in ,

વાયુની અસરઃ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

સુરતઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પવન સાથે પડેલા વરસાદમાં 3 વ્યક્તિઓના મોત થયા હતા.

અરબી સમુદ્રમાં વેરાવળથી લગભગ 350 કિમી દૂર વાયુ વાવાઝોડુ છે અને ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. તેની અસર ગુજરાતના દરિયાકાંઠા સહિતના વિસ્તારમાં જોવા મળી રહી છે. નેત્રંગ અને વાલીયામાં મંગળવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. ભારે પવન સાથે તુટી પડેલા વરસાદમાં બંને તાલુકામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ભરૂચ જિલ્લાના અરબી સમુદ્રના કિનારાથી 12 કીમીના અંતરે આવેલાં 40 ગામોના લોકોને 12મી અને 13મીના રોજ વાવાઝોડાના કારણે સતર્ક રહેવા તાકીદ કરાય છે.

વાવાઝોડાથી ભરૂચના દરિયાકિનારે 80 કીમીથી વધારેની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે. દહેજ બંદર ખાતે વાવાઝોડાની ચેતવણી આપતું બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વીજકંપની, આરોગ્ય સહિતના વિભાગોને ફરજો સોંપી દેવાઈ છે. સ્થળાંતરની જરૂર પડશે તો 300 બસ સ્ટેન્ડબાય, 59 આશ્રયસ્થાનો તૈયાર રખાયાં છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદમાં સુરત અને તાપી જિલ્લામાં એક ખેડૂત અને બે મહિલાના મોત થયા હતા. દેદવાસણ ગામેથી પરવળ લઈ વલવાડા ગામે જતા ખેડૂત ગુલાબભાઈ મગનભાઈ પટેલ(ઉં.વ. 60)ની મોટરસાયકલ તોતીંગ વૃક્ષ પડ્યું હતું. જેમાં ખેડૂતનું મોત થયું હતું. જ્યારે વ્યારા તાલુકાના ગોરૈયા ગામની સીમમાં વિજળી પડતા નુરીબેન ગામીત નામની મહિલાનું મોત થયું હતું. તાપીના વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થયો હતો. ભારે પવનને કારણે સહકારી મંડળીના પતરા ઉડી ગયા હતા. ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટી પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ ભારે પવનને કારણે ગાઢવી પ્રા.શાળાના પતરા ઉડી ગયા હતા. જેમાં 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

છેતરપિંડીના મામલામાં કારોબારી જતિન મહેતા અને અન્ય વિરુદ્ધ નવી બે એફઆઈઆર નોંધાઈ

અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો પલટો