1. Home
  2. Political
  3. એક અફવા બની યુપીના મેરઠમાં હિંસાનું કારણ, 100થી વધારે ઝૂંપડાં અને કાચા મકાનો ફૂંકી મારવામાં આવ્યા!
એક અફવા બની યુપીના મેરઠમાં હિંસાનું કારણ, 100થી વધારે ઝૂંપડાં અને કાચા મકાનો ફૂંકી મારવામાં આવ્યા!

એક અફવા બની યુપીના મેરઠમાં હિંસાનું કારણ, 100થી વધારે ઝૂંપડાં અને કાચા મકાનો ફૂંકી મારવામાં આવ્યા!

0

ઉત્તરપ્રદેશના બેહદ સંવેદનશીલ ગણાતા મેરઠના એક વિસ્તારમાં જ્યાં રહેણાંક હતા, ત્યાં હવે રાખ, ધુમાંડો અને બળેલો સામાન પડેલો છે. પાઈ-પાઈ એકઠી કરીને બનાવવામાં આવેલા આશિયાનાના વેરણ-છેરણ થઈ જવા અને બળીને ખાખ થઈ જવાનું કારણ માત્ર એક અફવા હતી.

મેરઠ કેન્ટ પોલીસ સ્ટેશન સદર વિસ્તારની એક વસ્તીમાં કેન્ટ બોર્ડની ટુકડી પોલીસ સાથે ગેરકાયદેસર નિર્માણ કાર્ય હટાવવા માટે આવી હતી. ત્યારે એ વાત ફેલાઈ હતી કે બોર્ડ અને પોલીસની ટીમ ગેરકાયદેસર વસૂલીના ઉદેશ્યથી અહીં પહોંચી છે.

આ અફવાની સાથે જ લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી હતી કે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેના પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ વિસ્તારના લોકોનો એ પણ આરોપ છે કે પોલીસની ટીમે જ અહીં આગચંપી કરી હતી.

કાચા મકાનોની વસ્તીમાં ઘરોમાં રહેલા ગેસ સિલિન્ડરોએ આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું અને જોતજોતામાં લગભગ 100 જેટલા ઝૂંપડાં અને કાચા મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ પર કાબુ મેળવવા માટે આસપાસના જિલ્લાઓમાંથી ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે. કલાકોની મહેનત બાદ આગ પર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ ચુક્યો હતો.

એક ધાર્મિક સ્થાન સહીત ઘણાં કાચા મકાનો અને ઝૂંપડા આગમાં હોમાઈ ગયા હતા. આક્રોશિત ભીડે સડકો પર પર પહોંચીને ટ્રાફિક જામ કર્યો હતો અને આવાગમન કરતા ઘણાં વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. આ મામલાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારોમાંથી પોલીસ ફોર્સને બોલાવી લેવામાં આવી હતી અને તેને અહીં તેનાત કરવામાં આવી છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચુકી છે.

આ હંગામામાં પોલીસ અને કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે. આરોપ એવો પણ લગાવાઈ રહ્યો છે કે પોલીસના હથિયાર અને વાયરલેસને પણ છીનવી લેવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ થઈ રહી છે કે આગ કેવી રીતે અને કોણે લગાવી હતી. પરંતુ મામલો વધુ વણસે નહીં તેના માટે પ્રશાસને આખા વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પર કેટલાક સમયગાળા સુધી રોક લગાવી છે.

જે ગેરકાયદેસર નિર્માણ ધરાવતા મકાનને તોડવા માટે આટલો મોટો હંગામો થયો હતો, તે નિર્માણકાર્ય યથાવત છે. પરંતુ આસપાસની ઝૂંપડીઓ અને કાચા મકાનો બળીને ખાખ થઈ ચુક્યા છે. હાલ પોલીસ આ મામલામાં ઘણાં લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે.

LEAVE YOUR COMMENT