માલાની આગામી સુનાવણી માટે 21 જૂનની તારીખ નક્કી કરી છે.

ડોક્ટરોની હડતાળને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાજપ હવે ડોક્ટરોને પણ પોતાની જાળમાં ફસાવી રહ્યું છે. તેમણે એક ફેસબુક પોસ્ટ લખી છે અને ભાજપને નિશાને લીધું છે. તેમા મમતા બેનર્જીએ લખ્યું છે કે એનઆરએસ હોસ્પિટલમાં જે પણ થયું તે ખોટું હતું, મે પોતાના પ્રધાનને પણ મોકલ્યા હતા. પરંતુ ડોક્ટર માની રહ્યા નથી. તેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળને કોમવાદી માહોલમાં ઝોંકવા માંગે છે. તેમણે ભાજપ પર જ ડોક્ટરોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ બંગાળમાં પણ ઘણાં દળ અને સમૂહ ડોક્ટરોના ટેકામાં આવ્યા છે. કોલક્ત્તાના મેયર ફિરહાદ હકીમના પુત્રી શબા હકીમે પણ ડોક્ટરોનું સમર્થન કર્યું છે.

પશ્ચિમ બંગાળ સરકાર હડતાળિયા જૂનિયર ડોક્ટરો પર આકરી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ નિર્મલ માજીએ ગુરુવારે કહ્યુ હતુ કે હડતાળિયા ડોક્ટર જો કામ પર પાછા નહીં ફરે, તો તેમનું રજિસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે અને તેમની ઈન્ટર્નશિપ પૂર્ણ થવા પર પત્ર પણ રોકવામાં આવશે.

તેમણે વિપક્ષી દળો પર હડતાળિયા ડોક્ટરોને ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે વિપક્ષી દળ મમતા બેનર્જી સરકારની મફત ચિકિત્સા સેવા યોજના બંધ કરાવવા માંગે છે.

મહત્વપૂર્ણ છે કે 10મી જૂને સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ નીલરત્ન સરકાર મેડિકલ કોલેજમાં ઈલાજ દરમિયાન એક 75 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ ઘટનાસ્થળ પર રહેલા ડોક્ટરોને ગાળો આપી હતી. બાદમાં ડોક્ટરોએ કહ્યુ કે જ્યાં સુધી અમારી માફી માંગવામાં નહીં આવે, ત્યાં સુધી પ્રમાણપત્ર આપીશું નહીં.

આ મામલે હિંસા થઈ હતી અને કેટલાક લોકોએ હથિયાર સાથે હોસ્ટેલમાં હુમલો કર્યો હતો. તેમાં બે જૂનિયર તબીબો ગંભીરપણે ઘાયલ થયા હતા અને અન્ય કેટલાકને ઈજા પહોંચી હતી. બાદમાં મમતા બેનર્જી દ્વારા હડતાળ કરનારા ડોક્ટરોની ટીકા કરવાના કારણે મામલો વધારે વણસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રામનગરી અયોધ્યા પર આતંકી હુમલાની શક્યતાનો ઓછાયો, હાઈ-એલર્ટ ઘોષિત

હવે ભારતીય ભાષાઓમાં પણ આપવા પડશે તમામ ટીવી શૉના ટાઈટલ: કેન્દ્ર સરકાર