1. Home
  2. ગુજરાતી
  3. ખુશખબર! અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશ વિદ્યાર્થીઓના વીઝા હવે રદ નહીં થાય
ખુશખબર! અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશ વિદ્યાર્થીઓના વીઝા હવે રદ નહીં થાય

ખુશખબર! અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશ વિદ્યાર્થીઓના વીઝા હવે રદ નહીં થાય

0
  • અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
  • આ વિદ્યાર્થીઓના વીઝા હવે રદ નહીં થાય, ટ્રમ્પ સરકારે નિર્ણય પરત ખેંચ્યો
  • કોર્ટમાં સુનાવણી દરમિયાન ટ્રમ્પ પ્રશાસને નિર્ણય પરત લેવા આપી સહમતિ

અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. અમેરિકામાં રહીને ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહેલા વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાના નિર્ણયને ઘણા વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પરત લઇ લીધો છે. ટ્રમ્પ પ્રશાસનના ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગના વકીલે કહ્યું કે આ સુનાવણીની હવે જરૂર નથી કારણ કે અમે આ નિર્ણય પરત લેવા માટે તૈયાર છીએ.

ટ્રમ્પ પ્રશાસને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આ નિર્ણય પરત લેવાની સહમતિ આપી છે. જસ્ટિસ એલીસન બરોજે સુનાવણીમાં કહ્યું કે, સરકારે પોતાના જૂના નિર્ણય રદ કરી દીધા છે. સાથોસાથ જૂના નિર્ણય પર ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલિક રોકવાની પણ સહમતિ આપી દીધી છે.

ટ્રમ્પ સરકારે ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને પરત પોતાના દેશ મોકલવાનું ફરમાન સંભળાવ્યું હતું. જો આ નિર્ણય લાગૂ પડ્યો હોત તો કુલ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર તેની અસર પડવાની હતી. અમેરિકામાં હાલમાં 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ટ્રમ્પ પ્રશાસને ગત સપ્તાહે ઓનલાઇન એજ્યુકેશન લઇ રહેલા વિદેશી વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત ફરવાનું ફરમાન જાહેર કર્યું હતું. ટ્રમ્પ પ્રશાસને તેનું કારણ કોરોના સંક્રમણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઓનલાઇન કોર્સ માટે અમેરિકામાં રોકાવાની આવશ્યકતા નથી. આવા તમામ સ્ટૂડન્ટ્સના વીઝા રદ કરવાનો આદેશ જાહેર કરાયો હતો. જો કે વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઓના વિરોધ અને કોર્ટમાં અરજી બાદ આ નિર્ણય હવે પરત લેવામાં આવ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.