1. Home
  2. ગુજરાતી
  3. સાઉદી અરેબિયામાં સરકારનો મોટો નિર્ણય – મહિલાઓ ‘પુરુષ સંરક્ષક’ વગર વિદેશયાત્રા કરી શકશે
સાઉદી અરેબિયામાં સરકારનો મોટો નિર્ણય – મહિલાઓ ‘પુરુષ સંરક્ષક’ વગર વિદેશયાત્રા કરી શકશે

સાઉદી અરેબિયામાં સરકારનો મોટો નિર્ણય – મહિલાઓ ‘પુરુષ સંરક્ષક’ વગર વિદેશયાત્રા કરી શકશે

0

સાઉદી અરેબિયામાં હવે મહિલાએ કોઇપણ પુરુષ ‘સંરક્ષક’ ની મંજૂરી વગર પણ વિદેશ યાત્રા કરી શકશે. સાઉદી અરેબિયાની સરકારે આ અંગે જાણકારી આપી હતી. મહિલાઓ પર આ પ્રતિબંધને કારણે સાઉદી અરેબિયા વૈશ્વિક સ્તરે ટીકાનો સામનો કરી રહ્યું હતું અને આ જ કારણોસર અનેક મહિલાઓએ દેશ છોડીને ભાગી જવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે જૂની સંરક્ષણ પ્રણાલી સમાપ્ત થઇ જશે જે અંતર્ગત કાયદો મહિલાઓને સ્થાયી રૂપથી નાની ગણે છે અને તેના ‘સંરક્ષકો’ અર્થાત્ તેના પતિ, પિતા અને અન્ય પુરુષ સંબંધીઓને તેના પર પ્રભુત્વનો અધિકાર પ્રદાન કરે છે.

મહિલાઓના અધિકાર માટે લડતી અનેક કાર્યકર્તાઓની વર્ષોની ઝુંબેશ બાદ તેઓની જીત થઇ છે અને આ નિર્ણય લેવાયો છે. અનેક મહિલાઓ જ્યારે તેના સંરક્ષકોથી ભાગવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ મહત્વનો નિર્ણય આવ્યો છે. ગત વર્ષે પણ સાઉદી અરેબિયામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો અને ત્યારબાદ મહિલાઓ પરથી વાહન ચલાવવાનો પ્રતિબંધ હટાવી લેવાયો હતો. એ દરેક સાઉદી અરેબિયાના નાગરિકને પાસપોર્ટ અપાશે જે અરજી કરે છે.

મહિલાઓને આ ફાયદા મળશે
આ અંગે મળતા મીડિયા અહેવાલ મુજબ આ નિયમ 21 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓને પાસપોર્ટ હાંસિલ કરીને તેના સંરક્ષકો વગર દેશની બહાર યાત્રા કરવાની અનુમતિ આપશે. અગાઉ સાઉદી અરેબિયામાં મહિલાઓને લગ્ન કરવા, પાસપોર્ટની અવધિ વધારવા તેમજ વિદેશ યાત્રા કરવા માટે પુરુષ સંરક્ષકોની અનુમતિ લેવાની આવશ્યકતા હતી.

આ નિર્ણય મહિલાઓને વધુ સ્વતંત્રતા પ્રદાન કરશે. આ નિર્ણય સાઉદી અરેબિયાની મહિલાઓને તેના અંગત જીવનને સ્વયં નિયંત્રિત કરવાની દિશામાં એક મોટું પગલું બની રહેશે. જો કે કેટલાક આલોચકો અનુસાર જ્યાં સુધી સંરક્ષણ પ્રણાલીને સમાપ્ત ના કરાય ત્યાં સુધી આ સુધારો નામ માત્રનો બની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.