ચેન્નાઈ, 5 મે 2026: તમિલનાડુના રાજકારણમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા છ દાયકાથી ચાલી આવતા દ્રવિડ પક્ષોના વર્ચસ્વને તોડીને અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગ વેટ્રી કઝગમ’ (ટીવીકે) 2026ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી શક્તિ બનીને ઉભરી છે. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી આ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ બહુમતીના આંકડાથી તે સહેજ દૂર રહી ગઈ છે.
તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. જો કે, ટીવીકેને 108 બેઠકો પર જીત મળી છે, એટલે કે બહુમતી માટે હજુ પણ 10 બેઠકો ખૂટે છે. આ ગણિત વધુ જટિલ ત્યારે બને છે જ્યારે વિજય બે બેઠકો (પેરમ્બુર અને તિરુચિ ઈસ્ટ) પરથી જીત્યા છે. નિયમ મુજબ તેમણે એક બેઠક છોડવી પડશે, જેનાથી પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 107 થશે. ઉપરાંત, સ્પીકરની વરણી બાદ ગૃહમાં પ્રભાવી સંખ્યામાં વધુ ઘટાડો થશે. આ સંજોગોમાં ટીવીકેને સરકાર ટકાવવા માટે ઓછામાં ઓછા 12 વધારાના ધારાસભ્યોના ટેકાની જરૂર પડી શકે છે.
ચૂંટણી પરિણામો અનુસાર, ડીએમકે ગઠબંધનમાં ગાબડાં પડ્યા છે. કોંગ્રેસને 6 બેઠકો, જ્યારે ડાબેરી પક્ષો સીપીઆઈ અને સીપીઆઈ(એમ)ને 2-2 બેઠકો મળી છે. બીજી તરફ, એઆઈએડીએમકે ગઠબંધનમાં સામેલ પીએમકે અને ભાજપ પણ કેટલીક બેઠકો જીતવામાં સફળ રહ્યા છે. જો વિજય આ નાના પક્ષો કે અપક્ષોનો સાથ મેળવી લે છે, તો તેઓ આસાનીથી સત્તાના સિંહાસન સુધી પહોંચી શકે છે.
રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર ટૂંક સમયમાં સરકાર રચવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. તેઓ સૌથી મોટા પક્ષ તરીકે વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે અથવા બહુમતી સાબિત કરવા કહી શકે છે. જો ટીવીકે બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહે, તો બીજા સૌથી મોટા પક્ષ તરીકે ડીએમકેને તક મળી શકે છે. જો કોઈ પણ પક્ષ બહુમતી સાબિત ન કરી શકે, તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાઈ શકે છે અને છ મહિનામાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત આવી શકે છે.

