1. Home
  2. Political
  3. ભાજપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, અડવાણી અને મુરલી મનોહર જોશીના નામ ગાયબ
ભાજપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, અડવાણી અને મુરલી મનોહર જોશીના નામ ગાયબ

ભાજપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, અડવાણી અને મુરલી મનોહર જોશીના નામ ગાયબ

0

લોકસભા ચૂંટણી માટે ભાજપે તાબડતોબ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પ્રચાર માટે ભાજપે વિજય સંકલ્પ સભાઓ પણ શરૂ કરી દીધી છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અલગ અલગ શહેરોમાં પાર્ટી માટે પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 28 માર્ચથી પ્રચાર અભિયાનમાં ઉતરવાના છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહીતના પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.

ભાજપના સંસ્થાપક સદસ્ય રહેલા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના નામ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે પહેલા અડવાણીની ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી અને હવે અહેવાલો છે કે ભાજપ કાનપુરથી મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કાપે તેવી સંભાવના છે. જો કે ખુદ ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી ચુકેલા કલરાજ મિશ્ર, સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીના નામ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, ઉમા ભારતી, હેમા માલિની, શિવરાજસિંહ ચૌહાન, પિયૂષ ગોયલ, મનોજ તિવારી, દિનેશન શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યના નામ સામેલ છે. તેની સાથે જ ભાજપના અન્ય નેતાઓના નામ પણ આ યાદીમાં સામેલ છે.

આરજેડીની યાદીમાં લાલુ-મીસા ભારતીના નામ નથી

આરજેડીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને રાજ્યસભાના સાંસદ મીસા ભારતીના નામ સામેલ નથી. આરજેડી તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં 40 નેતાઓના નામ સ્ટાર પ્રચારક તરીકે સામેલ છે. ચારા કાંડમાં લાલુયાદવ જેલમાં સજા કાપી રહ્યા છે. હાલ તેઓ રાંચીની રિમ્સમાં સારવાર માટે ભરતી છે. તો મીસા ભારતીને લઈને ચર્ચા છે કે તેઓ પાટલિપુત્રથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. ગત વખતે પણ તેમણે અહીંથી ચૂંટણી લડી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડયો હતો. આ બેઠક પરથી રામકૃપાલ યાદવ ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા.

એસપીની યાદીમાં જોડવામાં આવ્યું મુલાયમસિંહ યાદવનું નામ

આ પહેલા યુપીમાં સમાજવાદી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવનું નામ ગાયબ હતું. મીડિયા અહેવાલો બાદ સમાજવાદી પાર્ટીએ ફરીથી યાદી જાહેર કરી અને આ યાદીમાં મુલાયમસિંહ યાદવનું નામ સામેલ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT