1. Home
  2. ગુજરાતી
  3. ઈતિહાસમાં પહેલીવાર ચીન-પાકિસ્તાન-નેપાળ વધારી રહ્યા છે ભારત સાથેનો તણાવ
ઈતિહાસમાં પહેલીવાર ચીન-પાકિસ્તાન-નેપાળ વધારી રહ્યા છે ભારત સાથેનો તણાવ

ઈતિહાસમાં પહેલીવાર ચીન-પાકિસ્તાન-નેપાળ વધારી રહ્યા છે ભારત સાથેનો તણાવ

0

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલતો સીમા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયા છે. બીજી તરફ પાકિસ્તાન પણ છેલ્લા કેટલાક વર્ષોથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જ્યારે ભારતના ખૂબ જ નજીકના ગણાતા નેપાળે પણ ભારતને આંખ બતાવવાનું શરૂ કર્યું હોય તેમ તાજેતરમાં જ નેપાળની સેનાએ સીતામઢી સીમા પર ભારતીયો ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આમ ભારતના ઇતિહાસમાં આ પ્રથમવાર હશે કે પાકિસ્તાન, ચીન અને નેપાળ સાથે સૈન્ય તણાવમાં વધારો થયો છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો જગજાહેર છે. જ્યારે નેપાળને પણ ચીન મદદ કરતું હોવાનું રાજકીય વિશેષકો માની રહ્યાં છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી આતંકવાદ મુદ્દે વિવાદ ચાલે છે. એટલું જ નહીં અવાર-નવાર પાકિસ્તાન સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરીને ભારતીય જવાનો પર ગોળીબાર કરે છે. ભારત સરકાર દ્વારા વાતાઘાટોથી વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસ કરાયા હતા. જો કે, પાકિસ્તાન ભારતીય સીમા ઉપર સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરવાની સાથે ભારત સામે આતંકવાદીઓને પણ મદદ કરી રહ્યું છે. જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે વણસ્યાં છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે વર્ષો જૂના સંબંધો છે. તેમજ પાકિસ્તાનને તમામ મોરચે ચીન મદદ કરતું આવ્યું છે. ત્યારે છેલ્લા એક-બે મહિનાથી ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ વકર્યો છે. એટલું જ નહીં લદ્દાખથી લઈને સિક્કિમ સુધીની ચીન સાથેની સીમાને લઈને ભારત અને ચીનના સૈન્યના જવાનો કેટલીક વખત આમને-સામને આવી ગયાં હતા. બીજી તરફ ભારત અને ચીન દ્વારા સીમા વિવાદને લઈને વાર્તાલાપ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ દ્વારા મીટીંગ પણ કરવામાં આવી હતી. દરમિયાન બંને દેશના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થયાં છે.

ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો વિવાદનો ઉકેલ વાતચીતથી લાવવા માટે અપીલ કરી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન સાથે સીમાને લઈને વિવાદનો સામનો કરતા ભારતને ચારેય તરફથી ઘેરવા માટે સામે અન્ય પડોશી દેશ નેપાળે મોરચો ખોલ્યો છે.

નેપાળે ભારતનો કેટલોક હિસ્સો પોતાના રાષ્ટ્રીય નકશામાં બતાવીને વિવાદનો મધપુડો છેડ્યો હતો. લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાને લઈ નેપાળે પણ વિવાદ ઉભો કર્યો છે. એટલું જ નહીં તાજેતરમાં નેપાળની સૈનાએ તમામ પરંપરાઓ તોડીને સીતામઢી સીમા પર ભારતીયો ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ભારતીયનું મોત થયું હતું. જ્યારે બે ભારતીયોને ઈજા થઈ હતી.

આમ ચીન પોતોના ખાસ ગણાતા પાકિસ્તાન અને નેપાળની મદદથી ભારત ઉપર દબાણ લાવવાના પ્રયાસ કરતું હોવાનું લાગી રહ્યું છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતની ત્રણ પડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ ઘેરવાનો પ્રયાસ કરતું હોવાની રાજકીય વિશેષકો માની રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.