1. Home
  2. Regional
  3. વાયુ વાવાઝોડાએ ગુજરાત તરફ યુટર્ન લેતા ખતરો યથાવતઃ સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી તંત્ર ચિંતિત
વાયુ વાવાઝોડાએ ગુજરાત તરફ યુટર્ન લેતા ખતરો યથાવતઃ સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી તંત્ર ચિંતિત

વાયુ વાવાઝોડાએ ગુજરાત તરફ યુટર્ન લેતા ખતરો યથાવતઃ સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી તંત્ર ચિંતિત

0

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હજુ સુધી વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપરથી દૂર થયું નથી. વાયુ વાવાઝોડાએ ફરી ગુજરાત તરફ વળાંક લીધો છે. જેથી વાવાઝોડુ કચ્છમાં ત્રાટકે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તેમજ વાવાઝોડાની તીવ્રતા પણ ઘટી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના 61 તાલુકામાં વરસી રહેલા વરસાદથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર વાયુ સાઈક્લોને તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને તા.17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકી શકે છે. જો કે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય. તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત સરકારને આ સાઈક્લોનિક સ્ટોર્મના પાછા ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ તમામ સંભવિત પગલાં લઈ રહી છે.

વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં હજુ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના 61 જેટલા તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 22 તાલુકામાં એક ઇંચ કરતા વધુ અને 11 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 24 કલાક દરમિયાન  પોરબંદરમાં 14 મીમી, રાણાવાવમાં 12મીમી, કુતિયાણા 62મીમી, અને ગીર-સોમનાથમાં છેલ્લા બે દિવસમાં 3 થી 12 ઈંચનો વરસાદ નોંધાયો છે. સૂત્રાપાડા અને તલાલામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. માંગરોળ અને કોડીનાર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 

tags:

LEAVE YOUR COMMENT