1. Home
  2. Political
  3. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સાબિત કરી બહુમતી, તરફેણમાં પડયા 20 વોટ
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સાબિત કરી બહુમતી, તરફેણમાં પડયા 20 વોટ

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સાબિત કરી બહુમતી, તરફેણમાં પડયા 20 વોટ

0

ગોવાના મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વને લઈને ઉભું થયેલું સંકટ હવે સમાપ્ત થઈ ચુક્યું છે. સોમવારે મોડી રાત્રે યુવા નેતા પ્રમોદ સાવંતને ગોવાના મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરાવવામાં આવ્યા હતા. પરંતુ તેમની અસલી પરીક્ષા બુધવારે થયેલા ફ્લોર ટેસ્ટમાં થઈ છે. મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે બુધવારે ગોવા વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરી દીધી છે. ભાજપની સરકારના ટેકામાં કુલ 20 વોટ પડયા છે. એટલે કે હાલ ભાજપની સરકાર સામેનું સંકટ સમાપ્ત થયું છે.

ગોવા વિધાનસભામાં બહુમતી માટે હાલની સદસ્ય સંખ્યા મુજબ 19 ધારાસભ્યોની જરૂરત હતી. પરંતુ ભાજપની પાસે એક વોટ વધુ હતો. ભાજપની પાસે કુલ 21 ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ સ્પીકર વોટ નાખી શકે નહીં. તેના કારણે જ  ભાજપની તરફેણમાં 20 વોટ પડયા છે.

હાલના આંકડા પ્રમાણે ભાજપ પાસે 12, ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે ત્રણ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી પાસે ત્રણ અને અપક્ષ પાસે ત્રણ ધારાસભ્યો છે. એટલે કે ભાજપને કુલ 21 ધારાસભ્યોનો ટેકો છે. જે બહુમતી સાબિત કરવાના આંકડાથી બે વધારે છે. જ્યારે કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે અને એનસીપીના એક ધારાસભ્યનો તેને ટેકો છે.

મનોહર પર્રિકરના નિધન બાદ ગોવામાં ભાજપના સાથીપક્ષોએ નેતૃત્વને લઈને સવાલ ઉઠાવ્યા છે, કારણ કે ઘણાં પક્ષો એવા હતા કે જે પર્રિકરના નામ પર જ સરકારના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ સતત ચાલેલી બેઠકો બાદ પ્રમોદ સાવંતના નામ પર મંજૂરીની મ્હોર લગાવવામાં આ હતી અને ભાજપના સાથીપક્ષો પણ આના માટે સંમત થયા હતા. જો કે ભાજપના સાથીપક્ષોના ઘણાં ધારાસભ્યોને પ્રધાન પદ આપવું પડયું છે, તો જીએફપી અને એમજીપીના પ્રમુખોને નાયબ મુખ્યપ્રધાન પદે નિયુક્ત પણ કરવા પડયા છે.

મહત્વપૂર્ણ છે કે 40 ધારાસભ્યો ધરાવતી ગોવા વિધાનસભામાં હાલ ચાર બેઠકો ખાલી છે અને તેના ઉપર પેટાચૂંટણી થવાની છે. જેને કારણે હાલ ગોવા વિધાનસભામાં 36 ધારાસભ્યોના હિસાબથી જ બહુમતી નક્કી થઈ છે. જેને કારણે બહુમતી સાબિત કરવા માટે માત્ર 19 ધારાસભ્યોના ટેકાની જ જરૂરત હતી.

ગોવાના નવનિયુક્ત મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે મંગળવાર સવારે કાર્યભાર સંભાળ્યો હતો. તેના પહેલા તેમણે પોતાના પુરોગામી દિવંગત મનોહર પર્રિકરના પરિવારજનો સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

રાજ્યના સચિવાલય ખાતેના મુખ્યપ્રધાન કાર્યાલય પહોંચતા પહેલા, સાવંત મંગળવારે પર્રિકરના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના પુત્ર ઉત્પલ તથા અભિજાત સાથે તેમણે મુલાકાત કરી હતી. સાવંતે મંગળવારે સવારે બે વાગ્યે રાજભવન ખાતે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.

LEAVE YOUR COMMENT