1. Home
  2. ગુજરાતી
  3. હંમેશા માટે વર્ક ફ્રોમ હોમની ટેક દિગ્ગજ ટ્વિટરની તૈયારી, CEO જૈક ડોર્સીની જાહેરાત
હંમેશા માટે વર્ક ફ્રોમ હોમની ટેક દિગ્ગજ ટ્વિટરની તૈયારી, CEO જૈક ડોર્સીની જાહેરાત

હંમેશા માટે વર્ક ફ્રોમ હોમની ટેક દિગ્ગજ ટ્વિટરની તૈયારી, CEO જૈક ડોર્સીની જાહેરાત

0
  • કોરોના વાયરસના સંકટ દરમિયાન વધુ પ્રચલિત થતો કન્સેપ્ટ વર્ક ફ્રોમ હોમ
  • TCS બાદ હવે વધુ એક ટેક દિગ્ગજ ટ્વિટરએ પણ વર્ક ફ્રોમ હોમની આપી છૂટ
  • કંપનીના કર્મચારીઓ ઇચ્છે ત્યાં સુધી ઘરેથી કામ કરી શકે છે: ટ્વિટર CEO

કોરોના વાયરસના સંકટને કારણે હાલમાં વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે ત્યારે ઘરમાંથી જ કામ કરવાની રીત અનેક કંપનીઓને પસંદ આવી રહી છે. મોટા ભાગના લોકો પણ વર્ક ફ્રોમ હોમને વધુ પસંદ કરી રહ્યા છે અને તેનાથી કંપનીને ફળદાયક પરિણામ પણ પ્રાપ્ત થઇ રહ્યું છે. TCS દ્વારા કેટલાક સમય પહેલા વર્ક ફ્રોમ હોમની કરાયેલી જાહેરાત બાદ હવે ટેક દિગ્ગજ ટ્વિટર પણ વર્ક ફ્રોમ હોમ રીતને અપનાવવા જઇ રહી છે. ટ્વિટરના CEO જૈક ડોર્સીએ જણાવ્યું છે કે, તેમના કર્મચારીઓ જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ઘરેથી કામ કરી શકે છે.

આ અંગે ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કર્મચારી સાથે વાતચીત દરમિયાન સીઇઓ જૈક ડોર્સીએ જણાવ્યું કે, કેટલાક કર્મચારીઓ કોરોના વાયરસની મહામારી પૂર્ણ થયા બાદ પણ ઘરેથી જ કામ કરશે. ઓફિસ ખોલવાનો નિર્ણય અમે લઇશું પરંતુ જે કર્મચારી ઓફિસ આવવા માંગે છે તેમના માટે જ અમે ઓફિસ ખોલીશું.

મીડિયા અહેવાલ અનુસાર ડોર્સીએ જણાવ્યું કે, મહામારીને કારણે સપ્ટેમ્બર પહેલા અમે ટ્વિટર ઓફિસને કર્મચારીઓ માટે ખોલી શકતા નથી. તે ઉપરાંત કંપનીએ ડિસેમ્બર સુધી તમામ ઇવેન્ટ રદ કરી દીધી છે. વર્ષાન્તે 2021માં યોજાનારી ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરીશું.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે કોરોના સંકટને જોઇને અમારા કર્મચારીઓને ઘરેથી કામ કરવા પ્રેરિત કર્યા. આ બાદ અમારા કર્મચારીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ઘરેથી કામ કરી શકે છે.

ટ્વિટરના જણાવ્યા મુજબ, જો તેમના કર્મચારીને ઘરેથી કામ કરવા કોઈ મુશ્કેલી પડતી નથી અને તેમના પ્રોડક્ટવિટી પર કોઈ અસર પડતી નથી તો અમે તેમને હંમેશા માટે ઘરેથી કામ કરવા માટે કહી શકીએ છીએ. પરંતુ જો તેઓ ઓફિસ આવવા માગે છે તો વિવિધ સાવધાનીઓ સાથે અમે તેમનું સ્વાગત કરીશું. 

મહત્વનું છે કે, મોટા ભાગના દેશોમાં વર્ક ફ્રોમ હોમ ધીરે ધીરે વધુ પ્રચલિત અને લોકપ્રિય થઇ રહ્યું છે જેનું કારણ કર્મચારીઓ ઘરે થી આરામદાયક રીતે કામ કરી શકે છે. માનસિક તણાવ ઓછો રહે છે. ઘરે કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે સમય વ્યતિત કરવા ઉપરાંત તણાવમુક્ત થઇને કામ કરી શકે છે. આ બધા કારણોસર વર્ક ફ્રોમ હોમને અનેક કંપનીઓ અપનાવી રહી છે અને ભાવિમાં પણ કદાચ મોટા ભાગની કંપનીઓ તેને અપનાવે તેવો આશાવાદ જોવા મળી રહ્યો છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.