1. Home
  2. Political
  3. આતંકવાદ સામે મોદી સરકારની મોટી જીત, મસૂદ અઝહર યુએનની ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં થયો સામેલ
આતંકવાદ સામે મોદી સરકારની મોટી જીત, મસૂદ અઝહર યુએનની ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં થયો સામેલ

આતંકવાદ સામે મોદી સરકારની મોટી જીત, મસૂદ અઝહર યુએનની ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં થયો સામેલ

0

આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની કૂટનીતિક કોશિશો પર આજે એક મોટી સફળતા મળી છે. પાડોશી દેશ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થયો છે. ભારતમાં સંસદ પરના હુમલાથી લઈને પુલવામા એટેકમાં સીઆરપીએફના 40 જવાનોને શહીદ થવા પાછળ જવાબદાર મસૂદ અઝહરને યુએનએ પ્રતિબંધિત આતંકીની યાદીમાં સામેલ કર્યો છે. મસૂદ અઝહરનું નામ યુએનની આતંકવાદીઓની યાદીમાં નાખવાના પ્રસ્તાવ પર ચીને 13 માર્ચે લગાવેલી પોતાની તકનીકી હોલ્ડને પાછી ખેંચી લીદી છે. આના સંદર્ભે ચીને બુધવારે સવારે ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સંબંધિત 1267 સમિતિમાં પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે.

ઉચ્ચ પદસ્થ સૂત્રો મુજબ, ચીને આના સંદર્ભે સંકેત આપ્યા હતા કે સુરક્ષા પરિષદની 1267 સમિતિની સામે તે આ મામલા પર પોતાની રોક સમાપ્ત કરવા માટે રાજી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આના સંકેત આપતા મંગળવારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે મામલા પર 1267 સમિતિમાં ચાલી રહેલી વાતચીતમાં સકારાત્મક પ્રગતિ થઈ છે. ચીનના પ્રવક્તાનો ભાર એ કહેવા પર હતો કે મસૂદ અઝહરને યાદીબદ્ધ કરવાની કોશિશોને ચીન ટેકો આપે છે અને આ મામલાનું સમાધાન 1267 સમિતિ હેઠળ થવું જોઈએ.

ચીનની તકનીકી અડચણ હટતા જ મસૂદ અઝહરે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધિત યાદીમાં નાખી દેવામાં આવ્યું છે. આ મુહિમના હાલના પ્રસ્તાવક ભલે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન હોય, પરંતુ આ ભારતના કૂટનીતિક પ્રયાસોની મોટી જીત છે. ભારત આના માટે સતત કોશિશ કરી રહ્યું હતું. પઠાનકોટ એરબેઝ પર આતંકી હુમલા અને ઉરીમાં સૈન્ય છાવણી પરના આતંકવાદી હુમલા બાદ પણ ભારતે આના સંદર્ભે કોશિશો કરી હતી. પરંતુ દરેક વખતે ચીન આમા તકનીકી પેચ લડાવીને અડચણો પેદા કરતું હતું.

ચીનના વલણમાં ફેરફારનો મતલબ

માર્ચ-2019માં ચીનની અડચણ બાદથી જ બીજિંગને રાજી કરવા માટે કોશિશો ચાલી રહી હતી. આમા જ્યાં અમેરિકા સહીત કેટલાક દેશ દબાણ બનાવી રહ્યા હતા, ત્યારે ભારતે ચીન સાથે સંવાદનો વિકલ્પ ખોલ્યો હતો. તાજેતરમાં 21-22 એપ્રિલે વિદેશ સચિવ વિજય ગોખલેએ પોતાની ચીન યાત્રા દરમિયાન આ મુદ્દા પર સમર્થનનો આગ્રહ દોહરાવ્યો હતો. માનવામાં આવે છે કે બેલ્ટ એન્ડ રોડ સંમેલનની બેઠક દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાનની ચીનની મુલાકાત દરમિયાન તેમણે પણ આ વાતનો સંકેત મળી ગયો હતે કે બીજિંગ હવે આ મુદ્દા પર મસૂદ અઝહરનો બચાવ કરી શકશે નહીં.

જો કે ચીન આના સંદર્ભેનો નિર્ણય જૂન સુધી ટાળવા માંગતું હતું. સ્પષ્ટ છે કે તેની પાછળ તેની નજર ભારતમાં ચાલી રહેલી ચૂંટણીની કવાયતને લઈને પણ હતી. પરંતુ તેની દલીલોને સુરક્ષા પરિષદમાં ટેકો મળી શક્યો નહીં. અમેરિકા સહીતના ઘણાં દેશોનો તર્ક હતો કે એક આતંકવાદીને પ્રતિબંધિત યાદીમાં નાખવાનો મામલો તકનીકી છે અને તેનો નિર્ણય રાજકીય આધાર પર થવો જોઈએ નહીં. તેવામાં ચીન પોતાની તકનીકી રોક પર જલ્દીથી નિર્ણય કરવાની યુએન દ્વારા તાકીદ પણ કરવામાં આવી હતી, જો ચીન આવી વિચારણા કરે નહીં તો મામલો સુરક્ષા પરિષદમાં ચર્ચા માટે મૂકાવાનો હતો. સ્વાભાવિક છે કે સુરક્ષા પરિષદમાં બહુમતીએ ચીન માટે આ મામલાને વધુ ટાળવાનો અવકાશ ઓછો કરી દીધો હતો.

ફેબુઆરી-2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ફ્રાંસ, અમેરિકા, બ્રિટને આ હુમલા માટે જવાબદાર મસૂદ અઝહરનું નામ યુએનની આતંકવાદીઓની યાદીમાં નાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સતત ચોથીવાર ચીને આ પ્રસ્તાવ પર તકનીકી રોકની બ્રેક લગાવી હતી. મસૂદ અઝહરની સાથે તેને પાળીપોષી રહેલા પાકિસ્તાનને પણ રાહત આપી હતી.

જો કે આના સંદર્ભે પ્રસ્તાવની આગેવાની કરી રહેલા અમેરિકા, ફ્રાંસ સહીતના સુરક્ષા પરિષદના અન્ય સ્થાયી સદસ્યોએ મામલામાં અડંગો લગાવતા રહેલા ચીનને પાઠ ભણાવવાનું મન બનાવી લીધું હતું. તેના કારણે અમેરિકાએ પણ કેટલાક દિવસોની અંદર સ્પષ્ટ કરી દીધું હતું કે જો ચીન મસૂદ અઝહરને લઈને લગાવવામાં આવેલી રોક હટાવશે નહીં, તો આ મામલાને સુરક્ષા પરિષદમાં ખુલ્લી ચર્ચા માટે લાવવામાં આવશે. અમેરિકાના આ એલાન અને તેને અન્ય દેશોના ટેકાને કારણે ચીનની મુશ્કેલી વધી ગઈ હતી. એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે, ચીન માટે તકનીકી રોકના સહારે આ મુદ્દાને ટાળવો આસાન છે. પરંતુ યુએનએસસીમાં એક આતંકવાદીની ખુલ્લા મંચ પર હિમાયત કરવી ઘણી મુશ્કેલ હતી. સ્વાભાવિક છે કે ચીન આવી સ્થિતિથી બચવા ઈચ્છશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે, ચીનના વલણમાં આ પરિવર્તનનું કારણ આતંકવાદને લઈને પાકિસ્તાન પર વધતું આંતરરાષ્ટ્રીય દબાણ અને ત્યાં ફસાયેલા પોતાના રોકાણની ફિકર પણ છે. આતંકી માળખાને લઈને પાકિસ્તાન ગત ઘણાં મહિનાઓથી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે એફએટીએફના નિરીક્ષણમાં છે. એફએટીએફએ પાકિસ્તાનને જૂન-2018માં પાકિસ્તાનને એ હિદાયત આપીને ગ્રે વોચલિસ્ટમાં નાખ્યો હતો કે જો તે આતંકવાદ પર ગાળિયો કસશે નહીં, તો તેને ઓક્ટોબર-2019માં કાળી યાદીમાં નાખવામાં આવશે. અમેરિકાની પ્રવર્તમાન અધ્યક્ષતાવાળા એફએટીએફની જૂન-2019માં બેઠક થવાની છે. જેમાં પાકિસ્તાન તરફથી આતંકવાદ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે એફએટીએફના ઉપાધ્યક્ષની ખુરશી સંભાળી રહેલા ચીનની બિલકુલ ઈચ્છા નહીં હોય કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવે કે જ્યાં તેના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવમાં કરોડો ડોલરનું રોકાણ છે. પાકિસ્તાનના બ્લેક લિસ્ટમાં જવાપર આ રોકાણ સંકટમાં આવી શકે તેવી શક્યતા છે.

સૂત્રો પ્રમાણે, મસૂદ અઝહરને લઈને યુએનમાં ચીન પર દબાણનું એક કારણ એ આફ્રિકન, એશિયન અને યુરોપિયન દેશોનું વલણ પણ છે કે જેઓ સુરક્ષા પરિષદના સદસ્ય છે. યુએનએસસીના હંગામી સદસ્યોની યાદીમાં આફ્રિકાનો દેશ કોટ ડિવોર પણ છે, જ્યાં ચીનનું ઘણું રોકાણ છે. પરંતુ માર્ચ-2016માં અલકાયદા પ્રાયોજીત આતંકી હુમલો સહન કરી ચુકેલા આ નાનકડા આફ્રિકન દેશ માટે આ વૈશ્વિક આતંકી સંગઠન સાથે જોડાયેલા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને કોઈપણ પ્રકારની રાહત આપવી મુશ્કેલ હતી. કંઈક આવી જ સ્થિતિ યુએનએસસીના કામચલાઉ સદસ્ય ઈન્ડોનેશિયાની પણ છે, જ્યાં મે-2018માં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા.

શું થશે અસર?

પાકિસ્તાનમાં આતંકવાદીઓના પ્રભાવને જોતા એ વાતની આશા મુશ્કેલ છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત યાદીમાં મસૂદ અઝહરના સામેલ થયા બાદ ઈસ્લામાબાદ તેની વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરશે. પહેલા પ્રતિબંધિત યાદીમાં રહેલા હાફિઝ સઈદ જેવા આતંકી સરગનાને પ્રાપ્ત થયેલી સહુલિયતો જોતા આનો અંદાજો લગાવી શકાય છે. જો કે આતંકવાદને લઈને વધી રહેલા દબાણ અને એફએટીએફ બ્લેક લિસ્ટિંગની લટકતી તલવાર વચ્ચે એ વાતનો ઈન્કાર પણ કરી શકાય તેમ નથી કે દેખાડો કરવા માટે પણ મસૂદ અઝહર પર ગાળિયો કસવો પાકિસ્તાનની મજબૂરી જરૂરથી હશે.

LEAVE YOUR COMMENT