Uncategorized

રાજકોટમાં ભારે વરસાદ:  આજી નદી બની ગાંડીતુર

રાજકોટ:  ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ વરસી ચુક્યો છે, સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાતાવરણ છે ત્યારે રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ રહેતા અને ભારે વરસાદ પડતા આજી નદી ગાંડીતુર બની છે અને રાજકોટના જાણીતા એવા રામનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાયા છે. રાજકોટમાં હાલ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારથી અતિભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 857 મીમી વરસાદ પડ્યો છે એટલે કે 34.28 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદી વાતાવરણ જામેલું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 70 મીમી જેટલો વરસાદ પડ્યો છે.

પાણીનો પ્રવાહ વધુ હોવાથી સ્થાનિક પોલીસ અધિકારીઓ, કર્મીઓ તેમજ ફાયરબ્રિગેડ સ્ટાફ દ્વારા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.. ભારે વરસાદમાં કોઈ જાનહાની ન થાય તે માટે ભવાનીનગર, જંગલેશ્વર સહિતના નદી કાંઠાના વિસ્તારોમાંથી 1000 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હાલ મોડી રાતથી ફાયર બ્રિગેડ સ્ટાફ ખડેપગે છે અને લોકોની મદદ કરી રહ્યા છે. ભારે વરસાદની અસર એવી છે કે આજી નદીમાં ઘોડાપૂર આવ્યા છે અને તેના કારણે નવા-જુના બંને પુલ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ મનપા દ્વારા મનાથપરાનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે.

_Devanshi