1. Home
  2. Regional
  3. જય ભવાની… ભાજપ જવાની…. !
જય ભવાની… ભાજપ જવાની…. !

જય ભવાની… ભાજપ જવાની…. !

0
  • ડૉ. શિરીષ કાશીકર

…. આવું કહેવાવાળા અને માનવાવાળાઓના ગાલ પર એક નહીં પણ પૂરા ૨૬ તમાચા પડે એવી મતગણતરીના દિવસે પૂરી સંભાવનાઓ છે. લોકસભાની ૨૦૧૯ની ચુંટણીના પડઘમ વાગ્યા ત્યારથી વિશ્લેષકો કહેતા આવ્યા છે કે આ વખતે ૨૦૧૪ જેવી મોદી લહેર છે જ નહીં, ચોક્કસપણે ચૂંટણી આવતાં સુધીમાં મોદી લહેર ધીમી પડી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા હતા કારણ કે કોંગ્રેસ અત્યંત આક્રમક થઈને જનમાનસમાં શાસન વિરોધી લાગણીને પ્રબળ બનાવી રહી હતી, પરંતુ પુલવામાની દુર્ભાગ્યપૂર્ણ આતંકવાદી ઘટના અને તેના જવાબમાં કરાયેલા હવાઈ હુમલા એ આ લહેરને પ્રચંડ મોજામાં ફેરવી નાખી. રાષ્ટ્રવાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની જીતને નિશ્ચિત બનાવી રહ્યો છે. ખેર આપણે અહીં વાત ગુજરાતની કરવી છે…

૨૦૧૪માં ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ ૨૬ બેઠકો કબજે કરીને નરેન્દ્રભાઇને વડાપ્રધાનપદે સુનિશ્ચિત કર્યા હતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદે આરૂઢ થયા પછી ગુજરાતના હિતોને દેશહિતની સાથે જ પ્રાધાન્ય આપતા રહ્યા. ગત પાંચ વર્ષમાં તેમની સરકારે અનેકાનેક લોક-કલ્યાણલક્ષી યોજનાઓને અમલમાં મૂકી, મોંઘવારી અને ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવા ભરપૂર પ્રયત્નો કર્યા અને સૌથી મહત્વની વાત જનસામાન્યના પ્રશ્નોના ઉકેલ માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સીધું અને સરળ કમ્યુનિકેશન ઉપલબ્ધ કરાવ્યું, નમો એપ અને mygov.in જેવી વેબસાઇટ થકી આ શક્ય બનાવ્યું.

સામાન્ય રીતે આપણા દેશમાં કોઈપણ સ્તરની ચૂંટણી હોય તો પણ બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ જ હંમેશા ચૂંટણીપ્રચારમાં છવાયેલા રહેતા હોય છે. એવું નથી કે આ જનસામાન્યને સ્પર્શતા મુદ્દા નથી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં કે જ્યાં આપણે દેશના વિકાસ અને નીતિગત આયોજન માટે સંસદ સભ્યોને ચૂંટીને મોકલીએ છીએ ત્યાં રાષ્ટ્રહિતની બાબતોની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા પણ મહત્વનો મુદ્દો હોય છે. ભાજપે આ મુદ્દાને બરાબર પકડીને તેનો વ્યાપક પ્રસાર કર્યો. ભાજપની આ વ્યૂહરચનાને બરાબર સમજી ગયેલી કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કશ્મીર અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં લાગુ એ અફસ્પા(AFSPA) હટાવવાનું વચન આપ્યું, સાથે-સાથે કલમ-૩૭૦ અને ૩૫- એના મુદ્દે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. જો કે કોંગ્રેસના દુર્ભાગ્યે ભાજપે આ તમામ મુદ્દાઓને બુમરેંગ સાબિત કરી દીધા.

એવું નથી કે કોંગ્રેસે પોતાના તરફથી કોઈ પ્રયાસો બાકી રાખ્યા હોય. રાહુલ ગાંધીની મહત્વાકાંક્ષી ‘ન્યાય’ યોજના, સ્ટાર્ટઅપ માટેની આકર્ષક યોજના, ખેડૂતો માટેની દેવામાફી યોજના સહીતની યોજનાઓનો આક્રમક પ્રચાર થયો પરંતુ રાષ્ટ્રવાદના મોજા સામે આ પ્રચાર નાકામ સાબિત થાય એવી પુરી સંભાવનાઓ છે.પાકિસ્તાન સામેનું ભારતનું આક્રમક વલણ તેમજ ગમે તે સમયે ભારતની આક્રમણ માટેની તૈયારીઓ, સર્જિકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અને છેલ્લે છેલ્લે  આકાશી આક્રમણની જાહેરાત કરીને નરેન્દ્રભાઈએ માહોલ બનાવી રાખ્યો.

આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં ૨૬ પૈકીની અંદાજે પાંચથી છ બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે થોડી નબળી હતી જે પૈકીની સૌરાષ્ટ્રની ત્રણ અને ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પોતાની પકડ ગુમાવી દે તેવી સ્થિતિ હતી, ગત ટર્મના ઉમેદવારો સામેનો લોકોનો આક્રોશ અને આંતરિક વિખવાદોના કારણે ભાજપ આ બેઠકો ગુમાવી દે તેવી પૂરી સંભાવના હતી. જ્યાં જરૂર જણાઈ ત્યાં ઉમેદવારોને બદલીને નવા, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપીને પહેલો મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો, કારણકે આ બાબત સૌથી ઘાતક સિદ્ધ થાય તેવી હતી. થોડું ઘણું પણ જે કાંઈ બાકી રહેતું હતું તે નરેન્દ્રભાઈની આક્રમક પ્રચાર સભાઓ એ પૂરું કર્યું. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક નેતાગીરીએ સમયસર કોંગ્રેસની નબળાઈઓનો લાભ પણ ઉઠાવ્યો, કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને કોંગ્રેસના પાયાના કાર્યકરોને ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીમાં યેનકેન પ્રકારેણ પ્રવેશ અપાવ્યો, જેના પરિણામે આ બેઠક ઉપર જ્યાં ભાજપની સ્થિતિ નબળી હતી, ત્યાં સંગઠનની દ્રષ્ટિએ ભાજપનું  બળ વધ્યું. ચોક્કસપણે આ પગલાથી  ભાજપના સ્થાનિક કાર્યકરોમાં પણ રોષ જરૂર દેખાયો, પરંતુ કાર્યકર્તાઓને પણ અંતમાં જીત મહત્વની હોય છે એ વાતનો બરાબર ખ્યાલ છે. ભાજપની આ મેગા તોડફોડમાં કોંગ્રેસના ધારાસભ્યોથી માંડી તાલુકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો સુધીના નેતાઓ અને કાર્યકરોનો સમાવેશ થઈ ગયો. કોંગ્રેસ તેના નેતાઓની આ આવન-જાવનને ગણતરીપૂર્વક અવગણતી રહી. પરંતુ હવે તેના માઠા પરિણામો ચોક્કસ દેખાવાના છે.

સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રને લગતા પ્રશ્નો અને નીતિગત બાબતો ઉપર વધારે ભાર આપવામાં આવતો હોય છે, પરંતુ સાથે-સાથે રાજ્યમાં સ્થાનિક શાસક પક્ષ દ્વારા થઈ રહેલું શાસન પણ એટલી જ મહત્વપૂર્ણ બાબત છે. ગુજરાતમાં વર્તમાન સ્થિતિમાં પ્રવર્તતી શાંતિ અને યથાવત જળવાયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે સ્થાનિક ભાજપની સરકાર સામે પણ જનતામાં એવો કોઈ મોટો રોષ નથી. આ પરિબળ પણ ભાજપની કેન્દ્રીય નેતાગીરી માટે એક મોટું આશ્વાસન સમાન હતું. આ ઉપરાંત અન્ય કોઈ મોટા મુદ્દાઓ લોકમાનસમાં છવાયેલા નથી, જેનો ભરપૂર રાજકીય લાભ ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં મળ્યો છે. જે લોકો રાષ્ટ્રવાદના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરે છે, એ લોકો કદાચ સગવડપૂર્વક વારંવાર ભૂલી જાય છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો ભાજપના ગોત્ર સાથે સંકળાયેલો છે અને નરેન્દ્રભાઈનો  ભારતની રાજનીતિમાં ઉદભવ પણ રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલી ઘટનાઓ થકી જ થયો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપની આ નીતિ બિલકુલ કારગર નીવડી રહી છે.

૨૦૧૪માં લોકસભા ચૂંટણીના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીને કુલ મતદાનના ૬૦.૩૦ ટકા જેવા મતો મળ્યા હતા અને કોંગ્રેસને ૩૦ ટકાની આસપાસ મતો મળ્યા હતા. કુલ મતદાન ૬૩.૭૧ ટકા થયું હતું. જેની સરખામણીમાં આ વર્ષે એટલે કે ૨૦૧૯ની ચૂંટણીમાં ગત ૨૫ વર્ષનું રેકોર્ડબ્રેક મતદાન એટલે કે ૬૪.૧૧ ટકા થયું છે અને ૨૦૧૪માં તમામ લોકસભા વિસ્તારૉમાં મતદાનનો જે આંકડો હતો તેની આસપાસ જ અથવા તો તેનાથી થોડું વધારે મતદાન થયું છે. લોકોએ ધોમધખતા તાપમાં બપોરે લાઇનોમાં ઊભા રહીને પોતાનો મત આપ્યો છે. સામાન્યપણે રાજકીય વિશ્લેષકો અને પત્રકારોમાં પ્રવર્તતી થિયરી અનુસાર જ્યારે મતદાન ઓછું થાય ત્યારે શાસક પક્ષ માટે ચિંતાની બાબત હોય છે પરંતુ આ વખતે થયેલું રેકોર્ડબ્રેક મતદાન એક એ બાબત તરફ નિર્દેશ કરે છે કે લોકોએ ચોક્કસપણે કોઈ એક રાજનૈતિક વિચારને પહેલેથી જ પસંદ કરી અને મતદાન કર્યું છે અને આ બાબત માટે ભાજપનો રાષ્ટ્રવાદનો વિચાર  કોંગ્રેસના “ન્યાય” કરતા આગળ હોવાની પૂરી સંભાવના છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક અન્ય પરિબળ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી ગયું અને એ હતું સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાનો બંને પક્ષો દ્વારા ખૂબ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. લોકમાનસને પોતાના તરફ વાળવા માટે, યોજનાઓ અને પક્ષની નીતિઓ લોકો સુધી લઈ જવા માટે બંને પક્ષોએ આ માધ્યમોનો ભરપૂર ઉપયોગ કર્યો પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં લાકડીયા તારની જેમ ફરી વળેલા મતદાનના સંદેશાઓએ વાતાવરણને ભાજપની તરફેણમાં વધુ મજબૂત બનાવ્યું અને જેમ દર વખતે થતું આવ્યું છે તેમ આ વખતે પણ બૂથ લેવલના કાર્યકર્તાઓથી માંડી પરિવાર ક્ષેત્રના તમામ કાર્યકરોએ છેક છેલ્લી ઘડી સુધી ભાજપના કમિટેડ વોટરને બુથ પર લઇ જવાનું કામ કર્યું અને તેનું પરિણામ આપણે 23મી મે ના રોજ ચોક્કસપણે જોઈ શકીશું.

આ ઉપરાંત એક અન્ય મહત્વની બાબત. એક ગુજરાતી વ્યક્તિ વડાપ્રધાન પદે બેસે તેનું તમામ ગુજરાતીઓને સ્વાભાવિકપણે ગૌરવ હોય. આમ આદમી હજુ પણ નરેન્દ્રભાઈ સાથે એક આદર અને પ્રેમનું તાદાત્મ્ય ધરાવે છે આ આદર અને તાદાત્મયને તોડવામાં કોંગ્રેસ હજુ સુધી સદંતર નિષ્ફળ રહી છે એટલે ગમે તેવા રાજકીય કાવાદાવાઓ થયા હોય, પ્રચાર  કે અતિ પ્રચાર થયા હોય પરંતુ જ્યાં સુધી નરેન્દ્રભાઇની પ્રતિભાને અને પ્રતિમાને ખંડિત નહીં કરી શકાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના દબદબાને ખતમ કરવો કોંગ્રેસ માટે મુશ્કેલ છે. અને એટલા માટે જ ૨૩મી તારીખે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરીથી તમામ બેઠકો જાળવી રાખે તો નવાઈ ન પામતા.

(DR.SHIRISH KASHIKAR, DIRECTOR, National Institute of Mass Communication & Journalism, Ahmedabad)

LEAVE YOUR COMMENT