1. Home
  2. Regional
  3. ગુજરાતમાં ચક્રવાત ‘વાયુ’ને લઈને એલર્ટ, પાકિસ્તાનનો છૂટશે પરસેવો
ગુજરાતમાં ચક્રવાત ‘વાયુ’ને લઈને એલર્ટ, પાકિસ્તાનનો છૂટશે પરસેવો

ગુજરાતમાં ચક્રવાત ‘વાયુ’ને લઈને એલર્ટ, પાકિસ્તાનનો છૂટશે પરસેવો

0

નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું વાયુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે વાવાઝોડાંનું નામ ભારતે રાખ્યું છે. 12થી 13 જૂન વચ્ચે આ વાવાઝોડું સૌરાષ્ટ્રના સમુદ્રતટને ટકરાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે હાલ તેની ગતિ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. પરંતુ સૌરાષ્ટ્રના તટવર્તી પ્રદેશો નજીક પહોંચતા તેની ઝડપ 110થી 135 કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતા છે.

પાકિસ્તાનના હવામાન વિભાગના વૈજ્ઞાનિક અબ્દુર રાશિદે કહ્યુ છે કે પાકિસ્તાની સમુદ્રીતટો પર આની અસર નહીં થાય. પરંતુ તેના કારણે પાકિસ્તાનના તટવર્તી વિસ્તારોમાં હીટવેવમાં વધારો થવાની શક્યતા છે. આ વાવાઝોડું આગળ જઈને કેટેગરી-3નો ચક્રવાત બની શકે છે.

અબ્દુર રાશિદે કહ્યુ છે કે ચક્રવાતી વાવાઝોડાં વાયુના કારણે અરબ સાગરમાં દબાણનું ક્ષેત્ર ઉભું થશે. તેના કારણે પાકિસ્તાનના તટવર્તી પ્રદેશોમાં ગરમી વધવાની શક્યતા છે. હાલ ત્યાં 35થી 37 ડિગ્રી તાપમાન છે. જે વધીને 40થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે. આવી જ ઘટના જૂન-2015માં બની હતી. તેના કારણે કરાચીમાં પાંચ દિવસ સુધી ભયાનક ગરમી પડી હતી. રમઝાન માસમાં પડેલી ગરમીના કારણે પાણીની તંગી પણ પેદા થઈ હતી. કરાચીમાં ત્રણ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ગુજરાત મોનસૂન પહેલા અને પછી આવનારા વાવાઝોડાંના પ્રભાવ ક્ષેત્રમાં હંમેશા રહે છે. પરંતુ ગત દશ વર્ષોથી ગુજરાતને કોઈપણ વાવાઝોડાંએ સીધું નિશાન બનાવ્યું નથી. જૂન-2010માં આવેલું વાવાઝોડું ફેટ ગુજરાતની નજીકથી ઓમાન તરફ આગળ વધ્યું હતું. પાછું વળ્યું, તો ફેટ ગુજરાતને ડરાવતા પાકિસ્તાન તરફ ફંટાયું હતું.

2014માં ગુજરાતના તટવર્તી પ્રદેશો નજીક બે ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા. મોનસૂન પહેલા ચક્રવાત નૌનકે માહોલ બનાવ્યો હતો. પરંતુ તે અરબ સાગરમાં જ વિસર્જિત થઈ ગયું હતું. તો ઓક્ટોબર માસમાં ચક્રવાતી વાવાઝોડું નીલોફર આવ્યું હતું. તે પણ અરબી સમુદ્રમાં જ સમાપ્ત થયું હતું.

2017ના નવેમ્બરમાં ઓખી વાવાઝોડું આવ્યું હતું. તેણે કેરળ અને તમિલનાડુમાં વ્યાપકપણે કેર વર્તાવ્યો હતો. સેંકડો લોકોના જીવ ગયા હતા. બાદમાં તે અરબી સમુદ્રના માર્ગે ગુજરાત તરફ આગળ વધ્યું હતું. ગુજરાતે તમામ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ કરી હતી. પરંતુ ઓખી વાવાઝોડું પણ ગુજરાતના સમુદ્રીતટને સ્પર્શે તે પહેલા જ સમાપ્ત થયું હતું.

હવામાન વિભાગના અધિકારીઓ પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે આંધી અને ભારે વરસાદ થશે. તટવર્તી વિસ્તારોમાં નુકસાનની આશંકા વચ્ચે ગુજરાત સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. હાલ માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. પોર્ટો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગરમીની પણ ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણ સાથે 12થી 14 જૂનની વચ્ચે વેરાવળ, જામનગર, માંગરોલ, પોરબંદર અને અમરેલી જિલ્લાના તટવર્તી વિસ્તારોમાં વાવાઝોડાંની આશંકા છે. આગામી 24 કલાકોમાં ચક્રવાતી વાવાઝોડું વધુ તેજ બને તેવી શક્યતા છે. તેના પછી આગામી 24 કલાકમાં આ ચક્રવાતી વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે.

tags:

LEAVE YOUR COMMENT