in ,

વાયુ વાવાઝોડુ વેરાવળથી 300 km દૂરઃ 150 kmની ઝડપથી ત્રાટકશે દરિયાકાંઠે

અમદાવાદઃ વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રમાં વેરાવળથી 300 કિમી દૂર છે અને 24 કલાકથી પણ ઓછા સમયમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાવાઝોડુ લગભગ 150થી વધુ કિમીની ઝડપે ટકરાશે. અત્યારે દક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડયા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યોના અહેવાલ છે. દરમિયાન પોરબંદર, વેરાવળ અને દીવનો દરિયો ગાંડો બન્યો છે અને ઉંચા મોજા ઉછડી રહ્યાં છે.

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે.

વાવાઝોડાને પગલે કંડલા પોર્ટને બંધ કરવામાં આવ્યું છે. વાવાઝોડાના પગલે અત્યારથી વેરાવળના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવતઃ આજે મોડી રાતે વાવાઝોડું વાયુ વેરાવળના દરિયાને ટકરાશે. જેને પગલે ગીર સોમનાથ જિલ્લાનું વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રખાયું છે. તેમજ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી. એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. આ ઉપરાંત આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. ડીજીપી દ્વારા મરીન સિક્યોરીટી ફોર્સના જવાનો અને એસડીઆરએફની 11 ટીમો રવાના કરાઇ છે. વાવાઝોડાને પગલે સરકાર દ્વારા શાળાપ્રવેશોત્સ અને આજે કેબિનેટની બેઠક મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિનું સતત મોનિટરીંગ શરૂ કર્યું છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યના દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચક્રવાત વખતે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી સર્જાશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, વાયુ પોતાની તીવ્રતામાં વધારો કરી ચૂક્યું છે અને હવે બહુ જ ગંભીર ચક્રવાત તોફાનમાં બદલાઈ ગયું છે. મોસમ વિભાગે એમ પણ કહ્યું કે, તે આજે રાત્રે વેરાવળ તટને પાર કરશે તેવી શક્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુ વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 408 ગામોમાં સ્થળાંતરની કામગીરી

ગુજરાતના સમુદ્રતટ સાથે 170 કિલોમીટરની ઝડપે ટકરાશે વાવાઝોડું ‘વાયુ’, એનડીઆરએફની 36 ટીમોની તેનાતી