1. Home
  2. Political
  3. લોકસભા ચૂંટણી: પહેલા તબક્કાનું વોટિંગ ચાલુ, 91માંથી 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
લોકસભા ચૂંટણી: પહેલા તબક્કાનું વોટિંગ ચાલુ, 91માંથી 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

લોકસભા ચૂંટણી: પહેલા તબક્કાનું વોટિંગ ચાલુ, 91માંથી 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

0

લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં થનારા મતદાનનો પહેલો તબક્કો આજે શરૂ થયો છે. આજે પહેલા તબક્કાના વોટિંગમાં વીસ રાજ્યોની 91 બેઠકો પર વોટિંગ શરૂ થયું છે. નાગપુરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. સંઘના બંને ટોચના નેતાઓ સમયથી પહેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 91 બેઠકો પર વોટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કુલ 1279 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તેમના કિસ્મતનો ફેંસલો 14 કરોડ 20 લાખ 5 હજાર 978 મતદાતાઓ કરશે. આમા સાત કરોડ 21 લાખ પુરુષ મતદાતા અને 6 કરોડ 98 લાખ મહિલા મતદાતા છે. આના માટે કુલ 1.70 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

પહેલા તબક્કાના મતદાનમાં 10 રાજ્યોની તમામ લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે. જ્યારે આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ 175, અરુણાચલ પ્રદેશની તમામ 60, સિક્કિમની તમામ 32 અને ઓડિશાની 147માંથી 28 વિધાનસભા બેઠકો માટે ગુરુવારે વોટિંગ પૂર્ણ થશે.

મોહન ભાગવતે કહ્યુ છે કે વોટિંગ કરવું દરેક નાગરીકનું કર્તવ્ય છે. તમામે વોટિંગ કરવું જોઈએ.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે હલ્દવાનીમાં પત્ની સાથે વોટિંગ કર્યું છે.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ અમરાવતીમાં પરિવાર સહીત વોટિંગ કર્યું છે.

ઉત્તરાંખડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમેશ પોખરિયાલે દેહરાદૂનમાં વોટિંગ કર્યું છે.

બાગપતના બડૌતમાં વોટિંગ કરવા આવનારા લોકો પર એનસીસી કેડેટ્સે ફૂલો વરસાવ્યા છે.

વાઈએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ કડપ્પામાં મતદાન કર્યું છે.

પહેલા તબક્કાની 91માંથી 33 લોકસભા બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અથવા એનડીએ-યુપીએ વચ્ચે સીધો મુકાબલો છે. આમાની સૌથી વધુ સાત બેઠકો મહારાષ્ટ્રની છે. પાંચ-પાંચ બેઠકો આસામ અને ઉત્તરાખંડ અને ચાર બેઠકો બિહારની છે. જ્યારે 35 બેઠકો પર ત્રણથી ચાર મુખ્ય પક્ષોના ઉમેદવારો આમને-સામને છે. આમા સૌથી વધુ 25 બેઠકો આંધ્રપ્રદેશની છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી, વાઈએસઆર-કોંગ્રેસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચતુષ્કોણીય જંગ છે. આંધ્રપ્રદેશમાં ત્રણ કરોડ 93 લાખ વોટર છે. જ્યારે ઉત્તરપ્રદેશની આઠ લોકસભા બેઠકો પર ભાજપ, સપા-બસપા-આરએલડી ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

પહેલા તબક્કામાં સીધી ટક્કરવાળી બેઠકો

રાજ્ય           બેઠકોની સંખ્યા         બેઠક

મહારાષ્ટ્ર               07             વર્ધા, રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરૌલી- ચિમૂર, ચંદ્રપુર,       યવતમાલ-વાશિમ

આસામ                 05             તેજપુર, કલિયાબોર, જોરહાટ, દિબ્રૂગઢ, લખીમપુર

ઉત્તરાખંડ               05             ટિહરી-ગઢવાલ, ગઢવાલ, અલ્મોડા, નૈનીતાલ-ઉધમસિંહ નગર, હરિદ્વાર

બિહાર                  04             ઔરંગાબાદ, ગયા, નવાદા, જમુઈ

જમ્મુ-કાશ્મીર           02             જમ્મુ, બારામુલ્લા

અરુણચાલ પ્રદેશ       02             અરુણાચલ પશ્ચિમ, અરુણાચલ પૂર્વ

મેઘાલય                02             શિલોંગ, તુરા

છત્તીસગઢ              01              બસ્તર

મણિપુર                01              બહારી મણિપુર

મિઝોરમ                01              મિઝોરમ

નગાલેન્ડ               01              નગાલેન્ડ

અંદમાન                01              અંદમાન-નિકોબાર

લક્ષદ્વીપ                01              લક્ષદ્વીપ

કુલ                     33

ત્રણ કે તેથી વધુ પક્ષો વચ્ચે મુકાબલો

રાજ્ય           બેઠકોની સંખ્યા         મુકાબલો                                       બેઠક

યુપી            08                     ભાજપ, કોંગ્રેસ, સપા-બસપા-આરએલડી         સહારનપુર, કેરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર

આંધ્રપ્રદેશ      25             ટીડીપી, વાઈએસઆરસીપી, કોંગ્રેસ, ભાજપ

પશ્ચિમ બંગાળ  02             ટીએમસી, ભાજપ, ડાબેરી, કોંગ્રેસ                કૂચબિહાર, અલીપુર

કુલ             35

ભાજપ અથવા કોંગ્રેસનો પ્રાદેશિક પક્ષો સાથે મુકાબલો

રાજ્ય                   બેઠક           મુકાબલો

તેલંગાણા               17              ટીઆરએસ, કોંગ્રેસ

ઓડિસા                 04             બીજેડી, ભાજપ

સિક્કિમ                 01              એસડીએફ, ભાજપ
ત્રિપુરા                  01              ભાજપ, સીપીએમ

કુલ                     23

91 બેઠકો પર ગત બે ચૂંટણીમાં સ્થિતિ

2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 91માંથી સાત અને કોંગ્રેસે 55 બેઠકો પર જીત મેળવી હતી. 2014માં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કોંગ્રેસને સાત અને ભાજપને 25 બેઠકોના ફાયદા સાથે 32 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પહેલા તબક્કાની 91 બેઠકો પર ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી વધારે સફળ ટીડીપી 16 અને ટીઆરએસ 11 બેઠકો પર જીત મેળવીને રહી હતી.

પહેલા તબક્કાની મોટી બેઠકો

નાગપુર, મહારાષ્ટ્ર

ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી અને કોંગ્રેસના નાના પટોલે વચ્ચે સીધો મુકાબલો છે. પટોલેએ 2017માં ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. નાગપુરમાં દલિત અને મુસ્લિમ વોટરોની નિર્ણાયક ભૂમિકા છે. કુનબી અને વણઝારા સમુદાયના વોટરો પણ ઘણી મોટી ભૂમિકા નિભાવતા હોય છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યમથક છે અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવણવિસ પણ નાગપુરના જ વતની છે.

ચંદ્રપુર, મહારાષ્ટ્ર

કેન્દ્રીય પ્રધાન હંસરાજ અહીર  અહીંથી સાંસદ છે અને તેઓ સતત ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો શિવસેના છોડીને કોંગ્રેસમાં આવેલા સુરેશ ધનોરકર સાથે છે.

ગયા, બિહાર

જેડીયુના વિજય માંઝી મેદાનમાં છે. તેમની વિરુદ્ધ આરજેડી-કોંગ્રેસ-હમ-આરએલએસપી મહાગઠબંધનમાંથી બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જિતનરામ માંઝી છે. આ બેઠક પર ત્રણ લાખ માંઝી, બે લાખ મુસ્લિમ અને એટલા જ યાદવ વોટર છે. ગયા બેઠક ભાજપનો ગઢ રહી છે.

જમુઈ, બિહાર

એલજેપીના ચિરાગ પાસવાનનો ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએસપીના ભૂદેવ ચૌધરી સાથે મુકાબલો છે. આ બેઠખ પર મહાદલિત સમાજના વોટરો સૌથી વધુ છે.

મુઝફ્ફરનગર, યુપી

2013માં હુલ્લડો બાદ જાટ અને મુસ્લિમ સમુદાયના વોટરોનું ધ્રુવીકરણ જોવા મળ્યું છે અને 2014માં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. હવે પાંચ વર્ષ બાદ પરિસ્થિતિ બદલાઈ છે. અહીંથી આરએલડીના નેતા અજીતસિંહ મેદાનમાં છે. 2014માં તેઓ પોતાના ગઢ બાગપતથી ચૂંટણી હારી ગયા હતા. તેમનો મુકાબલો ભાજપના સંજીવ બાલિયાન સાથે છે.

બાગપત, યુપી

આ બેઠક ચૌધરી ચરણસિંહનો ગઢ રહી છે. ગત ચૂંટણીમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સત્યપાલ સિંહે આરએલડીના અજીતસિંહને હરાવ્યા હતા. સત્યપાલ સિંહ ફરીથી ભાજપના ઉમેદવાર છે. તેમનો મુકાબલો અજીતસિંહના પુત્ર જયંત ચૌધરી સાથે છે.

ગાઝિયાબાદ,  યુપી

કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ ભાજપના ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો મહાગઠબંધનના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના નેતા સુરેશ બંસલ સાથે છે.

ગૌતમબુદ્ધ નગર,  યુપી

કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા ફરીથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના અરવિંદ સિંહ અને સપા-બસપા-આરએલડીના ઉમેદવાર સતવીરની સામે તેમની ટક્કર છે.

નિઝામાબાદ, તેલંગાણા

આ બેઠક પર ટીઆરએસ પ્રમુખ અને તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરના પુત્રી કે. કવિતા ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના મધુસૂદન સાથે છે.

હૈદરાબાદ

પ્રવર્તમાન સાંસદ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીનો મુકાબલો ટીઆરએસના પી. શ્રીકાંત સાથે છે.

તુરા, મેઘાલય

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકરના પી. એમ. સંગમાના પુત્રી અગાથા સંગમા એનપીપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુકુલ સંગમા સાથે છે.

હરિદ્વાર, ઉત્તરાખંડ

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમેશ પોખરિયાલ નિશંક ભાજપના ઉમેદવાર છે અને કોંગ્રેસના અંબરીશ કુમાર સાથે તેમની સીધી ટક્કર છે.

LEAVE YOUR COMMENT