1. Home
  2. Political
  3. ભારતમાં જનાક્રોશ: “ચુનાવ રોક દો, પહેલે પાકિસ્તાન કો ઠોક દો”, પણ શું મોદી સરકાર આવું કરી શકશે?
ભારતમાં જનાક્રોશ: “ચુનાવ રોક દો, પહેલે પાકિસ્તાન કો ઠોક દો”, પણ શું મોદી સરકાર આવું કરી શકશે?

ભારતમાં જનાક્રોશ: “ચુનાવ રોક દો, પહેલે પાકિસ્તાન કો ઠોક દો”, પણ શું મોદી સરકાર આવું કરી શકશે?

0

પુલવામામાં 40થી વધારે જવાનોના બલિદાનનો બદલો પાકિસ્તાનની સામે લેવાની દેશભરમાં માગણી થઈ રહી છે. દેશભરમાં સોશ્યલ મીડિયામાં એક સૂર ખુબ દ્રઢતાપૂર્વક બુલંદ થતો દેખાઈ રહ્યો છે કે પાકિસ્તાનને નેસ્તોનાબૂદ કરવામાં આવે. ભારતીયોનો જનાક્રોશ એટલી હદે વધતો દેખાઈ રહ્યો છે કે તેઓ કહી રહ્યા છે કે ચુનાવ રોક દો પહેલે પાકિસ્તાન કો ઠોક દો. કેટલીક પ્રતિક્રિયાઓમાં તો પાકિસ્તાને મસૂદ અઝહરને સોંપવા માટે 24 કલાકની મહોલત આપીને બાદમાં તેને દુનિયાના નક્શામાં મિટાવવા સુધીના સેન્ટિમેન્ટ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. બોલીવુડ અને બૌદ્ધિક ગણાતી હસ્તીઓ પણ સોશયલ મીડિયા પર કરારા જવાબ મિલના ચાહિએ જેવી પ્રતિક્રિયાઓ આપી રહી છે. પણ સવાલ એ પણ છે કે શું મોદી સરકાર આવું કરી શકશે?

જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતિપોરા ખાતે કાર બોમ્બ વિસ્ફોટ કરીને કરવામાં આવેલા ભીષણ ફિદાઈન એટેકમાં સીઆરપીએફના 40થી વધુ જવાનોના શહીદ થવાનો મામલો ઘણો ગંભીર છે. આ મામલો એટલા માટે ગંભીર છે, કારણ કે કાશ્મીરમાં ચાલી રહેલી 30 વર્ષની આતંકવાદી ગતિવિધિ દરમિયાન એક જ ઘટનામાં આટલી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓની શહાદતે ખૂબ જ ગંભીર સવાલો તો ઉભા કર્યા છે અને તેની સાથે જ ભારત સામેના નવા પડકારોને પણ ઉજાગર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે 2014માં લગભગ ત્રીસ વર્ષ બાદ ભારતમાં કેન્દ્રમાં કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો ભારતના લોકોએ મોકો આપ્યો હતો અને મનમોહનસિંહની મજબૂર ગણાતી સરકારના સ્થાને મજબૂત સરકારની અપેક્ષા રાખી હતી. પુલવામાના અવંતિપોરા ખાતેનો આત્મઘાતી આતંકવાદી હુમલો કરવાનો સમય 2019ની લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલાનો છે.

જાણે કે જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનના મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટે પણ ભારતમાં મોટી રાજકીય ગતિવિધિઓના સમયગાળામાં આટલો મોટો હુમલો કરીને ભારતના આંતરીક રાજકારણમાં પણ ગણતરીપૂર્વકનો ખળભળાટ પેદા કરવાની કોશિશો કરી છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનના મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટમાં સૌથી વધુ પ્રભાવ ધરાવનારી ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું પસંદગીનું આતંકવાદી સંગઠન છે. જૈશ-એ-મોહમ્મદ દ્વારા અફઘાનિસ્તાનમાં પણ આઈએસઆઈના ઈશારે ઘણાં આતંકી હુમલા કરવાની કામગીરી કરી ચુક્યુ છે.

પુલવામાના અવંતિપોરા ખાતેનો આતંકવાદી હુમલો ગમે તેટલો પ્રચંડ હોય, પણ આ એકમાત્ર આતંકવાદી હુમલાની ઘટનાને કારણે તેના વ્યૂહાત્મક પરિબળોની ઉભી થનારી અસરોનું આકલન કરવાની કોશિશ સલાહ ભરેલી નથી. પરંતુ તેમ છતાં પુલવામા એટેકમાં ઉજાગર થનારી બાબતો મોટા “સ્ટ્રેટજીક શિફ્ટ” તરફ પણ ઈશારો ચોક્કસપણે કરી રહી છે.

પુલવામાના ભીષણ આતંકવાદી હુમલા બાદ પણ રાજકીય વર્તુળોમાંથી બિંબાઢાળ પ્રતિક્રિયાઓ આવી રહી છે કે આ કાયરત્તાપૂર્ણ હુમલો છે અને પાકિસ્તાન તથા આતંકવાદીઓની હતાશાનું પરિણામ ગણાવવામાં આવ્યું છે. ભારતના રાજકીય વર્તુળોમાંથી લગભગ ત્રણ દાયકાથી આવી જ પ્રતિક્રિયાઓ અને વિશ્લેષણો સાંભળીને ભારતના લોકો હવે બેહદ કંટાળી ગયા હોવાનો પણ એક સૂર જનાક્રોશોમાં મહેસૂસ થઈ રહ્યો છે. પુલવામા એટેકમાંથી કેટલીક બાબતો પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે.

પુલવામા એટેકના ચાર વિચારબિંદુઓ

પહેલું, અવંતિપોરા ખાતેના આતંકી હુમલા બાદ તુરંત પાકિસ્તાની સેના દ્વારા સમર્થિત જૈશ-એ-મોહમ્મદે આની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલાને કારણે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ થઈ રહી છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને માત્ર જીવતો કરવાનો જ બદઈરાદો ધરાવતું નથી અને તેણે તેના બગલબચ્ચા જૈશ-એ-મોહમ્મદને મોટી આતંકી ઘટના કરવા માટે સીધા નિર્દેશ આપ્યા હોવાનું પણ અવંતિપોરા એટેકની પ્રકૃતિ, તેના ટાર્ગેટ અને થયેલી ખુવારી પરથી તારવી શકાય તેમ છે.

બીજું, અવંતિપોરા ખાતેનો હુમલો વ્હિકલ બોર્ને ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસ (VBIED) એટેક હતો. VBIED ડિવાઈસને ડિલિવર કરી શકે તેવું કાશ્મીરની લોકલ ટેરેરિસ્ટ કેડર માટે શક્ય નથી અને નિશ્ચિતપણે સુસાઈડ ટેરેરિસ્ટ કેડરની ઓળખ સમાન VBIED ડિવાઈસને ડિલિવર કરવામાં પાકિસ્તાનનો દોરીસંચાર છે. જમ્મુ-કાશ્મીરને ડોમેસ્ટિક ઈન્સર્જન્સી સાબિત કરવા માટે પાકિસ્તાન દ્વારા લોકલ ટેરરિસ્ટને ઘણાં મોટા પ્રમાણમાં સોશયલ મીડિયા દ્વારા પ્રોજેક્ટ કરવાની કોશિશો છેલ્લા બે વર્ષથી જોવા મળી છે. પરંતુ આવી બે વર્ષની આતંકી ગતિવિધિઓ અને મોટા પ્રમાણમાં સ્થાનિકોના આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થવા છતાં ઓપરેશનલ ઈમ્પેક્ટ અને સ્કેલની દ્રષ્ટિએ તેઓ સદંતર નિષ્ફળ જ રહ્યા છે. 14મી ફેબ્રુઆરીના VBIED એટેકની પેટર્ન અને તેની પ્રચંડતા દર્શાવે છે કે સ્થાનિક આતંકવાદીઓની આવી ટેક્નિક્લ અને સંસાધનો એકઠા કરવાની ક્ષમતા નથી. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદની પાકિસ્તાની કેડરની જવાબદારી હોવાની નક્કર શક્યતાઓ છે. જૈશ-એ-મોહમ્મદની પાકિસ્તાની કેડર દ્વારા જ VBIED એટેકનું પ્લાનિંગ અને તેના એક્ઝિક્યૂશન કરાવવાની જવાબદારી પાર પાડવામાં આવી હોવાની પણ શક્યતાઓ છે અને તેના પુરાવા મળવાની પણ સંભાવના છે. પુલવામા ખાતેના VBIED એટકેથી પાકિસ્તાની અને સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ વચ્ચે 1990 અને 2000ના દશકમાં જોવા મળતી સાઠગાંઠ ફરીથી મજબૂત થતી દેખાઈ રહી છે. 90ના દાયકાથી 2000ના વર્ષના સમયગાળામાં વિદેશી આતંકવાદી જૂથો દ્વારા કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવતી હતી અને સ્થાનિક કેડર મોટાભાગે તેમના સપોર્ટિવ રોલમાં જ રહેતા હતા.

ત્રીજું, હવે ઈન્ડિયન એસ્ટાબ્લિશમેન્ટે પણ વિચારણા કરવી પડશે કે શું અવંતિપોરા એટેક હકીકતમાં એક્ટ ઓફ ડેસ્પરેશન છે કે પાકિસ્તાનના મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટમાં અફઘાનિસ્તાનમાં આવનારા પરિણામોના અંદેશાને કારણે વધી રહેલા આત્મવિશ્વાસનું પરિણામ છે? પાકિસ્તાનના મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટને અંદાજો છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેનાઓની સ્વદેશ વાપસી સાથે જ પાકિસ્તાનના સમર્થનવાળા તાલિબાનોને ફરીથી વર્ચસ્વ સ્થાપિત કરીને જીત મળવાની છે. તેની સાથે જ અફઘાનિસ્તાનમાં વાળવામાં આવેલા કેટલાક તેના સ્ટ્રેટજીક એસેટ્સ સમાન આતંકવાદી જૂથોના સંસાધનોને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર તરફ વાળીને અહીં વધુ ગડબડ ઉભી કરવાના તેના બદઈરાદાને પાર પાડવાની કોશિશમાં હોવાના પણ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. અફઘાનિસ્તાન ખાતેના જેહાદિસ્ટ ગ્રુપ્સને લાગે છે કે તેમણે એક સુપરપાવર તત્કાલિન સોવિયત રશિયાને પરાજીત કર્યું અને હવે બીજા સુપરપાવર અમેરિકાને પણ હરાવવાની બેહદ નજીક છે. પાકિસ્તાની સેનાને તેના સ્ટ્રેટજીક એસેટ્સ સમાન આતંકવાદી જૂથો દ્વારા ભારતને નિશાન બનાવવું બેહદ સહેલું લાગી રહ્યું છે. જો કે હકીકત એવી પણ છે કે સોવિયત યૂનિયન સામેના અફઘાન યુદ્ધમાં જેહાદિસ્ટ જૂથોને પાકિસ્તાનના માધ્યમથી અમેરિકાની સીધી મદદદ મળતી હતી. તો હાલ પણ ચીન અને રશિયાની નજીક જઈ રહેલા પાકિસ્તાનની મદદ હક્કાની નેટવર્ક અને તાલિબાનોને ઉપલબ્ધ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે અમેરિકા અને પશ્ચિમી શક્તિઓ તેમના ખુદના હિતો અને તેમના સુરક્ષાકર્મીઓની જીંદગી બચાવવા માટે સક્ષમ નથી અને તેવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીર ખાતે જોખમી હદ સુધી સ્થિતિ વણસે તો તેવા સંજોગોમાં તેઓ આમા પોતાને સામેલ કરવાથી અમેરિકા અને પશ્ચિમી શક્તિઓ બચશે તેવું પણ પાકિસ્તાની મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટનું એક આકલન હોઈ શકે છે અને તેને કારણે પાડોશી દેશના મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટનો આત્મવિશ્વાસ વધ્યો હોવાની શક્યતા છે.

ચોથું, અવંતિપોરા ખાતેના આતંકવાદી હુમલા બાદ બાદ ભારતમાં કેટલીક પ્રતિક્રિયાઓમાં શબ્દો આકરા થતા જોવા મળ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યુ છેકે સુરક્ષાદળોને આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આવામાં આવી છે અને જે લોકો આના માટે જવાબદાર છે તેમણે મોટી કિંમત ચુકવવી પડશે. (જો કે આના પહેલાની કેટલીક ટીપ્પણીઓ આપણને એવું માનવા મજબૂર કરી શકે છે કે સુરક્ષાદળોને પહેલા જ ઘણીવાર ખુલ્લી છૂટ અપાઈ ચુકી છે) જો કે આવી ટીપ્પણી જ્યાં સુધી નક્કર કાર્યવાહી અને તેના પરિણામોની નક્કરતા ભારતના લોકો સામે નહીં આવે, ત્યાં સુધી તેને એક જાહેર છબીને બચાવવા માટેની કોશિશથી વધારે કંઈ માનવામાં આવશે નહીં. આ માત્ર VBIED એટેકનો જ મામલો નથી, પણ ગત પોણા પાંચ વર્ષથી અમલમાં રહેલી ફ્લિપ-ફ્લોપ પેટર્નની કાશ્મીર અને પાકિસ્તાન નીતિ સામે પણ ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરનારી બાબત છે. જો કે વડાપ્રધાન મોદીની મહત્વની અને મોટી ટીપ્પણી બાદ સુરક્ષાદળો અને ભારતીય સેના પર પણ કોઈ કાર્યવાહી માટેનું દબાણ રહેશે. પરંતુ લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે વાસ્તવિક વિકલ્પો ઘણાં ઓછા હોવાનું પણ ઘણાં જાણકારો માની રહ્યા છે.

કોઈપણ ટકાઉ વ્યૂહાત્મક તૈયારીઓ વગર વ્યૂહાત્મક પ્રતિક્રિયા આપવી શક્ય નથી અને છેલ્લા ઘણાં દાયકાઓથી ડિફેન્સ, આંતરીક સુરક્ષા અને ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોની ક્ષમતામાં વધારો કરવા તરફ ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી છે. આ સેક્ટરોના બજેટને પણ અમુક અપવાદોને બાદ કરતા સતત ઘટાડવાનું કામ કરવામાં આવ્યું છે.

માર્ચ-2018નો ડિફેન્સ માટેની સંસદીય સમિતિનો અહેવાલ જણાવી રહ્યો છે કે આપણી સશસ્ત્ર સેનાઓના 68 ટકા જેટલા ઈક્વિપમેન્ટ વિન્ટેજ કેટેગરીના છે અને સેનાઓ પાસે પાકિસ્તાન સામે દશ દિવસના યુદ્ધ માટેનું પણ રિઝર્વ એમ્યુનેશન ઉપલબ્ધ નથી. આ રિપોર્ટની દેખીતી પ્રતિક્રિયા એવી આપવામાં આવી હતી કે સમિતિના ચેરમેન પદેથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેજર જનરલ (રિટાયર) બી. એસ. ખંડુરીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મેજર જનરલ ખંડુરી ઉત્તરાકંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે.

કાશ્મીરમાં આતંકી હિંસાચારમાં વધારાનો અણસાર

ભારત માટે સૌથી વધુ ચિંતાનો વિષય અવંતિપોરા VBIED એટેક બાદ મળી રહેલા સંકેતો છે. આ સંકેતો ભાજપ અને કોંગ્રેસની સરકારોથી પર રહીને વિચારવાની જરૂરિયાત છે. જમ્મુ-કાશ્મીરમાં આગામી સમયગાળામાં પાકિસ્તાન આતંકવાદ દ્વારા હિંસાના ખેલને બેફામ કરવાની ફિરાકમાં છે. તેના માટે જમ્મુ-કાશ્મીર ખાતે પાકિસ્તાની આતંકવાદી જૂથો અને પાકિસ્તાની કેડર્સની દેખીતી સંડોવણીમાં પણ વધારો થવાનું નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી સાથે પાકિસ્તાનનું મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટ પોતાના સ્ટ્રેટજીક એસેટ્સ સમાન આતંકી જૂથોને ભારત તરફ જમ્મુ-કાશ્મીરના માધ્યમથી વાળવાની વ્યૂહાત્મક તૈયારીઓમાં લાગશે. તેની સાથે જ વૈશ્વિક સ્તરે પોતાના બચાવ માટે યુએનએસસીના કાયમી સભ્ય ચીનનો ઉપયોગ કરશે.

જનાક્રોશ પાકિસ્તાનને નેસ્તોનાબૂદ કરવાની તરફેણમાં

પુલવામામાં 40થી વધારે જવાનોના બલિદાનનો બદલો પાકિસ્તાન સામે લેવાની દેશભરમાં માગણી થઈ રહી છે. દેશભરમાં સોશ્યલ મીડિયામાં એક સૂર ખુબ દ્રઢતાપૂર્વક બુલંદ થતો દેખાઈ રહ્યો છે કે પાકિસ્તાનને નેસ્તોનાબૂદ કરવામાં આવે. ભારતીયોનો જનાક્રોશ એટલી હદે વધતો દેખાઈ રહ્યો છે કે તેઓ કહી રહ્યા છે કે ચુનાવ રોક દો પહેલે પાકિસ્તાન કો ઠોક દો. કેટલીક પ્રતિક્રિયાઓમાં તો પાકિસ્તાને મસૂદ અઝહરને સોંપવા માટે 24 કલાકની મહોલત આપીને બાદમાં તેને દુનિયાના નક્શામાં મિટાવવા સુધીના સેન્ટિમેન્ટ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. બોલીવુડ અને બૌદ્ધિક ગણાતી હસ્તીઓ પણ સોશયલ મીડિયા પર કરારા જવાબ મિલના ચાહિએ જેવી પ્રતિક્રિયાઓ આપી રહી છે. જો કે સરકાર વ્યૂહાત્મક તૈયારીઓ અને દેશની રાજકીય પરિસ્થિતિઓને જોતા જનાક્રોશને કેટલી હદે શાંત કરી શકે છે, તેનો કોઈ અંદાજ નથી. પરંતુ હિંદુસ્થાનમાં આતંકી હુમલાની પેટર્નની સાથે લોકોની માનસિકતામાં પણ મોટું પરિવર્તન આવતું દેખાઈ રહ્યું છે. આવો જનાક્રોશ ભારતમાં નવી જનક્રાંતિના બીજારોપણ સમાન પણ છે.

LEAVE YOUR COMMENT