દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના દોષિતોની દયા અરજીને દિલ્હી સરકારે ફગાવી છે. દિલ્હી સરકાર એ આ સૂચના ગૃહ મંત્રાલયને પણ આપી છે. હવે ગૃહ મંત્રાલય રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયા અરજી ફગાવાયા બાદ નિર્ભયા ગેંગરેપના હેવાનોને ફાંસી આપવામાં આવશે. હૈદરાબાદમાં વેટરનીટી ડૉક્ટર સાથે ગેંગરેપ અને બાદમાં તેની હત્યા બાદ સમગ્ર દેશના લોકો રોષે ભરાયેલા છે અને નિર્ભયાના હેવાનોને ફાંસીના માચડે લટકાવવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે.
આ અપરાધીઓએ વર્ષ 2012માં દિલ્હીમાં 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની નિર્ભયા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને અનેક જગ્યાએ વ્યાપકપણે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દુર્ઘઠના બાદ યૂપીએ સરકારે આપરાધિક કાનૂનમાં પણ ફેરફાર કરવાની નોબત આવી હતી.